<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 12th April 2026

BSNL નો માસ્ટરસ્ટ્રોક: ખાનગી કંપનીઓના ગઢમાં ગાબડું પાડી સરકારી કંપની બની ઇન્ટરનેટની ‘કિંગ’

Jio અને Airtel ને પછાડી BSNL ફિક્સ્ડ-લાઇન ઇન્ટરનેટમાં નંબર-1: nPerf ના રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો, સ્પીડ અને સ્ટ્રીમિંગ ક્વોલિટીમાં સરકારી કંપનીએ ખાનગી દિગ્ગજોને ધોળા દિવસે તારા બતાવ્યા

નવી દિલ્હી: ટેલિકોમ સેક્ટરમાં અત્યાર સુધી જે ખાનગી કંપનીઓનું એકહથ્થુ શાસન ગણાતું હતું, ત્યાં હવે સરકારી કંપની BSNL એ જોરદાર વાપસી કરીને સૌને ચોંકાવી દીધા છે. નાણાકીય વર્ષ ૨૦૨૬ ના તાજેતરના અહેવાલો મુજબ, BSNL એ ફિક્સ્ડ-લાઇન ઇન્ટરનેટ સેગમેન્ટમાં રિલાયન્સ જિયો અને ભારતી એરટેલ જેવી જાયન્ટ કંપનીઓને પાછળ છોડીને પ્રથમ સ્થાન કબજે કર્યું છે. ફ્રેન્ચ નેટવર્ક ટેસ્ટિંગ એજન્સી 'nPerf' ના રિપોર્ટ અનુસાર, BSNL એ 89,174 nPoints મેળવીને ટોચનું સ્થાન હાંસલ કર્યું છે, જ્યારે એરટેલ અને જિયો અનુક્રમે બીજા અને ત્રીજા સ્થાને ફેંકાઈ ગયા છે. આ સફળતા પાછળ BSNL દ્વારા છેલ્લા પાંચ વર્ષથી નેટવર્ક ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં કરવામાં આવેલો સતત સુધારો મુખ્ય કારણ માનવામાં આવે છે.

આંકડાકીય દ્રષ્ટિએ જોઈએ તો BSNL નું પ્રદર્શન આ વર્ષે અત્યંત પ્રભાવશાળી રહ્યું છે. કંપનીની ડાઉનલોડ સ્પીડમાં ૨૧% નો તોતિંગ વધારો થયો છે, જે હવે 78.5 Mbps પર પહોંચી ગઈ છે. સૌથી આશ્ચર્યજનક બાબત અપલોડ સ્પીડમાં જોવા મળી છે, જ્યાં BSNL એ 75.26 Mbps ની સ્પીડ સાથે જિયો અને એરટેલને ઘણું પાછળ છોડી દીધું છે. ઇન્ટરનેટ વાપરતી વખતે યુઝર્સને નડતી 'લેટન્સી' (રિસ્પોન્સ ટાઈમ) અને YouTube સ્ટ્રીમિંગના અનુભવમાં પણ BSNL અન્ય ખાનગી કંપનીઓ કરતા વધુ ઉમદા સાબિત થયું છે. nPoints ના સ્કોરમાં BSNL ની આ સરસાઈ દર્શાવે છે કે વાસ્તવિક વપરાશ દરમિયાન યુઝર્સને BSNL માં વધુ સ્થિર ઇન્ટરનેટ મળી રહ્યું છે.

જોકે, બજાર હિસ્સાની લડાઈમાં હજુ પણ ખાનગી કંપનીઓનો દબદબો છે. TRAI ના ફેબ્રુઆરી ૨૦૨૬ ના રિપોર્ટ મુજબ, જિયો ૩૧.૩૬% માર્કેટ શેર સાથે હજુ પણ સૌથી વધુ ગ્રાહકો ધરાવે છે, જ્યારે BSNL નો હિસ્સો ૧૫.૪૫% છે. ભલે ગ્રાહકોની સંખ્યામાં BSNL ત્રીજા ક્રમે હોય, પરંતુ સર્વિસ ક્વોલિટી અને સ્પીડના મામલે નંબર-૧ બનવું એ સરકારી ટેલિકોમ સેક્ટર માટે નવા પ્રાણ ફૂંકવા સમાન છે. નિષ્ણાતો માને છે કે જો BSNL આ જ રીતે પોતાની ગુણવત્તા જાળવી રાખશે, તો આગામી સમયમાં જિયો અને એરટેલના ગ્રાહકો મોટી સંખ્યામાં સરકારી નેટવર્ક તરફ વળે તેવી પ્રબળ શક્યતા છે.

(10:10 PM IST)