હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
વૃંદાવનમાં કરૂણાંતિકા: યમુનામાં હોડી પલટતા 9ના મોત
ભારે પવન અને વહીવટી બેદરકારી વચ્ચે પોન્ટૂન પુલ સાથે અથડાઈ : પંજાબના શ્રદ્ધાળુઓના હસતા ખેલતા પરિવારોમાં શોકનું મોજું ફરી વળ્યું અને બચાવ કામગીરી હજુ પણ યુદ્ધના ધોરણે જારી

મથુરા : કાન્હાની નગરી વૃંદાવનમાં ભક્તિનો માહોલ એકાએક આક્રંદમાં ફેરવાઈ ગયો જ્યારે કેસી ઘાટ પાસે યમુના નદીમાં મુસાફરોથી ભરેલી હોડી પલટી ગઈ. પંજાબના લુધિયાણાથી દર્શનાર્થે આવેલા અંદાજે 30 જેટલા શ્રદ્ધાળુઓ આ હોડીમાં સવાર હતા. બપોરે 2:45 વાગ્યે ફૂંકાયેલા જોરદાર પવનને કારણે હોડી ચાલકે કાબૂ ગુમાવ્યો હતો, જેના પરિણામે હોડી સીધી જર્જરિત પોન્ટૂન પુલ સાથે અથડાઈ અને જોતજોતામાં ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગઈ. અત્યાર સુધીમાં 6 લોકોના કરુણ મોત નિપજ્યા છે, જ્યારે ચીસો સાંભળીને દોડી આવેલા સ્થાનિકો અને વહીવટીતંત્રે 14 થી વધુ લોકોને મોતના મુખમાંથી બહાર કાઢ્યા છે.
ઘટનાની જાણ થતા જ મથુરાના જિલ્લા મેજિસ્ટ્રેટ સહિતનો કાફલો અને NDRF-SDRFની ટીમો ઘટનાસ્થળે દોડી આવી હતી. લગભગ 50 જેટલા સ્થાનિક ડાઇવર્સની મદદથી નદીના પટમાં ગુમ થયેલા અન્ય લોકોની સઘન શોધખોળ ચાલી રહી છે. પોલીસ અધિક્ષક સુરેશ ચંદ્ર રાવતના જણાવ્યા અનુસાર, જે સ્થળે અકસ્માત થયો ત્યાં પોન્ટૂન પુલના સમારકામનું કામ ચાલતું હતું, જે આ દુર્ઘટના પાછળનું એક ટેકનિકલ કારણ હોવાની શંકા છે. બચાવેલા શ્રદ્ધાળુઓને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં કેટલાકની હાલત હજુ પણ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ અકસ્માત અંગે ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી છે અને મૃતકોના પરિવારોને આર્થિક વળતર આપવાની જાહેરાત કરી છે. તેમણે અધિકારીઓને આદેશ આપ્યો છે કે રાહત કાર્યમાં કોઈ પણ પ્રકારની કચાસ ન રાખવામાં આવે. આ કરૂણાંતિકાએ રજાના દિવસે વૃંદાવન આવેલા પ્રવાસીઓને હચમચાવી દીધા છે. હાલમાં નદીમાં રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે અને ગુમ થયેલા લોકોના પરિવારજનો ઘાટ પર આશા અને ડર સાથે પોતાના સ્વજનોની રાહ જોઈ રહ્યા છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
