તા. ૨૪ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા વદ -૭, મંગળવાર
અમરનાથ યાત્રા ૨૦૨૬ : બાબા બરફાનીની પ્રથમ તસવીર સામે આવતા ભક્તોમાં ભારે ઉત્સાહ : ૩ જુલાઈથી પવિત્ર યાત્રાનો થશે પ્રારંભ
૫૭ દિવસ ચાલનારી યાત્રા માટે ૧૫ એપ્રિલથી રજીસ્ટ્રેશન શરૂ થશે : મનોજ સિંહાએ રક્ષાબંધનના દિવસે યાત્રા પૂર્ણ થવાની કરી જાહેરાત : સુરક્ષા માટે હાઈ-ટેક ઉપકરણો સાથે સુરક્ષા એજન્સીઓ તૈનાત

શ્રીનગર: વર્ષ ૨૦૨૬ની અમરનાથ યાત્રાને લઈને શિવભક્તો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. યાત્રા શરૂ થાય તે પહેલા જ પવિત્ર ગુફાની અંદરથી બાબા બરફાનીની પ્રથમ તસવીર વાયરલ થઈ છે. એપ્રિલના બીજા સપ્તાહમાં પવિત્ર ગુફા સુધી પહોંચેલા પંજાબના શ્રદ્ધાળુઓના એક જૂથે આ તસવીરો શેર કરી છે, જેમાં બાબા બરફાની માતા પાર્વતી અને ગણેશ સાથે પૂર્ણ સ્વરૂપમાં બિરાજમાન દેખાય છે. આ તસવીર વર્ષ ૨૦૨૬ની યાત્રા સફળ થવાનો સંકેત હોવાનું ભક્તો માની રહ્યા છે.
યાત્રાનો કાર્યક્રમ અને રજીસ્ટ્રેશન:
જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ અને અમરનાથ શ્રાઈન બોર્ડના અધ્યક્ષ મનોજ સિંહાએ સત્તાવાર જાહેરાત કરી છે કે આ વર્ષે અમરનાથ યાત્રા ૩ જુલાઈથી શરૂ થશે અને ૨૮ ઓગસ્ટ રક્ષાબંધનના દિવસે સમાપ્ત થશે. કુલ ૫૭ દિવસ સુધી ચાલનારી આ યાત્રા માટે ૧૫ એપ્રિલથી ઓનલાઈન અને ઓફલાઈન રજીસ્ટ્રેશન શરૂ કરવામાં આવશે. જમ્મુ-કાશ્મીર બેંક અને પંજાબ નેશનલ બેંક સહિતની ૫૫૪ નિર્ધારિત બેંક શાખાઓમાં આ પ્રક્રિયા હાથ ધરાશે. યાત્રાના ઉદ્ઘાટન માટે ‘પ્રથમ પૂજા’ ૨૯ જૂન જેઠ પૂર્ણિમાના દિવસે યોજવામાં આવશે.
યુદ્ધના ધોરણે તૈયારીઓ શરૂ:
કાશ્મીરના ડિવિઝનલ કમિશનર અંશુલ ગર્ગના જણાવ્યા અનુસાર, માર્ચ મહિનાથી જ યાત્રાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હતી. બાલટાલ અને ચંદનવાડી એમ બંને માર્ગો પરથી બરફ હટાવવાની કામગીરી તેજ ગતિએ ચાલી રહી છે જેથી યાત્રાના પ્રારંભ પહેલા રસ્તાઓ સુલભ બનાવી શકાય. પરિવહન, ટેલિકોમ્યુનિકેશન અને ટ્રેકની તૈયારીઓ પર વહીવટીતંત્ર દ્વારા સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. છેલ્લા ત્રણ વર્ષમાં શ્રદ્ધાળુઓની વધતી સંખ્યાને જોતા આ વર્ષે પણ મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે તેવી શક્યતા છે.
ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત:
યાત્રા દરમિયાન શ્રદ્ધાળુઓની સુરક્ષા એ વહીવટીતંત્રની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. જમ્મુ-કાશ્મીર પોલીસ, ભારતીય સેના, ITBP, CRPF, BSF, SSB અને NDRF જેવી વિવિધ સુરક્ષા એજન્સીઓ પરસ્પર સંકલન સાધીને કાર્યરત છે. સુરક્ષા વ્યવસ્થાને મજબૂત બનાવવા માટે અત્યાધુનિક હાઈ-ટેક ઉપકરણોનો ઉપયોગ કરવામાં આવશે. સીસીટીવી કેમેરા અને ડ્રોન દ્વારા પણ સંવેદનશીલ વિસ્તારો પર નજર રાખવામાં આવશે. વહીવટીતંત્ર દ્વારા ભક્તોને ખાતરી આપવામાં આવી છે કે તેમની યાત્રા સુરક્ષિત અને સુવિધાજનક રહે તે માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવ્યા છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
