હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહાકુંભ 'વાયરલ ગર્લ'ના લગ્નનો કાનૂની ફિયાસ્કો: પતિ ફરમાન ખાન વિરુદ્ધ પોક્સો હેઠળ ગુનો દાખલ
સોશિયલ મીડિયા પર રાતોરાત સ્ટાર બનેલી મોનાલિસા ભોંસલે સગીર હોવાનો તપાસમાં પર્દાફાશ : કેરળમાં થયેલા લગ્નમાં ખોટા દસ્તાવેજો રજૂ કર્યાના આરોપ સાથે પતિની મુશ્કેલીઓ વધી : આયોગે કડક કાર્યવાહીના આદેશ આપ્યા

પ્રયાગરાજ: મહાકુંભ દરમિયાન પોતાની અદાઓથી લાખોના દિલ જીતનાર 'વાયરલ ગર્લ' મોનાલિસા ભોંસલેના લગ્નજીવનમાં કાયદાકીય ભૂકંપ આવ્યો છે. મહાકુંભમાં લોકપ્રિયતા મેળવ્યા બાદ મોનાલિસાએ માર્ચ 2026માં ફરમાન ખાન સાથે લગ્ન કર્યા હતા, પરંતુ હવે રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગની તપાસમાં મોટો ઘટસ્ફોટ થયો છે. દસ્તાવેજો મુજબ મોનાલિસાની જન્મ તારીખ 30 ડિસેમ્બર 2009 છે, જેનો અર્થ છે કે લગ્ન સમયે તેની ઉંમર માત્ર 16 વર્ષ હતી. આ ખુલાસા બાદ પ્રયાગરાજ પોલીસે ફરમાન ખાન વિરુદ્ધ પોક્સો (POCSO) એક્ટ અને બાળ લગ્ન પ્રતિબંધક ધારા હેઠળ ગંભીર ગુનો નોંધ્યો છે.
આ મામલો ત્યારે વધુ ગંભીર બન્યો જ્યારે જાણવા મળ્યું કે કેરળમાં લગ્ન નોંધણી કરાવતી વખતે ઉંમરના પુરાવાઓ સાથે ચેડા કરવામાં આવ્યા હતા. પરિવારના વિરોધ અને સામાજિક સંગઠનોની રજૂઆત બાદ આ કેસની તપાસ તેજ કરવામાં આવી હતી. તપાસમાં બહાર આવ્યું છે કે મોનાલિસાને પુખ્ત દર્શાવવા માટે નકલી દસ્તાવેજો તૈયાર કરવામાં આવ્યા હતા. કાયદાકીય રીતે 18 વર્ષથી ઓછી વયની યુવતી સાથે લગ્ન કરવા એ સખત ગુનો હોવાથી હવે પોલીસ ફરમાન ખાનની ધરપકડ કરવાની તૈયારી કરી રહી છે.
બીજી તરફ, મોનાલિસાએ અગાઉ સોશિયલ મીડિયા અને મીડિયા સમક્ષ નિવેદન આપ્યું હતું કે તેણે પોતાની મરજીથી લગ્ન કર્યા છે અને તે ખુશ છે. જોકે, કાયદાની નજરમાં સંમતિ કરતાં વય મર્યાદા વધુ મહત્વની હોવાથી હવે તેની દલીલો નબળી પડી રહી છે. હાલમાં રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ પણ આ સમગ્ર ઘટનાક્રમ પર નજર રાખી રહ્યું છે. વાયરલ ફેમ અને કાયદાકીય ગૂંચવણો વચ્ચે ફસાયેલી આ પ્રેમ કહાની હવે જેલના સળિયા સુધી પહોંચી હોય તેમ દેખાઈ રહ્યું છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
