હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
પ્રથમ વિશ્વયુદ્ધમાં ડો. આંબેડકરની પીએચડી અને પુસ્તકો ભરેલું જહાજ ડૂબી ગયું ત્યારે શ્રી સયાજીરાવ ગાયકવાડે વહારે આવી કરી હતી આર્થિક મદદ
અમેરિકાથી પરત ફરતા જર્મનીના હુમલામાં સામાન ગુમાવનાર ડો. આંબેડકરને વડોદરાના મહારાજાએ ‘હુજૂર હુકમ’ દ્વારા ૩૦૦ રૂપિયાનું ગિફ્ટ કવર અને નોકરી આપી પ્રોત્સાહિત કર્યા હતા

વડોદરા: ઇતિહાસના પાનાઓમાં ડો. બી. આર. આંબેડકર અને વડોદરાના રાજવી શ્રી સયાજીરાવ ગાયકવાડ વચ્ચેના સંબંધોના અનેક કિસ્સાઓ નોંધાયેલા છે, પરંતુ ૧૯૧૭ની એક એવી ઘટના છે જે બહુ ઓછા લોકો જાણે છે. પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન ડો. આંબેડકરની બૌદ્ધિક સંપદા સમાન પુસ્તકો અને પીએચડીના દસ્તાવેજો ભરેલું જહાજ દરિયામાં ડૂબી ગયું ત્યારે મહારાજા સયાજીરાવ ગાયકવાડે માનવતાવાદી અભિગમ દાખવી તેમને આર્થિક વળતર પૂરું પાડ્યું હતું.
જર્મનીના હુમલામાં બૌદ્ધિક સંપદાનું નુકસાન:
જુલાઇ ૧૯૧૭માં પ્રથમ વિશ્વયુદ્ધ તેના અંતિમ તબક્કામાં હતું. ડો. આંબેડકર અમેરિકામાં અભ્યાસ પૂર્ણ કરી ભારત પરત ફરી રહ્યા હતા. તેઓ પોતે અન્ય જહાજમાં હતા, પરંતુ તેમનો પીએચડીનો મહાનિબંધ અને મહામૂલા પુસ્તકો ‘સાલસાટી’ (SS Salsette) નામના જહાજમાં હતા. ઇંગ્લિશ ચેનલમાંથી પસાર થતી વખતે જર્મનીએ આ જહાજ પર ટોર્પિડો હુમલો કર્યો હતો. આ હુમલામાં ૧૫ લોકોએ જીવ ગુમાવ્યા અને સાથે જ ડો. આંબેડકરનો વર્ષોની મહેનત સમાન સામાન દરિયામાં ગરકાવ થઈ ગયો હતો.
સયાજીરાવ ગાયકવાડની ઉદારતા અને ‘હુજૂર હુકમ’:
ડો. આંબેડકર જ્યારે ભારત પરત આવ્યા ત્યારે તેમની આ નુકસાનીની જાણ મહારાજા સયાજીરાવ ગાયકવાડને થઈ હતી. સપ્ટેમ્બર-૧૯૧૭માં મહારાજાએ એક વિશેષ ‘હુજૂર હુકમ’ બહાર પાડ્યો હતો. આ હુકમ મુજબ ડો. આંબેડકરને માસિક ૧૫૦ રૂપિયાના પગારે એકાઉન્ટન્ટ જનરલની ઓફિસમાં પ્રોબેશનર તરીકે નિમણૂક આપવામાં આવી હતી. આ સાથે જ, અમેરિકાથી પરત ફરતા સમયે સામાન ડૂબી જવાથી જે નુકસાન થયું હતું તેના વળતર રૂપે ૩૦૦ રૂપિયાનું ‘ગિફ્ટ કવર’ મંજૂર કરવામાં આવ્યું હતું. આ રકમ ખાસ ખાનગી ડિપાર્ટમેન્ટમાંથી ચૂકવવાનો આદેશ કરાયો હતો.
સંઘર્ષ અને શિષ્યવૃત્તિનો ઇતિહાસ:
ડો. આંબેડકરના અભ્યાસ પ્રત્યેની રુચિ જોઈને આચાર્ય કૃષ્ણાજી અર્જુન કેલુસ્કરે તેમને સયાજીરાવ ગાયકવાડ સાથે મુલાકાત કરાવી આપી હતી. મહારાજાએ તેમની તેજસ્વી બુદ્ધિથી પ્રભાવિત થઈને પહેલા માસિક ૨૫ રૂપિયા અને ત્યારબાદ વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે માસિક ૧૧.૫ પાઉન્ડની શિષ્યવૃત્તિ મંજૂર કરી હતી. વડોદરાના કોઠી કમ્પાઉન્ડમાં નોકરી દરમિયાન તેમણે અનેક જાતિગત ભેદભાવોનો સામનો પણ કર્યો હતો. વડોદરાના કમાટીબાગમાં વડલા નીચે બેસીને તેમણે કરેલું ચિંતન આજે પણ ભારતની સામાજિક ક્રાંતિના પાયામાં ગણાય છે. રાજવી સયાજીરાવની આ દૂરંદેશી અને આર્થિક મદદને કારણે જ ભારતને એક મહાન બંધારણ ઘડવૈયા પ્રાપ્ત થયા હતા. (આલેખન - દર્શન ત્રિવેદી, ગુજરાત માહિતી ખાતું)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
