<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 12th April 2026

હવે દુશ્મનોની ટેન્કને રાખમાં ભેળવશે : 'ધ્રુવાસ્ત્ર' મિસાઈલ ભારતીય સેના અને વાયુસેનાના બેડામાં સામેલ થવા સજ્જ

ધ્રુવાસ્ત્ર મિસાઈલ એ ભારતના ઇન્ટિગ્રેટેડ ગાઈડેડ મિસાઈલ ડેવલપમેન્ટ પ્રોગ્રામનો હિસ્સો:ડો. કલામનું સપનું અને 'ફાયર એન્ડ ફરગેટ' ટેકનોલોજી

નવી દિલ્હી :ભારતીય સંરક્ષણ ક્ષેત્રે 'આત્મનિર્ભર ભારત' અભિયાનને વધુ એક મોટી સફળતા મળી છે. DRDO દ્વારા વિકસિત 'ધ્રુવાસ્ત્ર' મિસાઈલ હવે ભારતીય સેના અને વાયુસેનાના બેડામાં સામેલ થવા માટે સજ્જ છે. હેલિકોપ્ટરથી ડાયરેક્ટ દુશ્મનના ટેન્કોને નેસ્તનાબૂદ કરતી આ થર્ડ જનરેશન એન્ટી-ટેન્ક ગાઈડેડ મિસાઈલ (ATGM) યુદ્ધના મેદાનમાં, ખાસ કરીને લદ્દાખ જેવા ઊંચાઈવાળા પહાડી વિસ્તારોમાં ભારતની એટેકીંગ ક્ષમતામાં અનેકગણો વધારો કરશે.

ધ્રુવાસ્ત્ર મિસાઈલ એ ભારતના ઇન્ટિગ્રેટેડ ગાઈડેડ મિસાઈલ ડેવલપમેન્ટ પ્રોગ્રામનો હિસ્સો છે, જેની પરિકલ્પના 1980ના દાયકામાં ડો. એ.પી.જે. અબ્દુલ કલામના નેતૃત્વમાં કરવામાં આવી હતી. આ મિસાઈલની સૌથી મોટી વિશેષતા તેની 'ફાયર એન્ડ ફરગેટ' સિસ્ટમ છે. એકવાર લક્ષ્ય પર લોક થયા પછી, આ મિસાઈલ ઓટોમેટિક રીતે દુશ્મનના ટેન્કનો પીછો કરીને તેને નષ્ટ કરી દે છે. આ ટેકનોલોજીને કારણે પાયલોટ મિસાઈલ છોડ્યા બાદ તુરંત બીજા મિશન પર ધ્યાન કેન્દ્રિત કરી શકે છે.

 

આધુનિક ટેન્કોનું ઉપરનું પડ સૌથી નબળું હોય છે અને ધ્રુવાસ્ત્ર આ જ નબળાઈ પર પ્રહાર કરે છે. આ મિસાઈલ લોન્ચ થયા બાદ પહેલા ઊંચાઈ પર જાય છે અને પછી સીધો ઉપરથી હુમલો કરે છે, જેનાથી ગમે તેવો મજબૂત ટેન્ક પણ ક્ષણભરમાં રાખમાં ફેરવાઈ જાય છે. આશરે 43 કિલો વજન ધરાવતી આ મિસાઈલ 800 મીમી જાડી સ્ટીલ પ્લેટને તોડવાની ક્ષમતા ધરાવે છે અને 7 કિલોમીટર દૂર બેઠેલા દુશ્મનને સચોટ નિશાન બનાવી શકે છે.

 

ધ્રુવાસ્ત્રને ખાસ કરીને HAL દ્વારા નિર્મિત 'રુદ્ર' અને 'પ્રચંડ' જેવા એટેક હેલિકોપ્ટરો માટે તૈયાર કરવામાં આવી છે. તાજેતરમાં સરકારે 156 પ્રચંડ હેલિકોપ્ટરોના ઓર્ડર આપ્યા છે. જ્યારે આ હેલિકોપ્ટરો ધ્રુવાસ્ત્ર મિસાઈલથી સજ્જ થશે, ત્યારે સરહદ પર ચીન અને પાકિસ્તાનની બખ્તરબંધ ગાડીઓ સામે ભારતને નિર્ણાયક સરસાઈ મળશે. આ મિસાઈલ રાત્રિના અંધારામાં કે ખરાબ હવામાનમાં પણ દુશ્મનદેશની ટેંકની ગરમીને ઓળખીને હુમલો કરવામાં સક્ષમ છે.

 

કેન્દ્ર સરકારે સપ્ટેમ્બર 2023માં અંદાજે 700 કરોડ રૂપિયાના ખર્ચે 200થી વધુ ધ્રુવાસ્ત્ર મિસાઈલોની ખરીદીને મંજૂરી આપી દીધી છે. એક મિસાઈલની કિંમત 1 કરોડ રૂપિયાથી પણ ઓછી રહેવાનો અંદાજ છે. આ મિસાઈલના આગમનથી ભારતને રશિયા કે યુરોપ પર નિર્ભર રહેવું નહીં પડે અને વિદેશી હુંડિયામણની પણ મોટી બચત થશે. ધ્રુવાસ્ત્રની સફળતા બાદ હવે DRDO વધુ આધુનિક 'SANT' મિસાઈલ પર કામ કરી રહ્યું છે, જેની રેન્જ હજુ પણ વધારે હશે.

 

(7:38 PM IST)