News of Saturday, 11th April 2026
રેલવેનો નવો અવતાર: બજેટમાં મુસાફરો માટે ખુશીઓના 'સિગ્નલ', જાણો 8 મોટા ફેરફારો
હાઈડ્રોજન ટ્રેનથી પ્રદૂષણમુક્ત સફર અને વંદે ભારત સ્લીપરથી આરામદાયક મુસાફરીના નવા યુગની શરૂઆત : હવે ટિકિટ રિફંડ અને બોર્ડિંગ સ્ટેશન બદલવાના નિયમોમાં થશે ક્રાંતિકારી ફેરફારો જે સામાન્ય જનતાની મુસાફરીને બનાવશે વધુ સરળ અને હાઈટેક

નવી દિલ્હી : ભારતીય રેલવે નાણાકીય વર્ષ 2026-27 માં મુસાફરોને વૈશ્વિક કક્ષાની સુવિધાઓ આપવા જઈ રહી છે. આ વર્ષના સૌથી મોટા સમાચાર ભારતની પ્રથમ હાઈડ્રોજન ટ્રેન છે, જે ધુમાડાને બદલે માત્ર પાણીની વરાળ છોડશે. આ સાથે જ લાંબા અંતરની મુસાફરી માટે 12 નવી વંદે ભારત સ્લીપર ટ્રેનો પાટા પર દોડશે. આ ટ્રેનોમાં 1,128 મુસાફરોની ક્ષમતા અને આધુનિક પેન્ટ્રી જેવી સુવિધાઓ હશે, જે વિમાન જેવો અનુભવ આપશે.
ટિકિટિંગ ક્ષેત્રે રેલવેએ નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે. હવે કાઉન્ટર ટિકિટ દેશના કોઈપણ સ્ટેશન પરથી રદ કરાવી શકાશે, જેનાથી મુસાફરોને દોડધામમાંથી મુક્તિ મળશે. જોકે, રિફંડ માટે હવે ટ્રેન ઉપડવાના 8 કલાક પહેલા ટિકિટ કેન્સલ કરવી ફરજિયાત છે. જો તમે 8 કલાકથી ઓછો સમય બાકી હોય ત્યારે ટિકિટ રદ કરશો, તો એક પણ રૂપિયો રિફંડ મળશે નહીં, જે પહેલા 4 કલાકની મર્યાદા હતી.
ટેકનોલોજીનો ઉપયોગ કરીને હવે મુસાફરો ચાર્ટ તૈયાર થયા પછી પણ, ટ્રેન ઉપડવાની 30 મિનિટ પહેલા સુધી ડિજિટલી બોર્ડિંગ સ્ટેશન બદલી શકશે. આ ઉપરાંત, મુસાફરો પોતાની ટિકિટને સ્લીપરમાંથી એસી ક્લાસમાં છેલ્લી ઘડીએ અપગ્રેડ પણ કરી શકશે. સ્ટેશનો પર ભીડ ઘટાડવા માટે નવી દિલ્હીની તર્જ પર દેશભરમાં 75 નવા હોલ્ડિંગ એરિયા (યાત્રી સુવિધા કેન્દ્રો) બનાવવામાં આવશે, જ્યાં મુસાફરો આરામથી ટ્રેનની રાહ જોઈ શકશે.
પર્યાવરણ અને સુરક્ષાને પ્રાથમિકતા આપતા, રેલવે તેનું 100% વીજળીકરણ પૂર્ણ કરવાના આરે છે, જે હાલ 99.2% સુધી પહોંચી ગયું છે. વંદે ભારત સ્લીપર ટ્રેનોમાં સુરક્ષા માટે અદ્યતન 'કવચ' સિસ્ટમ અને સુધારેલ સસ્પેન્શન હશે. સૌથી મહત્વની વાત એ છે કે, વંદે ભારત સ્લીપરમાં થર્ડ એસીનું ભાડું માત્ર ₹2,300 ની આસપાસ રાખવામાં આવ્યું છે, જે સામાન્ય નાગરિકો માટે પ્રીમિયમ મુસાફરી પરવડે તેવી બનાવશે.
(7:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
