News of Saturday, 11th April 2026
મહાત્મા જ્યોતિરાવ ફૂલેની 200મી જન્મજયંતી: પીએમ મોદીએ રાષ્ટ્રના સામાજિક પરિવર્તન માટે અવિરત પ્રેરણાસ્ત્રોત ગણાવ્યા
19મી સદીના મહાન સમાજ સુધારક મહાત્મા જ્યોતિરાવ ફૂલેની આજે 11 એપ્રિલે જન્મજયંતી નિમિત્તે દેશભરમાં શ્રદ્ધાંજલિ અર્પણ

નવી દિલ્હી :19મી સદીના મહાન સમાજ સુધારક મહાત્મા જ્યોતિરાવ ફૂલેની આજે 11 એપ્રિલે જન્મજયંતી નિમિત્તે દેશભરમાં શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી રહી છે. આ વર્ષ ખાસ મહત્વનું છે કારણ કે આજથી તેમની 200મી જન્મજયંતી ઉજવણીનો ભવ્ય પ્રારંભ થયો છે.
વડાપ્રધાન મોદીએ આ અવસરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક વિસ્તૃત બ્લોગ શેર કરીને મહાત્મા ફૂલેને રાષ્ટ્રના સામાજિક પરિવર્તન માટે અવિરત પ્રેરણાસ્ત્રોત ગણાવ્યા છે.
પીએમ મોદીએ પોતાના બ્લોગને “મહાત્મા જ્યોતિરાવ ફૂલે: એ લાઈટ ધેટ સ્ટિલ શોઝ ઈન્ડિયા ધ વે” શીર્ષક આપ્યું છે. તેમણે લખ્યું કે મહાત્મા ફૂલે માત્ર સમાજ સુધારક નહોતા, પરંતુ નૈતિક હિંમત અને સમાજ માટેની અતૂટ પ્રતિબદ્ધતાનું પ્રતિક હતા.
મહાત્મા ફૂલેનું મુખ્ય માનવું હતું કે શિક્ષણ દરેક માટે સમાન રીતે ઉપલબ્ધ હોવું જોઈએ. તેમણે ખાસ કરીને દીકરીઓના શિક્ષણને પ્રાથમિકતા આપી હતી. તેમના વિચારો અનુસાર, “શાળાઓ સૌથી પહેલા દીકરીઓ માટે ખોલવી જોઈએ.”
તેમની જીવનસાથી સાવિત્રીબાઈ ફૂલએ પણ આ મિશનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી અને સ્ત્રી શિક્ષણના ક્ષેત્રમાં ઐતિહાસિક યોગદાન આપ્યું હતું.
પીએમ મોદીએ ફૂલેના વિચારને ટાંકતા કહ્યું કે, જ્યાં સુધી સમાજમાં દરેક વ્યક્તિને સમાન અધિકાર નહીં મળે ત્યાં સુધી સાચી સ્વતંત્રતા શક્ય નથી. આ વિચાર આજે પણ ભારત માટે માર્ગદર્શક છે.
મહાત્મા ફૂલે દ્વારા સ્થાપિત ‘સત્યશોધક સમાજ’ એ સમાજમાં અંધશ્રદ્ધા અને ભેદભાવ સામે લડત આપી હતી. તેમણે ખેડૂતો અને મજૂરોના હિત માટે પણ મહત્વપૂર્ણ કાર્ય કર્યું હતું, જેના કારણે તેઓ ગ્રામ વિકાસના અગ્રણીઓમાં ગણાય છે.
પીએમ મોદીએ 2022માં પોતાની Pune મુલાકાતને યાદ કરતાં જણાવ્યું કે મહાત્મા ફૂલેની 200મી જન્મજયંતીનું વર્ષ દેશ માટે શિક્ષણ, ન્યાય અને સામાજિક સમરસતા પ્રત્યેની પ્રતિબદ્ધતાનું ‘નવીનીકરણ’ કરવાનું વર્ષ છે.
(1:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
