<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th April 2026

પાકિસ્તાની શેરબજારમાં ભૂકંપ: ટ્રેડિંગ શરૂ થતા જ ઈન્ડેક્સ 5,000 પોઈન્ટ ગગડ્યો, રોકાણકારોના અબજો રૂપિયા ડૂબ્યા

ટ્રમ્પના એક આદેશથી કરાચી સ્ટોક એક્સચેન્જમાં રક્તપાત: ઈરાની બંદરોની નાકાબંધીના સમાચારથી બજાર ધબડાયું, હોર્મુઝ સ્ટ્રેટમાં યુદ્ધના વાદળો ઘેરાતા ફફડાટ

કરાચી: વૈશ્વિક રાજકારણમાં મચેલી ઉથલપાથલની સૌથી ગંભીર અસર પાકિસ્તાનના શેરબજાર પર જોવા મળી છે. સોમવારે સવારે કરાચી સ્ટોક એક્સચેન્જ (PSX) ખુલતાની સાથે જ રોકાણકારોમાં ભારે ગભરાટ ફેલાયો હતો, જેને કારણે બેન્ચમાર્ક KSE-100 ઇન્ડેક્સ પત્તાના મહેલની જેમ ધરાશાયી થયો હતો. માત્ર શરૂઆતના કલાકોમાં જ ઇન્ડેક્સમાં ૫,૦૦૦ થી વધુ પોઈન્ટનો આઘાતજનક કડાકો નોંધાયો હતો.
ટ્રમ્પનો આદેશ અને બજારમાં ક્રેશ
આ કડાકા પાછળનું મુખ્ય કારણ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો એક કડક નિર્ણય છે. ઈરાન સાથેની શાંતિ વાટાઘાટો નિષ્ફળ જતાં ટ્રમ્પે ઈરાની બંદરો પર નાકાબંધી કરવાનો આદેશ આપ્યો છે. આ સમાચાર વાયુવેગે ફેલાતા જ રોકાણકારોએ આક્રમક વેચવાલી શરૂ કરી દીધી હતી, જેના કારણે KSE-100 ઇન્ડેક્સ ૧૬૧,૬૩૮ ના નીચલા સ્તરે સરકી ગયો હતો. જોકે, દિવસના બીજા ભાગમાં બજારે ૧૬૩,૦૦૦ ના સ્તરને પાર કરીને આંશિક સુધારો દર્શાવ્યો હતો, પરંતુ અસ્થિરતા યથાવત રહી હતી.
તેલના માર્ગ પર જોખમ: હોર્મુઝ સ્ટ્રેટમાં તણાવ
વિશ્વના સૌથી મહત્વપૂર્ણ તેલ શિપિંગ માર્ગ 'હોર્મુઝ સ્ટ્રેટ' પર યુદ્ધ જેવી સ્થિતિ સર્જાતા પાકિસ્તાન સહિતના પ્રાદેશિક બજારોની ચિંતા વધી છે. ઈરાને સ્પષ્ટ ચેતવણી આપી છે કે આ વિસ્તારમાં અમેરિકાની કોઈપણ લશ્કરી હિલચાલને યુદ્ધવિરામનો ભંગ ગણવામાં આવશે. આ તણાવને કારણે ઉર્જા પુરવઠો ખોરવાઈ જવાની આશંકાએ બજારમાં નકારાત્મકતા ફેલાવી છે.
ઉતાર-ચઢાવનો દોર
નોંધનીય છે કે ૮ એપ્રિલના રોજ જ્યારે યુદ્ધવિરામના સમાચાર આવ્યા હતા, ત્યારે આ જ ઇન્ડેક્સ ૧૪,૦૦૦ પોઈન્ટના ઐતિહાસિક ઉછાળા સાથે ૧૬૪,૦૦૦ ને પાર કરી ગયો હતો. પરંતુ માત્ર પાંચ દિવસમાં જ સ્થિતિ પલટાઈ ગઈ છે. આ ઘટનાક્રમ દર્શાવે છે કે વૈશ્વિક અનિશ્ચિતતા અને યુદ્ધના ભણકારા વચ્ચે પાકિસ્તાનનું શેરબજાર હાલમાં અત્યંત જોખમી વળાંક પર ઉભું છે.

(5:31 PM IST)