હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ડિજિટલ જાસૂસીનો પર્દાફાશ: લશ્કરી છાવણીઓ પર CCTV લગાવી પાકિસ્તાનને પળેપળની માહિતી મોકલતું ISIનું મોટું નેટવર્ક ઝડપાયું
દિલ્હી પોલીસે દેશના નવ સંવેદનશીલ લશ્કરી મથકો નજીક દેખરેખ રાખતા ૧૧ યુવાનોની ધરપકડ કરી : હથિયારો જપ્ત કર્યા અને રાષ્ટ્રીય સુરક્ષા સામેના ગંભીર કાવતરાને નિષ્ફળ બનાવ્યું: પંજાબ, હરિયાણા અને રાજસ્થાનના કેન્ટોનમેન્ટ વિસ્તારોમાં જાસૂસીનું જાળ ફેલાયું હતું.

નવી દિલ્હી: દેશની સુરક્ષા વ્યવસ્થામાં ગાબડું પાડવાના પાકિસ્તાની મનસૂબાને દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે નિષ્ફળ બનાવ્યો છે. અત્યાધુનિક ટેકનોલોજીનો દુરુપયોગ કરી, ISIના ઈશારે ભારતીય લશ્કરી છાવણીઓની જાસૂસી કરતા ૧૧ યુવાનોની ધરપકડ કરવામાં આવી છે. આ આરોપીઓ કપૂરથલા, પઠાણકોટ અને અંબાલા જેવા અતિ-સંવેદનશીલ વિસ્તારોમાં સીસીટીવી કેમેરા લગાવીને ભારતીય સેનાની હિલચાલના જીવંત દ્રશ્યો સીધા પાકિસ્તાન મોકલી રહ્યા હતા. સુરક્ષા એજન્સીઓ માટે ચિંતાનો વિષય એ છે કે આ કેમેરા એવી રીતે ગોઠવવામાં આવ્યા હતા કે જેની મદદથી સરહદી હિલચાલ અને લશ્કરી વ્યૂહરચનાની પળેપળની માહિતી દુશ્મન દેશને મળી રહી હતી.
તપાસ દરમિયાન બહાર આવ્યું છે કે આ જાસૂસી નેટવર્ક અત્યંત સુનિયોજિત રીતે કામ કરતું હતું. પકડાયેલા યુવાનો પંજાબ અને દિલ્હીના છે, જેમની પાસેથી બંદૂકો અને અન્ય હથિયારો પણ મળી આવ્યા છે. આ ટોળકી લશ્કરી વિસ્તારોની આસપાસ વ્યૂહાત્મક સ્થળો પસંદ કરી ત્યાં ગુપ્ત રીતે હાઈ-ડેફિનેશન કેમેરા ફીટ કરતી હતી. આ ડેટા વિદેશી સર્વર દ્વારા પાકિસ્તાન પહોંચાડવામાં આવતો હતો, જેના બદલામાં આરોપીઓને હવાલા મારફતે મોટી રકમ ચૂકવવામાં આવતી હોવાની આશંકા છે. અગાઉ ગાઝિયાબાદમાં મળેલી કડીઓના આધારે પોલીસે ઓપરેશન હાથ ધરી આ મોટા આંતરરાષ્ટ્રીય જાસૂસી રેકેટનો પર્દાફાશ કર્યો છે.
આ ઘટના બાદ સમગ્ર દેશની લશ્કરી છાવણીઓ અને સંવેદનશીલ સ્થાપનો પર હાઈ-એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાષ્ટ્રીય સુરક્ષા એજન્સીઓ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આ નેટવર્ક કેટલું ઊંડું છે અને સેનાના કોઈ આંતરિક ભેદુઓ આમાં સામેલ છે કે કેમ. ટેકનોલોજીના માધ્યમથી થતી આ 'સ્ટીલ્થ જાસૂસી' એ સાબિત કર્યું છે કે હવે યુદ્ધ માત્ર સરહદ પર જ નહીં, પણ ડિજિટલ મોરચે પણ લડાઈ રહ્યું છે. દિલ્હી પોલીસની આ કામગીરીથી એક મોટો સંભવિત હુમલો કે લશ્કરી નુકસાન ટળી ગયું છે, પરંતુ સુરક્ષા વ્યવસ્થામાં રહેલી છટકબારીઓએ એજન્સીઓને નવી રણનીતિ વિચારવા મજબૂર કરી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
