News of Saturday, 11th April 2026
હિમાલયના ખોળે ભારત-ભૂટાનની દોસ્તીનો નવો અધ્યાય: 7 વર્ષના લાંબા વિરામ બાદ પુનાત્સંગચુ-I હાઈડ્રોપાવર પ્રોજેક્ટ ફરી ધમધમ્યો, પરસ્પર વીજળીનો ઝળહળાટ વધશે!
ભૂસ્તરશાસ્ત્રીય પડકારોને મ્હાત આપી ભારતની ટેકનોલોજીનો વિજય: કેન્દ્રીય મંત્રી મનોહર લાલની હાજરીમાં ડેમનું બાંધકામ શરૂ, હવે પાંચ વર્ષમાં પ્રોજેક્ટ પૂર્ણ કરવાનો લક્ષ્યાંક

વાંગડુ ફોદ્રાંગ (ભૂટાન): ભારત અને ભૂટાન વચ્ચેના મજબૂત સંબંધોની સાક્ષી પૂરતો 1,200 મેગાવોટનો પુનાત્સંગચુ-I હાઈડ્રોપાવર પ્રોજેક્ટ સાત વર્ષના લાંબા ઇન્તજાર બાદ ફરી શરૂ થયો છે. ભૂસ્તરશાસ્ત્રીય મુશ્કેલીઓના કારણે વર્ષ 2019 થી અટકી પડેલા આ પ્રોજેક્ટમાં શુક્રવારે ફરીથી કોંક્રિટ રેડિંગ સમારોહ સાથે બાંધકામનો પ્રારંભ થયો હતો. આ પ્રસંગે ભારતના ઉર્જા મંત્રી મનોહર લાલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા, જે દર્શાવે છે કે દક્ષિણ એશિયામાં ઉર્જા સહયોગ માટે ભારત કેટલું ગંભીર છે.
ભૂસ્તરશાસ્ત્રીય અવરોધો પર ભારતની જીત
પુનાત્સંગચુ-I પ્રોજેક્ટનું કામ 11 નવેમ્બર 2008ના રોજ શરૂ થયું હતું, પરંતુ કુદરતી અને ભૌગોલિક પડકારોને કારણે તે વિલંબિત થયો હતો. ખાસ કરીને 2013માં ડેમના જમણા કાંઠાના ઢોળાવમાં અસ્થિરતા સર્જાતા કામગીરી પર માઠી અસર પડી હતી અને 2019 થી મુખ્ય બંધનું કામ સંપૂર્ણપણે સ્થગિત કરી દેવું પડ્યું હતું. જોકે, બંને દેશોની સરકારો અને ટેકનિકલ ટીમોએ સતત ચર્ચાઓ અને અભ્યાસ બાદ આખરે 31 જુલાઈ 2025ના રોજ ડેમનું કામ ફરી શરૂ કરવાનો ઐતિહાસિક નિર્ણય લીધો હતો.
ભૂટાનની વીજ ક્ષમતામાં 30% નો તોતિંગ વધારો થશે
આ પ્રોજેક્ટ પૂર્ણ થતા જ ભૂટાનની જળવિદ્યુત ક્ષમતામાં સીધો 30 ટકાનો વધારો થશે, જે કુલ ક્ષમતાને 4,700 મેગાવોટ સુધી લઈ જશે. આ પ્લાન્ટમાંથી વાર્ષિક અંદાજે 5,670 મિલિયન યુનિટ વીજળી પેદા થશે. પ્રોજેક્ટની ખાસિયત એ છે કે તેમાં ભારત તરફથી 40 ટકા ગ્રાન્ટ અને 60 ટકા લોન દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં પ્રોજેક્ટમાં 93 ટકાથી વધુ નાણાકીય અને 88 ટકા જેટલી ભૌતિક પ્રગતિ થઈ ચૂકી છે.
ભારતને પણ મળશે સસ્તી વીજળી
આ પ્રોજેક્ટ માત્ર ભૂટાન માટે જ નહીં પણ ભારત માટે પણ વ્યૂહાત્મક રીતે મહત્વનો છે. અહીં ઉત્પન્ન થતી વધારાની વીજળી ભારતને પરસ્પર નક્કી કરેલા દરે વેચવામાં આવશે, જેનાથી બંને દેશોની અર્થવ્યવસ્થાને વેગ મળશે. મનોહર લાલે તેમની મુલાકાત દરમિયાન પુનાત્સંગચુ-II પ્રોજેક્ટની પણ સમીક્ષા કરી હતી, જેનું ઉદ્ઘાટન ગત વર્ષે પીએમ મોદી અને ભૂટાનના રાજા દ્વારા કરવામાં આવ્યું હતું. આ ભાગીદારી હિમાલયના પ્રદેશમાં ગ્રીન એનર્જીના ક્ષેત્રમાં એક નવો માઈલસ્ટોન સાબિત થશે.
(7:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
