<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th April 2026

ભારતીય એરલાઇન્સ પર 'દુબઈ સંકટ': ફ્લાઇટ્સ પર કાપ મુકાતા આવકમાં તોતિંગ ગાબડાની દહેશત, મુસાફરોની ચિંતા વધી

ઈરાન કટોકટી વચ્ચે ૩૧ મે સુધી વિદેશી એરલાઇન્સ માટે રોજની માત્ર એક જ ફ્લાઇટની મર્યાદા; એર ઇન્ડિયા અને ઇન્ડિગોના સેંકડો શિડ્યુલ ખોરવાશે.

મુંબઈ : ભારતીય એરલાઇન્સ કંપનીઓ માટે મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. તાજેતરમાં જેટ ઇંધણના ભાવમાં થયેલા વધારા બાદ હવે ભારતીય એરલાઇન્સ પર મોટો આર્થિક ફટકો પડવાની શક્યતા છે. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલી ઈરાન કટોકટીને પગલે દુબઈ એરપોર્ટ પ્રશાસને વિદેશી એરલાઇન્સ પર કડક પ્રતિબંધો લાદ્યા છે, જેની સીધી અસર ભારત-દુબઈ રૂટ પર જોવા મળશે.
શું છે નવો નિયમ?
દુબઈ એરપોર્ટના જણાવ્યા અનુસાર, ૨૦ એપ્રિલથી ૩૧ મે સુધી ઉનાળાના સમયપત્રક દરમિયાન તમામ વિદેશી એરલાઇન્સ દુબઈ ઇન્ટરનેશનલ અને અલ મક્તોમ એરપોર્ટ માટે દરરોજ માત્ર એક જ રાઉન્ડ ટ્રીપ (આવક-જાવક) કરી શકશે. આ પ્રતિબંધોને કારણે ભારતીય કંપનીઓની માસિક કામગીરીમાં મોટો ઘટાડો થશે. નવાઈની વાત એ છે કે, દુબઈ સ્થિત એરલાઇન્સ જેમ કે એમિરેટ્સ અને ફ્લાયદુબઈ પર આવા કોઈ પ્રતિબંધો નથી, જે ઉદ્યોગમાં અસમાનતા પેદા કરી રહ્યા છે.
ભારતીય એરલાઇન્સને સૌથી વધુ ફટકો
આ આંતરરાષ્ટ્રીય રૂટ પર ભારતીય કંપનીઓનું વર્ચસ્વ સૌથી વધુ છે, તેથી આ મર્યાદાની અસર પણ અહીં જ સૌથી વધુ જણાશે.
•    એર ઇન્ડિયા અને એર ઇન્ડિયા એક્સપ્રેસ: આ સમયગાળા દરમિયાન અંદાજે ૭૫૦થી વધુ ફ્લાઇટ્સનું આયોજન કર્યું હતું.
•    ઇન્ડિગો: અંદાજે ૫૦૦ જેટલી સર્વિસ શિડ્યુલ કરી હતી.
હવે આ હજારો ફ્લાઇટ્સ રદ થવાને કારણે કંપનીઓને કરોડો રૂપિયાનું નુકસાન વેઠવું પડી શકે છે.
સરકાર પાસે હસ્તક્ષેપની માંગ
ફેડરેશન ઓફ ઇન્ડિયન એરલાઇન્સ (FIA), જે ઇન્ડિગો, એર ઇન્ડિયા અને સ્પાઇસજેટનું પ્રતિનિધિત્વ કરે છે, તેમણે ભારત સરકારને આ મામલે તુરંત હસ્તક્ષેપ કરવા વિનંતી કરી છે. FIA એ એવી પણ દરખાસ્ત મૂકી છે કે જો દુબઈ આ પ્રતિબંધો પાછા ન ખેંચે, તો ભારત સરકારે પણ એમિરેટ્સ જેવી દુબઈની એરલાઇન્સ સામે સમાન 'પારસ્પરિક પગલાં' લેવા જોઈએ.
મુસાફરોને શું અસર થશે?
ઉનાળાની વેકેશન સીઝન હોવાથી ભારત-દુબઈ રૂટ પર મુસાફરોનો ભારે ધસારો રહે છે. ફ્લાઇટ્સની સંખ્યા ઘટવાથી ટિકિટના ભાવમાં તોતિંગ વધારો થઈ શકે છે અને મુસાફરીના વિકલ્પો મર્યાદિત બની જશે. પાકિસ્તાની હવાઈ ક્ષેત્ર પરના પ્રતિબંધોને કારણે પહેલેથી જ લાંબા રૂટ પર ઉડતી એરલાઇન્સ માટે આ નવો આંચકો 'કરે સાંધો ત્યાં તેર તૂટે' જેવી સ્થિતિ સર્જી રહ્યો છે.

(6:12 PM IST)