News of Friday, 10th April 2026
ઇન્કમ ટેક્સ હવે મધ જેવો મીઠો લાગશે! નવા કાયદા સમજાવવા મેદાનમાં આવ્યું 'મધુ કર', જાણો શું છે આ નવી પહેલ
૬૦ વર્ષ જૂના કાયદાને સ્થાને 'આવકવેરા કાયદો ૨૦૨૫' અમલી; ટેક્સ ભરવાની જટિલ પ્રક્રિયાને સરળ બનાવવા મધમાખીના માસ્કોટ દ્વારા કરદાતાઓને કરાશે જાગૃત

નવી દિલ્હી : ભારતની પ્રત્યક્ષ કર પ્રણાલીમાં ૧ એપ્રિલ, ૨૦૨૬થી એક નવા યુગની શરૂઆત થઈ છે. છ દાયકા જૂના આવકવેરા કાયદાને બદલીને હવે 'આવકવેરા કાયદો ૨૦૨૫' અમલમાં આવ્યો છે. આ નવા અને આધુનિક કાયદાને સામાન્ય નાગરિકો સુધી સરળતાથી પહોંચાડવા માટે આવકવેરા વિભાગે એક અનોખો માસ્કોટ 'મધુ કર' લોન્ચ કર્યો છે. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય ટેક્સના કાયદાઓને વધુ સુલભ અને પારદર્શક બનાવવાનો છે.
કોણ છે આ 'મધુ કર'?
'મધુ કર' એક મૈત્રીપૂર્ણ મધમાખીનું પાત્ર છે. સંસ્કૃતમાં 'મધુ' એટલે મધ અને 'કર' એટલે ટેક્સ. જે રીતે મધમાખી ફૂલોમાંથી મધ એકત્ર કરીને મધપૂડાનું નિર્માણ કરે છે, તેવી જ રીતે કરદાતાઓ દ્વારા ચૂકવવામાં આવતો નાનો-મોટો ટેક્સ રાષ્ટ્રના નિર્માણમાં અમૂલ્ય ફાળો આપે છે. આ માસ્કોટ ખંત, સમુદાયના પ્રયત્નો અને સુવ્યવસ્થિત વ્યવસ્થાનું પ્રતીક છે. વિભાગ દ્વારા કોમિક-શૈલીની માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે, જેમાં મધુ કર ટેક્સની અઘરી જોગવાઈઓને રમુજી અને સરળ રીતે સમજાવશે.
નવા કાયદામાં શું બદલાયું?
નવા કાયદાનો મુખ્ય હેતુ બિનજરૂરી જટિલતાઓને ઘટાડવાનો છે. સૌથી મોટો ફેરફાર 'કર વર્ષ' (Tax Year) ના ખ્યાલમાં આવ્યો છે. હવે 'પાછલું વર્ષ' અને 'આકારણી વર્ષ' (Assessment Year) જેવી ગૂંચવણભરી સિસ્ટમને બદલે માત્ર એક જ 'કર વર્ષ' રહેશે. આ ઉપરાંત, કાયદાની ભાષાને ઘણી સરળ બનાવવામાં આવી છે અને કલમોનું પુનર્ગઠન કરવામાં આવ્યું છે જેથી સામાન્ય કરદાતા પણ તેને સમજી શકે.
રાષ્ટ્ર નિર્માણમાં કરદાતાનો ફાળો
આવકવેરા વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ, સરકાર કર પ્રણાલીને વધુ 'ટેક્સપેયર ફ્રેન્ડલી' બનાવવા માંગે છે. 'મધુ કર' અભિયાન દ્વારા કરદાતાઓને એવો અહેસાસ કરાવવામાં આવશે કે તેઓ માત્ર ટેક્સ નથી ભરી રહ્યા, પરંતુ એક 'રાષ્ટ્ર નિર્માતા' તરીકેની ભૂમિકા ભજવી રહ્યા છે. આધુનિક ટેકનોલોજી અને સરળ વહીવટ દ્વારા ટેક્સ ચોરી ઘટાડવા અને પ્રમાણિક કરદાતાઓને પ્રોત્સાહિત કરવા માટે આ કાયદો માઇલસ્ટોન સાબિત થશે.
હવેથી ટેક્સની ગણતરી કરવી કે નિયમો સમજવા એ માથાનો દુખાવો નહીં, પરંતુ 'મધુ કર' ની મદદથી મધ જેવો મીઠો અનુભવ બની રહેશે તેવી વિભાગને આશા છે.
તમારા ટેક્સ સંબંધિત નવા ફેરફારો વિશે વધુ જાણવા માટે 'મધુ કર' ની નવી માર્ગદર્શિકા જોવાનું ભૂલતા નહીં!
(7:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
