<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th April 2026

ઓડિશામાં અદાણી ગ્રુપનું ઐતિહાસિક રોકાણ : ૩૩ હજાર કરોડથી વધુના ત્રણ મેગા પ્રોજેક્‍ટ્‍સનો શિલાન્‍યાસ

ડેટા સેન્‍ટર, પાવર પ્‍લાન્‍ટ અને સિમેન્‍ટ ફેક્‍ટરીઃ ૯,૭૦૦ નવી રોજગારી સાથે કરણ અદાણીએ ઓડિશાના વિકાસમાં દર્શાવ્‍યો અતૂટ વિશ્વાસ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા. ૧૦:  અદાણી ગ્રુપે ઓડિશાના ભુવનેશ્વર અને કટક ખાતે ત્રણ મોટા ઔદ્યોગિક પ્રોજેક્‍ટ્‍સની જાહેરાત કરી છે.  ૮ એપ્રિલના યોજાયેલા સમારંભમાં શ્રી કરણ અદાણીએ કુલ ૩૩,૦૮૧ કરોડ રૂપિયાના મૂડીરોકાણની ઘોષણા કરી હતી. આ પ્રોજેક્‍ટ્‍સ થકી રાજ્‍યમાં પ્રત્‍યક્ષ અને પરોક્ષ રીતે અંદાજે ૯,૭૦૦ નવી રોજગારીની તકો ઉભી થશે. આ શિલાન્‍યાસ કાર્યક્રમમાં ઓડિશાના મુખ્‍યમંત્રી શ્રી મોહન ચરણ માઝી અને ઉદ્યોગ મંત્રી શ્રી સંપદ ચરણ સ્‍વૈન વિશેષ ઉપસ્‍થિત રહ્યા હતા.

ઓડિશાના ઔદ્યોગિક વિકાસને નવી ગતિ આપવા માટે અદાણી ગ્રુપે એક મોટું અને ઐતિહાસિક પગલું ભર્યું છે. આજરોજ ભુવનેશ્વર ખાતે યોજાયેલા મલ્‍ટી-સેક્‍ટોરલ ઇન્‍ડસ્‍ટ્રીયલ પ્રોજેક્‍ટ્‍સના શિલાન્‍યાસ સમારંભમાં અદાણી પોર્ટ્‍સ અને સેઝ લિમિટેડના મેનેજિંગ ડિરેક્‍ટર શ્રી કરણ અદાણીએ રાજ્‍યમાં ત્રણ મોટા પ્રોજેક્‍ટ્‍સનો શિલાન્‍યાસ કર્યો હતો.

શ્રી કરણ અદાણીએ પોતાના પ્રવચનમાં ઓડિશાના ભવિષ્‍ય પર વિશ્વાસ વ્‍યક્‍ત કરતા આ પ્રોજેક્‍ટ્‍સની જાહેરાત કરી હતીઃ

ઇન્‍ફો વેલી, ભુવનેશ્વર ખાતે ડેટા સેન્‍ટરઃઆ પ્રોજેક્‍ટમાં ૮૦૦ કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે. આ માત્ર સર્વરોથી ભરેલી ઇમારત નહીં હોય, પરંતુ ઓડિશાના ડિજિટલ અર્થતંત્રનું માળખું હશે. આના દ્વારા આવનારા દાયકાઓમાં એઆઇ, ક્‍લાઉડ કમ્‍પ્‍યુટિંગ અને ડિજિટલ ગવર્નન્‍સનું સંચાલન થશે. આ પ્રોજેક્‍ટ ઉચ્‍ચ કક્ષાની ૨૦૦ જેટલી પ્રત્‍યક્ષ અને પરોક્ષ રોજગારીનું નિર્માણ કરશે.

કટક નજીક થર્મલ પાવર પ્‍લાન્‍ટઃ ઊર્જા સુરક્ષાને ધ્‍યાનમાં રાખીને અદાણી ગ્રુપ કટક નજીક ૩૦,૧૮૧ કરોડ રૂપિયાના ખર્ચે થર્મલ પાવર પ્‍લાન્‍ટ સ્‍થાપશે. આ પ્‍લાન્‍ટ પાવર ગ્રીડને સ્‍થિરતા પ્રદાન કરશે અને લાખો પરિવારો તેમજ એમએસએમઇ એકમોને સતત વીજળી પૂરી પાડશે. આ મહાકાય પ્રોજેક્‍ટથી ૭૦૦૦ લોકોને પ્રત્‍યક્ષ અને પરોક્ષ રીતે રોજગારી મળશે.

 કટક નજીક સિમેન્‍ટ ઉત્‍પાદન એકમર્ઃં ઇન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચરના નિર્માણ માટે જરૂરી એવા સિમેન્‍ટનું ઉત્‍પાદન કરવા માટે ૨૧૦૦ કરોડ રૂપિયાના રોકાણથી સિમેન્‍ટ મેન્‍યુફેક્‍ચરિંગ યુનિટ સ્‍થાપવામાં આવશે. આ પ્‍લાન્‍ટ થકી ૨૫૦૦ લોકોને રોજગારી મળશે અને ઓડિશા પોતાના રાજ્‍યમાં જ હોસ્‍પિટલો, શાળાઓ અને રસ્‍તાઓ બનાવવા માટે આત્‍મનિર્ભર બનશે.

ઓડિશાના ગૌરવશાળી ઇતિહાસને કરણ અદાણીએ યાદ કર્યો : પોતાના સંબોધનમાં શ્રી કરણ અદાણીએ ઓડિશાના સમળદ્ધ ઐતિહાસિક વારસાને યાદ કર્યો હતો. તેમણે દયા નદી અને કલિંગના યુદ્ધનો ઉલ્લેખ કરતા જણાવ્‍યું કે, આ એ જ ભૂમિ છે જેણે સમ્રાટ અશોકનું હૃદય પરિવર્તન કર્યું હતું અને એશિયા ખંડમાં ધમ્‍મના વિચારને ફેલાવ્‍યો હતો. તેમણે કલિંગના પ્રાચીન સાગરખેડુઓ દ્વારા જાવા, સુમાત્રા અને બાલી સુધીના વેપાર તથા સંસ્‍કળતિના પ્રસારનો પણ ગર્વભેર ઉલ્લેખ કર્યો હતો. આ ઉપરાંત, કોણાર્ક સૂર્ય મંદિરની સ્‍થાપત્‍ય કળા અને તેની વૈજ્ઞાનિક ચોકસાઈની પ્રશંસા કરતા કહ્યું કે આ ભૂમિનું વિઝન હંમેશા વિશાળ રહ્યું છે.

ઓડિશાનું વિઝન ૨૦૩૬ અને ૨૦૪૭: શ્રી અદાણીએ ઓડિશા સરકારના  વિઝન ૨૦૩૬ (૫૦૦ અબજ યુએસ ડોલરનું અર્થતંત્ર) અને વિઝન ૨૦૪૭ (૧.૫ ટ્રિલિયન યુએસ ડોલરનું અર્થતંત્ર) ની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે ઓડિશા પાસે ૫૭૦ કિલોમીટર લાંબો દરિયાકિનારો, કોલસો, આયર્ન ઓર, બોક્‍સાઇટ જેવા ખનિજો, પાણી અને યુવા કાર્યબળ છે. વર્તમાન સરકાર ઉદ્યોગો માટે ગેટકીપર નહીં પરંતુ ‘ભાગીદાર' બનીને કામ કરી રહી છે.

અંતમાં, શ્રી કરણ અદાણીએ મુખ્‍યમંત્રી અને ઓડિશાની જનતાનો આભાર માનતા સ્‍પષ્ટ કર્યું હતું કે, અદાણી ગ્રુપ અહીં માત્ર એક મુલાકાતી તરીકે નહીં, પરંતુ ઓડિશાના વિકાસમાં એક સાચા નિર્માતા અને ભાગીદાર તરીકે આવ્‍યું છે. આજે જે પ્રોજેક્‍ટ્‍સનો શિલાન્‍યાસ થયો છે, તે માત્ર ઇમારતો નહીં, પરંતુ ઓડિશાના સુવર્ણ ભવિષ્‍યની ઇમારતનો પાયો છે

(4:15 PM IST)