હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
સંગીતની દુનિયામાં શોકનું મોજું: 'મેં મારી બહેન ગુમાવી છે', આશા ભોંસલેના નિધન પર દિગ્ગજ સંગીતકાર ઇલૈયારાજા ભાવુક
ભારતીય સંગીતનો એક સુવર્ણ યુગ આથમ્યો: મુંબઈની હોસ્પિટલમાં 92 વર્ષની વયે આશાજીએ લીધા અંતિમ શ્વાસ, ઇલૈયારાજાએ વીડિયો સંદેશ દ્વારા અજોડ અવાજને અર્પી શ્રદ્ધાંજલિ

ચેન્નાઈ | તા. 13: ભારતીય સંગીત જગતની સુપ્રસિદ્ધ ગાયિકા અને કરોડો દિલો પર રાજ કરનાર આશા ભોંસલેના નિધનથી સમગ્ર દેશ સ્તબ્ધ છે. 12 એપ્રિલના રોજ મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં તેમણે 92 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા. આ દુઃખદ સમાચાર બાદ દક્ષિણ ભારતના મહાન સંગીતકાર ઇલૈયારાજાએ એક અત્યંત હૃદયસ્પર્શી વીડિયો સંદેશ શેર કરીને આશાજી સાથેના પોતાના અંગત અને વ્યાવસાયિક સંબંધોને યાદ કર્યા છે.
'તેઓ મને હંમેશા પ્રેમથી મળતા'
વીડિયો સંદેશમાં ઇલૈયારાજાએ આશા ભોંસલેને પોતાની 'બહેન' તરીકે સંબોધતા કહ્યું કે, "આશાજી પાસે જે પ્રતિભા હતી તે અજોડ છે, પણ એથીય વધુ વિશેષ તેમનો મારા પ્રત્યેનો સ્નેહ હતો. તેઓ જ્યારે પણ ટૂંકી મુલાકાતે ચેન્નાઈ આવતા, ત્યારે મને મળવાનું ક્યારેય ચૂકતા નહીં. તેમના નિધનથી મેં માત્ર એક મહાન ગાયિકા જ નહીં, પણ એક પ્રેમાળ બહેન પણ ગુમાવી છે."
તમિલ સંગીતમાં આશાજીનો જાદુ
ઇલૈયારાજા અને આશા ભોંસલેની જોડીએ સંગીત જગતને અનેક યાદગાર ગીતો આપ્યા છે. આશાજીએ તેમનું પ્રથમ તમિલ ગીત 1987માં ઇલૈયારાજાના સંગીત નિર્દેશન હેઠળ 'એંગા ઉરુ પાટુકારન' ફિલ્મ માટે 'શેનબાગમે' ગાયું હતું. આ જોડીએ ત્યારબાદ 'પુધુ પાટ્ટુ' અને કમલ હાસનની સુપરહિટ ફિલ્મ 'હે રામ' (2000) ના 'ની પાર્થા પારવઈ' જેવા સુપરહિટ ગીતોમાં સાથે કામ કર્યું હતું.
એક અજોડ અને અવિસ્મરણીય અવાજ
ઇલૈયારાજાએ વધુમાં ઉમેર્યું કે, "તેમનો અવાજ અજોડ અને પ્રતિભાશાળી હતો. સંગીત પ્રત્યે તેમનો આદર અને સમર્પણ આવનારી પેઢીઓ માટે પ્રેરણારૂપ રહેશે." તેમણે આશાજીના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી અને તેમના પરિવાર પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી હતી.
આશા ભોંસલેના જવાથી સંગીતના એક એવા પ્રકરણનો અંત આવ્યો છે જેણે સાત દાયકા કરતા વધુ સમય સુધી ગાયકીના ક્ષેત્રમાં પોતાની આણ વર્તાવી હતી. સંગીત પ્રેમીઓ માટે આ એક ક્યારેય ન પુરાનારી ખોટ છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
