<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th April 2026

વોટ્સએપના 'એન્ક્રિપ્શન' પર જોખમ: એલોન મસ્ક અને પાવેલ દુરોવે મેટાના દાવાઓને ગણાવ્યા સરેઆમ છેતરપિંડી: કેલિફોર્નિયાની કોર્ટમાં થયેલા સનસનીખેજ કેસ બાદ ટેક જગતના મહારથીઓ આમને-સામને

કરોડો યુઝર્સની પ્રાઈવસી સાથે ચેડાં કરી મેટા થર્ડ પાર્ટીને ડેટા વેચતી હોવાના આરોપથી ડિજિટલ દુનિયામાં ખળભળાટ અને XChat તેમજ ટેલિગ્રામ તરફ યુઝર્સનો ધસારો

નવી દિલ્હી:  દુનિયાના સૌથી લોકપ્રિય મેસેજિંગ પ્લેટફોર્મ વોટ્સએપ પર ફરી એકવાર જાસૂસીના કાળા વાદળો ઘેરાયા છે. મેટા કંપની જે 'એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન'ને પોતાની સૌથી મોટી તાકાત ગણાવે છે, તેને ટેક ટાયકૂન એલોન મસ્ક અને ટેલિગ્રામના સ્થાપક પાવેલ દુરોવે એક મોટી છેતરપિંડી ગણાવી છે. અમેરિકાના કેલિફોર્નિયામાં બે યુઝર્સ, બ્રાયન વાય. શિરાઝી અને નિદા સેમસને દાખલ કરેલા મુકદ્દમાએ આ વિવાદમાં ઘી હોમવાનું કામ કર્યું છે. ફરિયાદમાં ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે કે વોટ્સએપ માત્ર યુઝર્સના ખાનગી મેસેજ વાંચતું જ નથી, પરંતુ આ સંવેદનશીલ ડેટા અન્ય તૃતીય-પક્ષ ભાગીદારો સાથે શેર પણ કરી રહ્યું છે, જે યુઝર્સની ગોપનીયતાના અધિકારનું સીધું ઉલ્લંઘન છે.

આ વિવાદ વચ્ચે એલોન મસ્કે સોશિયલ મીડિયા પર મેટા સામે મોરચો ખોલ્યો છે અને યુઝર્સને વોટ્સએપ છોડીને તેમના નવા સુરક્ષિત પ્લેટફોર્મ 'XChat' પર સ્થળાંતર કરવા માટે આહ્વાન કર્યું છે. બીજી તરફ, ટેલિગ્રામના સીઈઓ પાવેલ દુરોવે તીખા પ્રહારો કરતા કહ્યું છે કે મેટા યુઝર્સને ગેરમાર્ગે દોરી રહી છે અને વોટ્સએપનું એન્ક્રિપ્શન વાસ્તવમાં દેખાડો માત્ર છે. દુરોવના મતે, ટેલિગ્રામ હંમેશા યુઝર્સની સુરક્ષાને સર્વોપરી ગણે છે અને તે ક્યારેય ડેટાની ચોરીમાં સામેલ નથી. આ આરોપોને કારણે વૈશ્વિક સ્તરે ડિજિટલ પ્રાઈવસી અંગે નવી ચર્ચા છેડાઈ છે અને કરોડો યુઝર્સ હવે પોતાના મેસેજ ખરેખર સુરક્ષિત છે કે કેમ તે બાબતે શંકામાં છે.

મેટાએ આ તમામ ગંભીર આરોપોને પાયાવિહોણા ગણાવીને ફગાવી દીધા છે. કંપનીના પ્રવક્તાએ ભારપૂર્વક જણાવ્યું છે કે વોટ્સએપ 'સિગ્નલ પ્રોટોકોલ'નો ઉપયોગ કરે છે, જે વિશ્વનું સૌથી સુરક્ષિત એન્ક્રિપ્શન માનવામાં આવે છે. મેટાના જણાવ્યા અનુસાર, કંપની પોતે કે કોઈ અન્ય એજન્સી આ મેસેજ વાંચી શકતી નથી. જોકે, કોર્ટમાં દાખલ થયેલી અરજી અને ટેક દિગ્ગજોના ખુલ્લા વિરોધને જોતા, મેટા માટે પોતાની છબી બચાવવી મુશ્કેલ બની રહી છે. હવે જોવાનું એ રહેશે કે કોર્ટમાં કયા પુરાવા રજૂ થાય છે અને શું આ વિવાદ વોટ્સએપના એકાધિકારને ખતમ કરી દેશે કે નહીં.

(7:12 PM IST)