<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th April 2026

દિલ્‍હીમાં એક પિતાએ ૧૦ વર્ષ સુધી દીકરી પર બળાત્‍કાર કર્યો

પુત્રીએ દુષ્‍કર્મનો વિડિયો બનાવીને પકડાવ્‍યો : પોક્‍સો એક્‍ટ હેઠળ કેસ દાખલઃ જેલમાં ધકેલી દીધો

નવી દિલ્‍હી,તા.૧૩: દિલ્‍હીના બુરાડી વિસ્‍તારમાં ૧૦ વર્ષથી પિતાના જાતીય શોષણનો ભોગ બનેલી ૨૧ વર્ષની યુવતીએ પિતા વિરુદ્ધ વિડિયો-પુરાવા એકત્રિત કર્યા હતા. ત્‍યાર બાદ પોલીસે આ ક્રૂર પિતાની ધરપકડ કરીને તેની સામે બળાત્‍કાર અને પ્રોટેક્‍શન ઑફ ચિલ્‍ડ્રલ ફ્રોમ સેક્‍સ્‍યુઅલ ઑફેન્‍સિસ (POSCO-પોક્‍સો) ઍક્‍ટ હેઠળ કેસ દાખલ કર્યો હતો અને તેને જેલમાં ધકેલી દીધો હતો

પોલીસમાં નોંધવામાં આવેલી ફરિયાદ મુજબ પિતાની હવસનો શિકાર બનેલી યુવતી જેપનીઝ ભાષા શીખી રહી છે. તેના પિતા કોન્‍ટ્રેક્‍ટર છે. તે માતાપિતાનું એકમાત્ર સંતાન છે. જ્‍યારે આ યુવતી માત્ર ૧૧ વર્ષની હતી ત્‍યારે ૨૦૧૫ના જાન્‍યુઆરીમાં તેના પિતાએ પહેલી વાર તેના પર બળાત્‍કાર કર્યો હતો. એ સમયે તેની મમ્‍મી પોતાના ગામ ગઈ હતી અને દીકરી પિતા સાથે એકલી રહેતી હતી. અજ્ઞાનતા અને ડરને કારણે તે લાંબા સમય સુધી આ ભયાનક સત્‍ય કોઈને જણાવી શકી નહોતી.

આ યુવતી જેમ-જેમ મોટી થતી ગઈ એમ તેને પિતાના અત્‍યાચારની જાણ થઈ અને ડિપ્રેશનથી તેણે આત્‍મહત્‍યાનો પ્રયાસ પણ કર્યો, પરંતુ એમાં તે નિષ્‍ફળ ગઈ હતી. ૧૬ વર્ષની ઉંમરે તેણે તેની મમ્‍મીને બધું કહેવાની હિમત એકઠી કરી, પરંતુ મમ્‍મીએ તેના પર વિશ્વાસ કરવાને બદલે તેને ચૂપ કરાવી દીધી હતી. ૨૦૧૮માં તેણે બિલાસપુરના ઑલ ઇન્‍ડિયા ઇન્‍સ્‍ટિટ્‍યૂટ ઑફ મેડિકલ સાયન્‍સિસ (AIIMS)માં ડોક્‍ટરને પોતાની આપવીતી જણાવી હતી. ડોક્‍ટરે તેની મમ્‍મીને આ વિશે કહ્યું ત્‍યારે તેણે પુત્રીને કલાકો સુધી એક રૂમમાં બંધ કરી દીધી અને તેને ધમકી આપી હતી. દબાણ અને ડર હેઠળ યુવતીને ડોક્‍ટર સમક્ષ જૂઠું બોલવાની ફરજ પડી હતી

પરિવાર તરફથી ધમકીઓ મળતાં તેણે તેની રૂમમાં ગુપ્ત રીતે મોબાઇલ ફોન કેમેરા ઑન રાખવાનું શરૂ કર્યું. લગભગ એક વર્ષની સખત મહેનત પછી તેણે તેના પિતાનાં દુષ્‍કૃત્‍યોનાં અસંખ્‍ય વિડિયો-ફુટેજ એકત્રિત કર્યાં હતાં. એપ્રિલમાં તેણે એક મિત્રને વાત કરી અને તેના ઘરેથી પોલીસને ફોન કર્યો. તાત્‍કાલિક પોલીસે તેનું તબીબી પરીક્ષણ કરાવ્‍યું અને તેનું નિવેદન નોંધ્‍યું હતું. યુવતી દ્વારા પૂરા પાડવામાં આવેલા ડિજિટલ પુરાવાના આધારે પોલીસે આરોપી પિતાની ધરપકડ કરી હતી. પોલીસ હવે આ કેસમાં યુવતીની મમ્‍મીની ભૂમિકાની સંપૂર્ણ તપાસ કરી રહી છે અને એ  નક્કી કરી રહી છે કે તે આ ગુનામાં સહભાગી હતી કે નહીં.

(10:02 AM IST)