<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 11th April 2026

રાજસ્થાન પોલીસની 'અજબ' કામગીરી: ઇલેક્ટ્રિક કારમાં ધુમાડો શોધવા નીકળ્યા ASI! પોલ્યુશન ન હોવા બદલ ફટકાર્યું ₹1,700નું ચલણ

EV ને PUCની જરૂર નથી તે સમજાવવા છતાં પોલીસકર્મી ન માન્યા; સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થતા ઉચ્ચ અધિકારીઓએ તપાસના આદેશ આપ્યા

નાગોર: રાજસ્થાનના નાગોરમાં ટ્રાફિક પોલીસની એક એવી ભૂલ સામે આવી છે જે સાંભળીને તમે પણ માથું ખંજવાળવા લાગશો. સામાન્ય રીતે પેટ્રોલ-ડીઝલ ગાડીઓ માટે પ્રદૂષણ પ્રમાણપત્ર (PUC) જરૂરી હોય છે, પરંતુ અહીં એક ઉત્સાહી ASI એ પર્યાવરણને અનુકૂળ એવી ઇલેક્ટ્રિક કાર (EV) ને જ પ્રદૂષણ ફેલાવવા બદલ દંડ ફટકારી દીધો! 7 એપ્રિલના રોજ RTO ઇન્ટરસેક્શન પર બનેલી આ ઘટનાનો વીડિયો હવે ઇન્ટરનેટ પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે.
ડ્રાઈવર કરગતો રહ્યો પણ સાહેબ ન સમજ્યા!
જોધપુરના રહેવાસીની ટાટા ટિયાગો EV ને જ્યારે પોલીસે રોકી, ત્યારે ASI એ રંગીન બારીઓ અને PUC ન હોવાનું કારણ ધરીને ₹1,700નું ચલણ કાપ્યું. ડ્રાઈવરે વારંવાર વિનંતી કરી કે, "સાહેબ, આ ઇલેક્ટ્રિક કાર છે, તેમાંથી ધુમાડો નીકળતો જ નથી, તો પ્રદૂષણ શેનું?" પરંતુ પોલીસ અધિકારીએ મશીનમાં 'PUC શૂન્ય' બતાવે છે તેમ કહીને તેની વાત કાને ધરી નહીં. હવે જિલ્લા પરિવહન અધિકારીએ સ્પષ્ટતા કરવી પડી છે કે EV ને PUCની કોઈ જરૂર હોતી નથી.

(12:07 AM IST)