<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 12th April 2026

ઈરાન તેની પરમાણુ મહત્વાકાંક્ષાઓ છોડવા તૈયાર ન હોવાને કારણે મંત્રણા નિષ્ફળ રહી: નૌકાદળને હોર્મુઝમાં ઈરાન દ્વારા બિછાવેલી દરિયાઈ સુરંગો (માઈન્સ) નષ્ટ કરવાનો પણ ટ્રમ્પે આદેશ આપ્યો

જો કોઈ પણ ઈરાની સૈનિક અમેરિકી દળો અથવા શાંતિપૂર્ણ જહાજો પર ગોળીબાર કરશે, તો તેમને ફૂંકી મારવામાં આવશે : અમેરિકી નૌકાદળ આંતરરાષ્ટ્રીય જળસીમામાં એવા તમામ જહાજોને અટકાવશે જેમણે ઈરાનને ગેરકાયદેસર રીતે ટોલ ટેક્સ ચૂકવ્યો છે

ઈસ્લામાબાદ:  અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલી પાકિસ્તાની શાંતિ વાટાઘાટો કોઈ પણ સમજૂતી વિના સમાપ્ત થયા બાદ પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. આજે રવિવારે આ મડાગાંઠ બાદ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'ટ્રુથ સોશિયલ' પર એક અત્યંત આક્રમક નિવેદન જારી કરીને ઈરાન વિરુદ્ધ કડક લશ્કરી કાર્યવાહીની જાહેરાત કરી છે. 

ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે ઈરાન તેની પરમાણુ મહત્વાકાંક્ષાઓ છોડવા તૈયાર ન હોવાને કારણે આ બેઠક નિષ્ફળ રહી છે.

ટ્રમ્પે જાહેરાત કરી છે કે અમેરિકી નૌકાદળ તાત્કાલિક અસરથી વ્યૂહાત્મક રીતે મહત્વની ગણાતી 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ' એટલે કે હોર્મુઝની સામુદ્રધુનીમાં પ્રવેશતા અથવા ત્યાંથી બહાર નીકળતા તમામ જહાજોની નાકેબંધી શરૂ કરશે. 

તેમણે આ પરિસ્થિતિને 'વર્લ્ડ એક્સટોર્શન' એટલે કે વૈશ્વિક ઉઘાડી લૂંટ ગણાવી છે. ટ્રમ્પે તેમના આદેશમાં જણાવ્યું છે કે અમેરિકી નૌકાદળ આંતરરાષ્ટ્રીય જળસીમામાં એવા તમામ જહાજોને અટકાવશે જેમણે ઈરાનને ગેરકાયદેસર રીતે ટોલ ટેક્સ ચૂકવ્યો છે. તેમણે ચેતવણી આપી છે કે જે પણ ઈરાનને નાણાં ચૂકવશે તેને સમુદ્રમાં સુરક્ષિત માર્ગ મળશે નહીં.

આ ઉપરાંત, અમેરિકી રાષ્ટ્રપતિએ નૌકાદળને સામુદ્રધુનીમાં ઈરાન દ્વારા બિછાવેલી દરિયાઈ સુરંગો (માઈન્સ) નષ્ટ કરવાનો પણ આદેશ આપ્યો છે. ટ્રમ્પે અત્યંત કડક શબ્દોમાં ચેતવણી આપતા કહ્યું છે કે જો કોઈ પણ ઈરાની સૈનિક અમેરિકી દળો અથવા શાંતિપૂર્ણ જહાજો પર ગોળીબાર કરશે, તો તેમને જડબાતોડ જવાબ આપવામાં આવશે. તેમણે દાવો કર્યો હતો કે આ સંઘર્ષમાં ઈરાનનું સૈન્ય માળખું પહેલેથી જ નબળું પડી ગયું છે, તેમની નૌકાદળ અને વાયુસેના લગભગ ખતમ થઈ ગઈ છે અને રાડાર સિસ્ટમ બિનઅસરકારક બની ગઈ છે.

ટ્રમ્પે તેમના સંદેશમાં જણાવ્યું હતું કે ઈરાની નેતૃત્વના અડિયલ વલણને કારણે તેમનો દેશ વિનાશના આરે છે. અમેરિકી રાષ્ટ્રપતિએ અંતમાં ઉમેર્યું કે તેમનું સૈન્ય 'લોક્ડ એન્ડ લોડેડ' એટલે કે સંપૂર્ણ સજ્જ છે અને જો જરૂર પડશે તો ઈરાનનો બચેલો હિસ્સો પણ ખતમ કરી દેવામાં આવશે. 

આ નાકેબંધીમાં અન્ય દેશો પણ સામેલ થશે તેવો નિર્દેશ પણ તેમણે આપ્યો છે. આ જાહેરાત બાદ વૈશ્વિક સ્તરે તેલના પુરવઠા અને સુરક્ષાને લઈને ચિંતા વધી ગઈ છે.

અમેરિકાની કડક કાર્યવાહીથી પશ્ચિમ એશિયામાં યુદ્ધના વાદળો ઘેરાયા

(9:13 PM IST)