News of Saturday, 11th April 2026
વડાપ્રધાન મોદી અને વિપક્ષના નેતા રાહુલ ગાંધી વચ્ચે થોડો સમય મુલાકાત:બંને પરસ્પર વાત કરતા દેખાયા :વીડિયો પણ વાઈરલ થયો
સંસદ પરિસરમાં પીએમ મોદી અને વિપક્ષના નેતા રાહુલ ગાંધી વચ્ચે સૌહાર્દપૂર્ણ વાતચીત:મહાત્મા જ્યોતિબા ફુલેની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પિત કરવા દરમિયાન બંને નેતાઓ સાથે જોવા મળ્યા

સંસદ ભવન અને ચૂંટણી રેલીઓમાં એકબીજા પર આકરા વાકપ્રહારો કરનારા કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો એક વીડિયો સોશયલ મીડિયા પર ખૂબ ચર્ચામાં છે. વીડિયો 11 એપ્રિલનો જ છે, આ વીડિયોમાં પીએમ મોદી મહાન સમાજ સુધારક મહાત્મા જ્યોતિબા ફુલેની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પિત કરવા જઈ રહ્યા હતા.
વીડિયોમાં જોઈ શકાય છે કે સંસદ ભવન પરિસરમાં પ્રેરણા સ્થળ પર લોકસભા સ્પીકર ઓમ બિરલા વિપક્ષના નેતા રાહુલ ગાંધી, કેન્દ્રીય મંત્રી અર્જુન મેઘવાલ, અને રાજ્યસભામાં પૂર્વ ઉપસભાપતિ હરિવંશ ઉભા છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વારાફરતી સૌને મળી રહ્યા છે અને પછી રાહુલ ગાંધીની પાસે ઉભા રહે છે. તેના પછી બંને વાત કરવા લાગે છે. બંને વચ્ચે શું વાત થઈ, તે તો ખબર પડી નથી. પરંતુ વીડિયોમાં જોઈ શકાય છે કે પીએમ મોદી અને રાહુલ ગાંધી કેટલીક સેકન્ડ્સ માટે એકબીજા સાથે કોઈ વાત કરી રહ્યા હતા.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્રખ્યાત સમાજ સુધારક જ્યોતિરાવ ફુલેની જયંતી પર શનિવારે તેમને શ્રદ્ધાંજલિ અર્પિત કરતા કહ્યુ કે તેમનું જીવન સમાનતા, ન્યાય અને શિક્ષણના આદર્શો માટે સમર્પિત હતું. ફુલેનો જન્મ 11 એપ્રિલ, 1827ના રોજ મહારાષ્ટ્રમાં થયો હતો અને તેમનું નિધન 28 નવેમ્બર, 1890ના રોજ થયું.
મોદીએ સોશયલ મીડિયા મંચ એક્સ પર એક પોસ્ટમાં જણાવ્યું કે મહાન સમાજસુધારક મહાત્મા જ્યોતિબા ફુલેની 200મી જયંતી વર્ષના સમારંભનો આરંભ થઈ રહ્યો છે. તેમણે પોતાનું આખું જીવન શિક્ષણ, જ્ઞાન અને જનકલ્યાણને સમર્પિત કરી દીધું. તેમણે લખ્યું કે તેઓ મહિલાઓ અને હાંસિયામાં પડેલા લોકોના અધિકારોની તરફદારી કરવામાં અગ્રણી હતા.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ લખ્યું છે કે તેમના વિચાર સામાજિક પ્રગતિની દિશામાં તમામનું માર્ગદર્શન કરતા રહ્યા. તેમણે કહ્યુ કે ફુલેના પ્રયાસોથી શિક્ષણ સશક્તિકરણનું એક શક્તિશાળી માધ્યમ બન્યું.
(2:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
