News of Saturday, 11th April 2026
બંગાળના ગઢમાં મોદીની ગર્જના: 'પરિવર્તનનો શંખનાદ' ફૂંકતા ટીએમસીને આપી સીધી ચેતવણી
કટવાની ધરતી પરથી ઘૂસણખોરોને સામાન પેક કરી લેવા લલકાર અને ભ્રષ્ટાચારના પાપ ધોવા માટે તપાસ પંચની રચનાની ગંભીર જાહેરાત

કલકત્તા : પશ્ચિમ બંગાળના રાજકીય રણમેદાનમાં શનિવારે ગરમાવો ત્યારે વધી ગયો જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કટવાની ધરતી પરથી વિરોધ પક્ષો પર આકરા પ્રહારો કર્યા. પૂર્વી વર્ધમાન જિલ્લાના કટવા ખાતે એક વિશાળ જનમેદનીને સંબોધતા પીએમ મોદીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, "બંગાળ હવે પરિવર્તન માટે સંપૂર્ણ તૈયાર છે." તેમણે રાજ્યમાં વર્તમાન સરકારના 'ભયના શાસન'ને જડમૂળથી ઉખેડી નાખવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. સ્ટેજ પરથી પીએમનો આત્મવિશ્વાસ છલકાતો હતો અને તેમણે દાવો કર્યો હતો કે ભાજપના વધતા જનસમર્થનને જોઈને સત્તાધારી પક્ષ હવે ગભરાટમાં છે.
રેલીના સૌથી મહત્વના મુદ્દામાં 'ઘૂસણખોરી' અને 'ભ્રષ્ટાચાર' મુખ્ય રહ્યા હતા. પીએમ મોદીએ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને આકરી ચેતવણી આપતા કહ્યું કે, "દરેક ઘૂસણખોર પોતાનો સામાન પેક કરી લે, કારણ કે હવે દરેકને જવાબદાર ઠેરવવામાં આવશે." તેમણે આરોપ લગાવ્યો કે ખોટા આધારકાર્ડ અને રેશનકાર્ડ દ્વારા ગરીબો અને ખેડૂતોના અધિકારો લૂંટવામાં આવી રહ્યા છે. ભ્રષ્ટાચારને નાબૂદ કરવા માટે તેમણે એક મોટી જાહેરાત કરતા જણાવ્યું કે, ભાજપ સરકાર બનતાની સાથે જ સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશના નેતૃત્વમાં એક તપાસ પંચની રચના કરાશે અને રાજ્યની સ્થિતિ પર 'શ્વેતપત્ર' બહાર પાડવામાં આવશે.
મહિલા સુરક્ષા અને કાયદો-વ્યવસ્થાને પ્રાથમિકતા આપતા વડાપ્રધાને બંગાળની જનતાને વિશ્વાસ અપાવ્યો કે ભાજપના શાસનમાં રાજકીય હિંસાનો અંત આવશે. તેમણે સોશિયલ મીડિયા પર રેલીનો અદભૂત વીડિયો શેર કરતા લખ્યું કે, "આ જનસૈલાબ બંગાળના બદલાતા મૂડનો પુરાવો છે." કટવાની આ સભા બાદ પીએમની અન્ય બે રેલીઓ પણ નિર્ધારિત છે, જે સૂચવે છે કે ભાજપ આ વખતે બંગાળની સત્તા કબજે કરવા માટે કોઈ કસર છોડવા માંગતું નથી.
(7:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
