<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th April 2026

"રોજના ₹325 કમાઉં છું" એવા પતિના બહાના સુપ્રીમ કોર્ટે કાઢી નાખ્યા: પત્નીને દર મહિને ₹10,000 આપવા આદેશ

આજના જમાનામાં ₹9,000ની માસિક આવક અવિશ્વસનીય ગણાવી સર્વોચ્ચ અદાલતે પતિની દલીલો ફગાવી: પત્નીનું ભરણપોષણ એ પતિની નૈતિક અને કાયદાકીય ફરજ હોવાનું કહીને હાઈકોર્ટના ચુકાદા પર મહોર મારી

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદામાં સ્પષ્ટ કર્યું છે કે પત્નીનું ભરણપોષણ કરવું એ પતિની અનિવાર્ય જવાબદારી છે અને આવકના ખોટા બહાના હેઠળ તેમાંથી છટકી શકાય નહીં. ન્યાયાધીશ વિક્રમ નાથ અને સંદીપ મહેતાની બેન્ચે એક એવા પતિને ફટકાર લગાવી જેણે દાવો કર્યો હતો કે તેની રોજની કમાણી માત્ર ₹325 છે અને તે મહિને માંડ ₹9,000 કમાય છે. કોર્ટે આ દાવા પર કટાક્ષ કરતા પૂછ્યું હતું કે, "આજના સમયમાં ₹9,000 કોણ કમાય છે?" અને આ રકમને અવાસ્તવિક ગણાવી પત્નીને દર મહિને ₹10,000 ભરણપોષણ પેટે ચૂકવવાનો આદેશ આપ્યો હતો.

આ કેસની વિગત મુજબ, પત્નીએ ભરણપોષણની રકમ વધારીને ₹30 લાખની એકસાથે રકમ (Lump sum) અથવા દર મહિને ₹12,000ની માંગણી સાથે સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. અગાઉ ટ્રાયલ કોર્ટે પતિને ₹6 લાખ ચૂકવવા આદેશ કર્યો હતો, જેનું પાલન થઈ ચૂક્યું હતું. જોકે, પત્ની આ રકમથી સંતુષ્ટ નહોતી. સુનાવણી દરમિયાન પત્નીના વકીલે દલીલ કરી હતી કે મોંઘવારીના જમાનામાં જૂની રકમ પૂરતી નથી, જ્યારે પતિના વકીલે બચાવ કર્યો હતો કે પતિ અઠવાડિયાના સાતેય દિવસ મજૂરી કરે છે અને બાળકોના શિક્ષણનો ખર્ચ પણ ઉઠાવે છે, તેથી તેની આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખવી જોઈએ.

તમામ દલીલો સાંભળ્યા બાદ સુપ્રીમ કોર્ટે મધ્યમ માર્ગ અપનાવતા પત્નીની ₹30 લાખની માંગણી તો ન સ્વીકારી, પરંતુ હાઈકોર્ટે નક્કી કરેલા માસિક ₹10,000ના ભથ્થાને યથાવત રાખ્યું હતું. કોર્ટે ભારપૂર્વક જણાવ્યું કે પુરુષ ભલે ગમે તેટલું ઓછું કમાતો હોવાનો દાવો કરે, પરંતુ તે પોતાની પત્નીને પાયાની સુવિધાઓ અને આજીવિકા પૂરી પાડવાની જવાબદારીમાંથી મુક્ત થઈ શકતો નથી. આ ચુકાદાથી એવા પતિઓને મોટો સંદેશ ગયો છે જેઓ કાયદાકીય ગૂંચવણોમાં પોતાની આવક છુપાવીને ભરણપોષણ આપવાથી બચવા માંગતા હોય છે.

(7:10 PM IST)