News of Monday, 13th April 2026
નોઇડામાં કામદારોનું તાંડવઃ આગજની-પથ્થરમારો-તોડફોડઃ પોલીસ સાથે અથડામણ
દિલ્હી સરહદ ‘સીલ': પાંચ ઔદ્યોગિક વિસ્તારોમાં ત્રણ દિવસથી ભભૂકતો રોષ ચોથા દિવસે બેકાબૂ

નોઇડા, તા.૧૩: ઔદ્યોગિક હબ ગણાતા નોઇડામાં કામદારોનો વિરોધ પ્રદર્શન ગુરુવારે બેકાબૂ બનતા યુદ્ધ જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. છેલ્લા ત્રણ દિવસથી શાંતિપૂર્ણ રીતે ચાલી રહેલી હડતાળ અચાનક હિંસામાં ફેરવાઈ ગઈ, જેમાં હજારો કામદારોએ રસ્તા પર ઉતરીને ભારે તોડફોડ કરી. ફેઝ-૨ અને સેક્ટર-૮૪માં સ્થિતિ એટલી હદે વણસી હતી કે ઉશ્કેરાયેલા ટોળાએ પોલીસ વાહનોને નિશાન બનાવ્યા હતા. પ્રદર્શનકારીઓએ માત્ર પથ્થરમારો જ ન કર્યો, પરંતુ એક સરકારી વાહનને ઉથલાવી દીધું અને અન્ય બે વાહનોને જીવતા બોમ્બની જેમ આગ ચાંપી દીધી હતી. હિંસાના પગલે દિલ્હી અને નોઇડા વચ્ચેના મુખ્ય માર્ગો પર વાહનોની અવરજવર અટકાવી દેવામાં આવી છે.
હિંસાની જ્વાળા ખાસ કરીને મદ્રેસન કંપની અને હોઝિયરી કોમ્પ્લેક્સ વિસ્તારમાં વધુ જોવા મળી હતી. ગ્રેટર નોઇડાના ફેઝ-૨માં જ્યારે પોલીસ દળે પ્રદર્શનકારીઓને રોકવાનો પ્રયાસ કર્યો, ત્યારે મામલો બિચકયો હતો. રિચા ગ્લોબલ ગાર્મેન્ટ્સ સહિત અનેક કંપનીઓના હજારો કામદારો સૂત્રોચ્ચાર કરતા રસ્તા પર ઉતરી આવ્યા હતા. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, ભીડે ડી-બ્લોક વિસ્તારમાં ઘેરાબંધી કરીને પોલીસ પર ચોતરફથી પથ્થરમારો શરૂ કર્યો હતો, જેના કારણે પોલીસકર્મીઓને જીવ બચાવવા માટે પીછેહઠ કરવાની ફરજ પડી હતી.
વહીવટીતંત્ર માટે આંચકાજનક બાબત એ રહી કે માત્ર ૨૪ કલાક પહેલા જ જિલ્લા મેજિસ્ટ્રેટ અને પોલીસ અધિકારીઓએ કામદારો સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં તેમની તમામ માંગણીઓ સંતોષવાની ખાતરી આપવામાં આવી હતી, તેમ છતાં કામદારોમાં અવિશ્વાસ એટલો ઊંડો હતો કે વહીવટીતંત્રની અપીલ નિષ્ફળ સાબિત થઈ. અમે હવે ખાલી આશ્વાસનોથી માનવાના નથી, તેવા મક્કમ નિર્ધાર સાથે કામદારો ચોથા દિવસે પણ રસ્તા પર અડગ રહ્યા છે. આ અશાંતિને કારણે નોઇડાના સેક્ટર ૧૫, ૬૨, ૬૩ અને કુલેસરા જેવા વ્યસ્ત વિસ્તારોમાં કામકાજ ઠપ થઈ ગયું છે.
પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે ગૌતમ બુદ્ધ નગર પોલીસે સમગ્ર નોઇડાને હાઈ એલર્ટ પર મૂકી દીધું છે. પીએસીની ટુકડીઓ અને વધારાની પોલીસ ફોર્સ તૈનાત કરવામાં આવી છે, જ્યારે આકાશમાંથી ડ્રોન કેમેરા દ્વારા તોફાની તત્વો પર નજર રાખવામાં આવી રહી છે. પોલીસ કમિશનરેટે જનતાને અફવાઓથી દૂર રહેવા અને શાંતિ જાળવવા વિનંતી કરી છે.
હાલમાં નોઇડા-દિલ્હી બોર્ડર પર કડક ચેકિંગ ચાલી રહ્યું હોવાથી કિલોમીટરો સુધી લાંબો ટ્રાફિક જામ સર્જાયો છે,
જેના કારણે ઓફિસ જતા લોકો અને મુસાફરો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે.
(3:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
