હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટાર્મરનો સ્પષ્ટ સંદેશ: ‘અમે યુદ્ધમાં સામેલ નહીં થઈએ : હોર્મુઝની નાકાબંધી કરવાના પક્ષમાં નથી’
આંતરરાષ્ટ્રીય જળસીમામાં મુક્ત અવરજવર પર ભાર — સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ થશે તો વૈશ્વિક મોંઘવારી વધશે, બ્રિટને પેટ્રોલ-ડીઝલ પર 17 પેન્સનો ટેક્સ કાપ મૂક્યો, યુદ્ધ નહીં કૂટનીતિથી ઉકેલ લાવવા પર ભાર

લંડન તા.૧૩ : બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટાર્મરે સ્પષ્ટ રીતે જણાવ્યું છે કે બ્રિટન સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પર કોઈપણ પ્રકારની નાકાબંધી અથવા બ્લોકેડને ટેકો આપશે નહીં. તેમણે આંતરરાષ્ટ્રીય જળસીમાઓમાં જહાજોની મુક્ત અવરજવર જાળવી રાખવાની જરૂરિયાત પર ભાર મૂકતા કહ્યું કે બ્રિટન કોઈપણ દબાણ હેઠળ યુદ્ધમાં સામેલ નહીં થાય.
સ્ટાર્મરે જણાવ્યું કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ વૈશ્વિક તેલ અને ગેસ પુરવઠા માટે અત્યંત મહત્વપૂર્ણ છે અને અહીં કોઈપણ પ્રકારનો અવરોધ સમગ્ર વિશ્વના અર્થતંત્ર પર ગંભીર અસર કરી શકે છે. તેમણે ચેતવણી આપી કે જો હોર્મુઝમાં અવરોધ સર્જાય છે, તો તેની સીધી અસર ઊર્જાના ભાવ પર પડશે. તેના કારણે બ્રિટન સહિત વિશ્વના ઘણા દેશોમાં મોંઘવારી વધશે અને સામાન્ય નાગરિકોને આર્થિક બોજો સહન કરવો પડશે.
મિડલ ઈસ્ટમાં વધતા તણાવ અને સંભવિત અસરને ધ્યાનમાં રાખીને બ્રિટન સરકારે પહેલેથી જ તૈયારી શરૂ કરી છે. માહિતી અનુસાર, પેટ્રોલ અને ડીઝલ પર ટેક્સમાં લગભગ 17 પેન્સ પ્રતિ લિટરનો કાપ મૂકવામાં આવ્યો છે, જે આગામી 2 મહિના સુધી લાગુ રહેશે. આ પગલું ઈંધણના વધતા ભાવોને કાબૂમાં રાખવા અને સામાન્ય નાગરિકોને રાહત આપવા માટે લેવામાં આવ્યું છે.
વડાપ્રધાન સ્ટાર્મરે સ્પષ્ટ કર્યું કે હોર્મુઝ ખુલ્લો રહેવો જોઈએ અને નાકાબંધી કોઈ ઉકેલ નથી. બ્રિટન આ વિસ્તારમાં સ્થિરતા જાળવવા માટે તેના સાથી દેશો અને આંતરરાષ્ટ્રીય સંગઠનો સાથે મળીને કામ કરશે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે સમુદ્રમાં વેપારી જહાજોની સુરક્ષા માત્ર સૈન્ય મુદ્દો નથી, પરંતુ વૈશ્વિક બજારની સ્થિરતા માટે અત્યંત જરૂરી છે.
સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ઈરાન અને ઓમાન વચ્ચે આવેલો એક સાંકડો જળમાર્ગ છે, જ્યાંથી વિશ્વના લગભગ 20% તેલ વેપાર પસાર થાય છે. આ કારણે આ વિસ્તાર વૈશ્વિક ઊર્જા સુરક્ષા માટે અત્યંત સંવેદનશીલ ગણાય છે. ઈરાન અગાઉ પણ અનેક વખત આ માર્ગ બંધ કરવાની ધમકી આપી ચૂક્યું છે, જેના કારણે સમયાંતરે તણાવ સર્જાતો રહે છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
