<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th April 2026

સીમાંકનનો ‘ચક્રવ્‍યૂહ': મહિલા અનામત તો માત્ર મહોરું, અસલી નિશાન બંધારણ પર

સોનિયા ગાંધીના કેન્‍દ્ર સરકાર પર આકરા પ્રહાર : ખાસ સંસદ સત્રના સમય અને ઈરાદાઓ પર સવાલ ઉઠાવ્‍યા

નવી દિલ્‍હી, તા.૧૩: કોંગ્રેસ સંસદીય દળના અધ્‍યક્ષ સોનિયા ગાંધીએ કેન્‍દ્ર સરકારની રણનીતિ પર આકરા પ્રહારો કરતા એક નવો રાજકીય વિવાદ છેડ્‍યો છે. તેમણે સ્‍પષ્ટ શબ્‍દોમાં જણાવ્‍યું છે કે અત્‍યારે દેશ સામે વાસ્‍તવિક મુદ્દો મહિલા અનામતનો નથી, કારણ કે તે કાયદો તો ઓલરેડી પસાર થઈ ચૂકયો છે, પરંતુ અસલી ખેલ સીમાંકનનો છે. સોનિયા ગાંધીએ આ પ્રસ્‍તાવને અત્‍યંત ગંભીર ગણાવતા તેને બંધારણ પર હુમલો ગણાવ્‍યો છે. તેમણે આક્ષેપ કર્યો કે સરકાર વિપક્ષને અંધારામાં રાખીને ખાસ સત્ર દ્વારા ઉતાવળમાં એવા નિર્ણયો લેવા માંગે છે જેનો હેતુ માત્ર આગામી ચૂંટણીઓમાં રાજકીય લાભ ખાટવાનો છે.

સોનિયા ગાંધીએ નારી શક્‍તિ વંદન કાયદાના અમલીકરણમાં મુકાયેલી શરતો અંગે સરકારની દાનત પર શંકા વ્‍યક્‍ત કરી છે. તેમણે સવાલ ઉઠાવ્‍યો કે ૨૦૨૩માં પસાર થયેલા આ કાયદાને આગામી વસ્‍તી ગણતરી અને સીમાંકન સાથે કેમ સાંકળવામાં આવ્‍યો? સરકાર હવે અચાનક ૨૦૨૯થી અનામત લાગુ કરવાની વાત કરી રહી છે, તો આટલા સમય સુધી વિપક્ષની સર્વપક્ષીય બેઠકની માંગને કેમ ઠુકરાવવામાં આવી? તેમના મતે, મહિલા અનામતનો મુદ્દો આગળ ધરીને સરકાર ખરેખર તો સીમાંકન દ્વારા બેઠકોની નવી વહેંચણી કરવા માંગે છે, જે લોકશાહીના મૂળભૂત માળખાને હચમચાવી શકે છે.

સીમાંકન અંગે ઊંડી ચિંતા વ્‍યક્‍ત કરતા સોનિયા ગાંધીએ દલીલ કરી કે જો લોકસભાની બેઠકોની સંખ્‍યા માત્ર વસ્‍તીના અંકગણિતના આધારે વધારવામાં આવશે, તો તે અન્‍યાયી હશે. ખાસ કરીને એવા રાજ્‍યો (જેમ કે દક્ષિણ ભારતના રાજ્‍યો) જેમણે રાષ્‍ટ્રીય નીતિઓનું પાલન કરીને વસ્‍તી નિયંત્રણમાં શાનદાર પ્રદર્શન કર્યું છે, તેમની રાજકીય શક્‍તિ ઘટી જશે. તેમણે ભારપૂર્વક કહ્યું કે સીમાંકન રાજકીય સંતુલનને ધ્‍યાનમાં રાખીને થવું જોઈએ, નહીં તો તે દેશના સંઘીય માળખા માટે ઘાતક સાબિત થશે. સાથે જ તેમણે જાતિ ગણતરીમાં થઈ રહેલા વિલંબને સરકારનું બહાનું ગણાવ્‍યું હતું.

અંતમાં, સોનિયા ગાંધીએ ૨૦૨૧ની વસ્‍તી ગણતરી મુલતવી રાખવા બદલ સરકારની ટીકા કરતા કહ્યું કે તેનાથી કરોડો ગરીબો સરકારી યોજનાઓના લાભથી વંચિત રહી ગયા છે. હવે ૨૦૨૭માં ડિજિટલ વસ્‍તી ગણતરીની વાતો કરીને સરકાર માત્ર સમય પસાર કરી રહી છે. તેમણે આ સમગ્ર પ્રક્રિયાને અલોકતાંત્રિક ગણાવતા માંગ કરી કે સરકારે એકતરફી નિર્ણયો લેવાને બદલે વિપક્ષ સાથે ખુલીને ચર્ચા કરવી જોઈએ. સોનિયા ગાંધીનું આ નિવેદન આગામી દિવસોમાં સંસદથી લઈને રસ્‍તાઓ સુધી મોટા રાજકીય આંદોલનના સંકેત આપી રહ્યું છે. 

(3:42 PM IST)