News of Saturday, 11th April 2026
પશ્ચિમ એશિયામાં યુદ્ધના ભણકારા? સાઉદીમાં પાકિસ્તાની યુદ્ધવિમાનોની એન્ટ્રી: ઈરાન સાથેની શાંતિ વાર્તા નિષ્ફળ જશે તો શું પાકિસ્તાન મેદાને પડશે?
‘એક પર હુમલો એટલે બંને પર હુમલો’: સાઉદી અરેબિયાની સુરક્ષા માટે પાકિસ્તાન વાયુસેના તૈનાત, બદલામાં કંગાળ પાકિસ્તાનને સાઉદી તરફથી મળશે 5 અબજ ડોલરનો આર્થિક ‘બૂસ્ટર ડોઝ’

રિયાધ,: વૈશ્વિક રાજકારણના પટલ પર અત્યારે ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. એક તરફ પાકિસ્તાનની ધરતી પર અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ સ્થાપવા માટે મંત્રણા ચાલી રહી છે, તો બીજી તરફ પાકિસ્તાને પોતાના શક્તિશાળી યુદ્ધવિમાનો સાઉદી અરેબિયાના કિંગ અબ્દુલઅજીજ એરબેઝ પર ઉતારી દીધા છે. આ વ્યૂહાત્મક હિલચાલ સૂચવે છે કે જો ઈસ્લામાબાદમાં ચાલી રહેલી વાટાઘાટો નિષ્ફળ જશે, તો પશ્ચિમ એશિયામાં સંઘર્ષની જ્વાળાઓ વધુ ભભૂકી શકે છે.
સમજૂતીનો અમલ: સાઉદીની ઢાલ બનતું પાકિસ્તાન
ગત વર્ષે પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ અને સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન વચ્ચે થયેલી સંરક્ષણ સમજૂતી મુજબ, બંને દેશો એકબીજાની સુરક્ષા માટે કટિબદ્ધ છે. ઈરાને તાજેતરમાં સાઉદી અરેબિયામાં અમેરિકી ઠેકાણાઓને નિશાન બનાવ્યા હોવાથી, પાકિસ્તાની વાયુસેનાની આ તેનાતી સીધો ઈરાન માટે ચેતવણીનો સંકેત છે. આ તેનાતીનો મુખ્ય હેતુ બંને દેશોની સેના વચ્ચે તાલમેલ વધારવાનો અને કોઈપણ ઈમરજન્સી સ્થિતિ માટે સજ્જ રહેવાનો છે.
આર્થિક સંકટમાં સાઉદીનો સહારો
એક તરફ યુદ્ધના વાદળો ઘેરાયા છે, ત્યારે બીજી તરફ આર્થિક રીતે પાયમાલ થઈ રહેલા પાકિસ્તાન માટે આ ડીલ આશીર્વાદ સમાન સાબિત થઈ છે. પાકિસ્તાન અત્યારે 5 અબજ ડોલરના દેવા હેઠળ દબાયેલું છે અને તેનો વિદેશી મુદ્રા ભંડાર સતત ઘટી રહ્યો છે. આવી સ્થિતિમાં સાઉદી અરેબિયાએ પાકિસ્તાનને પૂરેપૂરી નાણાકીય મદદ કરવાનો ભરોસો આપ્યો છે. આ મદદના બદલામાં પાકિસ્તાને પોતાની સૈન્ય તાકાત સાઉદીના રક્ષણ માટે મેદાને ઉતારી છે.
શાંતિ મંત્રણા પર મધ્યસ્થતા અને ભરોસો
સાઉદી અરેબિયાના નાણામંત્રી મોહમ્મદ બિન અબ્દુલ્લા અલ જાદાન અને શાહબાઝ શરીફ વચ્ચે થયેલી મુલાકાતમાં સાઉદીએ પાકિસ્તાન પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. ખાસ કરીને અમેરિકા અને ઈરાન વચ્ચે મધ્યસ્થતા કરવામાં પાકિસ્તાનની ભૂમિકાને સાઉદીએ ટેકો આપ્યો છે. જોકે, જો રાજદ્વારી પ્રયાસો નિષ્ફળ જશે, તો પાકિસ્તાની યુદ્ધવિમાનો પશ્ચિમ એશિયાના આકાશમાં એક્શન મોડમાં જોવા મળી શકે છે. હાલમાં આખું વિશ્વ ઈસ્લામાબાદથી નીકળનારા મંત્રણાના પરિણામની રાહ જોઈ રહ્યું છે.
(8:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
