News of Saturday, 11th April 2026
ઉત્તર પ્રદેશના રાજકીય જંગ પૂર્વે રાહુલ ગાંધીનો માસ્ટરસ્ટ્રોક : ડો. આંબેડકરની વિરાસત અને દલિત વોટબેંક કબજે કરવા કોંગ્રેસે ઘડી નવી રણનીતિ
નવી દિલ્હીમાં ‘રન ફોર આંબેડકર, રન ફોર કોન્સ્ટિટ્યુશન’ મેરેથોનને લીલી ઝંડી બતાવી રાહુલ ગાંધી ચૂંટણી અભિયાનના શ્રીગણેશ કરશે : યુપીમાં માયાવતીના નબળા પડતા ગઢમાં ગાબડું પાડવા કોંગ્રેસનો સામાજિક ન્યાયનો દાવ

નવી દિલ્હી: ઉત્તર પ્રદેશમાં આગામી વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણીઓ પૂર્વે રાજકીય ગરમાવો તેજ બન્યો છે. રાજ્યમાં કોંગ્રેસના મૂળિયા ફરી મજબૂત કરવા માટે રાહુલ ગાંધીએ દલિત વોટબેંક પર ધ્યાન કેન્દ્રિત કરીને નવી વ્યૂહરચના અમલમાં મૂકી છે. આ કવાયતના ભાગરૂપે ૧૨ એપ્રિલ ૨૦૨૬ના રોજ નવી દિલ્હીમાં ‘રન ફોર આંબેડકર, રન ફોર કોન્સ્ટિટ્યુશન’ નામની સામાજિક પરિવર્તન મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે, જેને રાહુલ ગાંધી પ્રસ્થાન કરાવશે.
બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની વિરાસતને કેન્દ્રમાં રાખી યોજાનારી આ મેરેથોન સવારે ૬ વાગ્યે શરૂ થશે. આ સ્પર્ધામાં પ્રથમ વિજેતાને ૫૦ હજાર, બીજા ક્રમે ૨૫ હજાર અને ત્રીજા સ્થાને આવનારને ૧૫ હજાર રૂપિયાનું ઇનામ આપવામાં આવશે. આ આયોજન દ્વારા કોંગ્રેસ દેશભરના અને ખાસ કરીને ઉત્તર પ્રદેશના દલિત સમુદાય સુધી પહોંચવા માંગે છે. આ અગાઉ ૧૧ એપ્રિલે લખનઉમાં જ્યોતિરાવ ફૂલેની જયંતીની ઉજવણીમાં પણ પાર્ટીના અનુસૂચિત જાતિ અને ઓબીસી વિભાગો સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે. રાહુલ ગાંધી અગાઉ કાંશીરામની જયંતી પર પણ લખનઉ જઈને દલિત સમુદાય સાથે સંવાદ કરી ચૂક્યા છે.
રાજકીય વિશ્લેષકોના મતે ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં ‘સંવિધાન બચાવો’ના મુદ્દે સપા-કોંગ્રેસ ગઠબંધનને દલિતોનું સારું સમર્થન મળ્યું હતું, જેને ૨૦૨૭ની વિધાનસભા ચૂંટણી સુધી ટકાવી રાખવાનો આ પ્રયાસ છે. બીજી તરફ, ઉત્તર પ્રદેશમાં દલિત રાજનીતિના મુખ્ય ચહેરા ગણાતા માયાવતીની બહુજન સમાજ પાર્ટીનો જનાધાર સતત ઘટી રહ્યો છે. ૨૦૧૨માં ૨૫.૯૧ ટકા મતો મેળવનાર બસપા ૨૦૨૨માં માત્ર ૧૨.૮૩ ટકા મતો અને એક બેઠક પર સીમિત થઈ ગઈ છે.
ઉત્તર પ્રદેશમાં આશરે ૨૦ ટકા દલિત મતદારો ૧૫૦ જેટલી વિધાનસભા બેઠકો પર નિર્ણાયક ભૂમિકા ભજવે છે. હાલમાં આ વોટબેંક ભાજપ, સપા, બસપા અને કોંગ્રેસ વચ્ચે વહેંચાયેલી છે, પરંતુ બસપાની નબળી પડતી પકડનો લાભ લેવા કોંગ્રેસ મેદાનમાં ઉતરી છે. રાહુલ ગાંધીની આ પહેલ સીધી રીતે માયાવતી અને ભાજપ સામે એક મોટો પડકાર માનવામાં આવી રહી છે.
(3:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
