<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th April 2026

અનંત અંબાણીએ ૩૧મા જન્‍મદિવસ નિમિત્તે ૫૭ લાખથી વધુ લોકોના કલ્‍યાણ માટે ખોલ્‍યો સેવાનો ખજાનોઃ ગુજરાતના મુખ્‍ય યાત્રાધામોમાં માળખાકીય વિકાસની ભેટ

અન્ન સેવા, આરોગ્‍ય, શિક્ષણ અને ગૌમાતાના જતન માટે ૩૧ અનોખી સખાવતી પહેલની જાહેરાતઃ દેશ-વિદેશના અખબારો, ન્‍યૂઝ ચેનલો અને સોશિયલ મીડિયા પ્‍લેટફોર્મ એક્‍સ પર અનંત સેવાની ભારે પ્રશંસા

(મુકુંદ બ્‍દિયાણી દ્વારા) જામનગર તા.૧૦: રિલાયન્‍સ ઇન્‍ડસ્‍ટ્રીઝ લિમિટેડના એક્‍ઝિક્‍યુટિવ ડાયરેક્‍ટર અનંત અંબાણીએ તેમના ૩૧મા જન્‍મદિવસને અનોખી રીતે ઉજવતા આશરે ૫૭ લાખ લોકોના જીવનને સ્‍પર્શતી વિવિધ સામાજિક, શૈક્ષણિક અને ધાર્મિક કલ્‍યાણકારી યોજનાઓ જાહેર કરી છે. સોમનાથ, દ્વારકા અને અંબાજી જેવા પવિત્ર યાત્રાધામોમાં યાત્રાળુઓ માટે વિશેષ સુવિધાઓથી લઈને જામનગર અને આસપાસના વિસ્‍તારોમાં શિક્ષણ તથા આરોગ્‍ય ક્ષેત્રે કરોડો રૂપિયાના માળખાકીય વિકાસના કાર્યો હાથ ધરવામાં આવશે. આ ઐતિહાસિક સખાવતની નોંધ હિન્‍દી, ઉર્દુ અને અંગ્રેજી ભાષાના અખબારો તેમજ રાષ્ટ્રીય ટેલિવિઝન ચેનલોએ પણ વિશેષ અહેવાલો દ્વારા લીધી છે.

રિલાયન્‍સ ઇન્‍ડસ્‍ટ્રીઝ લિમિટેડના એક્‍ઝિક્‍યુટિવ ડાયરેક્‍ટર શ્રી અનંત અંબાણીએ તેમના ૩૧મા જન્‍મદિવસ પ્રસંગે ૯ એપ્રિલ, ૨૦૨૬ના રોજ પરોપકાર અને સમાજ સેવાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્‍યું છે. તેમણે પોતાના જન્‍મદિવસની ઉજવણી માટે કોઈ મોટા ઉત્‍સવને બદલે ગરીબ અને જરૂરિયાતમંદ લોકોની સેવાનો માર્ગ પસંદ કર્યો છે. તેમની આ સખાવત થકી દેશના આશરે ૫૭ લાખ લોકોના જીવનમાં સકારાત્‍મક બદલાવ આવશે. આ ભગીરથ કાર્યની ચર્ચા માત્ર ગુજરાતમાં જ નહીં, પરંતુ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્‍તરે થઈ રહી છે. માઇક્રોબ્‍લોગિગ પ્‍લેટફોર્મ એક્‍સ, વિવિધ ટેલિવિઝન ચેનલો, અને અંગ્રેજી, હિન્‍દી તથા ઉર્દુ અખબારોમાં શ્રી અનંત અંબાણીની આ સેવાભાવનાને ભારે બિરદાવવામાં આવી રહી છે.

તેમના ૩૧મા જન્‍મદિવસ નિમિત્તે બરાબર ૩૧ અલગ-અલગ સખાવતી પહેલોની જાહેરાત કરવામાં આવી છે. અનંત અંબાણી સનાતન ધર્મમાં અતૂટ શ્રદ્ધા ધરાવે છે. આ અંતર્ગત ગુજરાતના પવિત્ર યાત્રાધામોમાં માળખાકીય વિકાસના કાર્યોની વણઝાર લગાવવામાં આવી છે.

દ્વારકામાં દર્શનાર્થીઓ માટે નવું બહુમાળી યાત્રી ભવન અને વરિષ્ઠ નાગરિકો તથા દિવ્‍યાંગો માટે શારદાપીઠમાં એસ્‍કેલેટરની સુવિધા ઊભી કરાશે, જેનાથી વાર્ષિક ૭૫,૦૦૦ યાત્રાળુઓને સીધો ફાયદો થશે.

અંબાજીમાં નવા યાત્રી ભવનમાં ૧૭ રૂમનો માળ અને વાર્ષિક ૨૬ લાખ ભક્‍તો માટે ભોજન પ્રસાદીનું આયોજન કરાયું છે.

સોમનાથ જ્‍યોતિર્લિગ ખાતે પણ ૨૬ લાખ યાત્રાળુઓ માટે ભોજન વ્‍યવસ્‍થા કરવામાં આવી છે.

જ્‍યારે નાથદ્વારામાં ૨.૨૫ લાખ વૈષ્‍ણવો માટે અન્ન સેવાનું કાર્ય હાથ ધરાયું છે.

આરોગ્‍ય ક્ષેત્રે જામનગરની ગુરુ ગોવિદસિઘ હોસ્‍પિટલમાં આશરે ૨.૨૬ લાખ દર્દીઓને ડોક્‍ટરની સલાહ મુજબનું શુદ્ધ ભોજન પૂરું પાડવામાં આવશે. પ્રોજેક્‍ટ દ્રષ્ટિ અંતર્ગત અત્‍યાર સુધીમાં ૧.૫૦ લાખ લોકોને આંખની સારવાર અપાઈ ચૂકી છે.

૧૯ એપ્રિલના રોજ જોગવડમાં મલ્‍ટી-સ્‍પેશિયાલ્‍ટી આરોગ્‍ય નિદાન કેમ્‍પ અને પડાણાની એનિમલ હોસ્‍પિટલમાં પશુ નિદાન કેમ્‍પ પણ યોજાવા જઈ રહ્યો છે.

શિક્ષણને પ્રોત્‍સાહન આપવા સિક્કા અને ડેરા છીકારી ગામોમાં શાળાઓના નવા મકાન બનશે.

જામનગર અને ગીરતારા પંથકની સરકારી પ્રાથમિક શાળાના ૧૨,૦૦૦ વિદ્યાર્થીઓને ટ્રેકસૂટ અપાશે.

અક્ષય પાત્ર ફાઉન્‍ડેશનને જામનગરમાં અત્‍યાધુનિક સામુદાયિક રસોડું બનાવી અપાયું છે, જે ૨૨,૦૦૦ વિદ્યાર્થીઓને વાર્ષિક ૫૫ લાખ ભોજન પીરસી રહ્યું છે.

વડોદરાના મુનિ સેવાશ્રમમાં ૭૦૦ આદિવાસી વિદ્યાર્થીઓને અને રાજકોટના સદભાવના વૃદ્ધાશ્રમ તથા ખેડાના મહિપતસિહ ફાઉન્‍ડેશનના ૪,૦૦૦ વરિષ્ઠ નાગરિકોને નાણાકીય મદદ પૂરી પાડવામાં આવી છે.

ઉજવણીના ભાગરૂપે ૧૦ દિવસ સુધી લોક ડાયરા સહિતના સાંસ્‍કૃતિક કાર્યક્રમો યોજાશે.

ગઈકાલે ૯ એપ્રિલે જોગવડમાં ભવ્‍ય ભોજન સમારંભ યોજાયો હતો. આસપાસના ૧૫ ગામોના ૩૧,૦૦૦ લોકોને મીઠાઈ, ૩૧,૦૦૦ મહિલાઓને સાડી, અને ગીરતારામાં ૫,૦૦૦ લોકોને મીઠાઈ વિતરણ કરાઈ રહી છે.

જામનગર સંકુલના ૯૫,૦૦૦ કોન્‍ટ્રાક્‍ટ કામદારોને ફૂડ હેમ્‍પર્સ અપાશે, આમ આશરે ૧.૭૫ લાખ લોકો સીધી રીતે આ સેવાકીય ઉજવણીમાં જોડાશે.

ગ્રામીણ વિકાસ અંતર્ગત નવ ગામોમાં સ્‍મશાનગૃહો અને વિવિધ ગામોમાં કોમ્‍યુનિટી હોલ બનશે. સમાજના દરેક વર્ગને સાથે લઈને ચાલવાની આ પહેલ સાચા અર્થમાં પરોપકારનું મહાપર્વ બની રહી છે.

જામનગર અને આસપાસના ગામોમાં સેવાની ગંગોત્રી

ગુરુ ગોવિદસિઘ હોસ્‍પિટલના દર્દીઓને એક વર્ષ સુધી નિઃશુલ્‍ક ભોજન, પ્રોજેક્‍ટ દ્રષ્ટિ હેઠળ આંખની સારવાર અને જોગવડમાં મલ્‍ટી-સ્‍પેશિયાલ્‍ટી મેડિકલ કેમ્‍પ યોજાશે. ૧૨,૦૦૦ વિદ્યાર્થીઓને ટ્રેકસૂટ, ૯૫,૦૦૦ કોન્‍ટ્રાક્‍ટ કામદારોને ફૂડ હેમ્‍પર્સ અને ૩૧,૦૦૦ મહિલાઓને સાડીનું વિતરણ કરાશે. નવ ગામોમાં સ્‍મશાનગૃહો અને વિવિધ ગામોમાં કોમ્‍યુનિટી હોલ બનશે.

ધાર્મિક સ્‍થળોએ યાત્રાળુઓ માટે અત્‍યાધુનિક સુવિધાઓ

ભગવાન કૃષ્‍ણના ધામ દ્વારકામાં યાત્રાળુઓ માટે બહુમાળી યાત્રી ભવન અને શારદાપીઠમાં એસ્‍કેલેટર લગાવવામાં આવશે. અંબાજીમાં નિર્માણાધીન યાત્રી ભવનમાં ૧૭ રૂમનો એક આખો અલગ માળ બનશે અને એક વર્ષ માટે ભોજન પ્રસાદી અપાશે. સોમનાથ મહાદેવ મંદિરે પણ વર્ષભર સવાર-સાંજ અન્ન સેવા ચાલશે. સાળંગપુર અને જામનગરના સેતાલુસ ખાતે ગૌશાળાઓનું નિર્માણ થશે.

(10:50 AM IST)