હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહત્વના સમાચારો ઊડતી નજરે.... 4:33 PM

કેલિફોર્નિયા : મ્યુઝિકની દુનિયાના 'પોપ આઇકોન' ગણાતા જસ્ટિન બીબરે કોચેલા 2026ના સ્ટેજ પર કંઈક એવું કર્યું જેની કોઈએ કલ્પના સુધ્ધાં નહોતી કરી. અંદાજે ₹900 મિલિયન (10 મિલિયન ડોલર) જેટલી અધધ ફી વસૂલનાર બીબર પાસેથી ચાહકોને આશા હતી કે તે સ્ટેજ પર આગ લગાવી દેશે, પરંતુ તેને બદલે જસ્ટિન સ્ટેજ પર લેપટોપ લઈને બેસી ગયો! તેની કારકિર્દીના નવા તબક્કાની શરૂઆત ગણાવતા આ શોમાં તેણે ગાવા કરતા તેના જૂના યુટ્યુબ વીડિયો બતાવવામાં વધુ સમય વિતાવ્યો, જેને જોઈને સામે બેઠેલા હજારો દર્શકો સ્તબ્ધ રહી ગયા હતા.
શો દરમિયાન 32 વર્ષીય જસ્ટિનનો દેખાવ પણ કોઈ મોટા સ્ટાર જેવો નહીં, પણ રજાઓ ગાળવા નીકળેલા પ્રવાસી જેવો હતો. શોર્ટ્સ, સનગ્લાસ અને કેઝ્યુઅલ હૂડીમાં સજ્જ જસ્ટિને તેના નવા આલ્બમ "સ્વેગ 2" ના ગીતો રજૂ કર્યા ખરા, પણ તેમાં એ જૂની ઉર્જા ગાયબ હતી. ચાહકોએ સોશિયલ મીડિયા પર પોતાનો રોષ ઠાલવતા લખ્યું કે, "આટલા કરોડો રૂપિયા શું માત્ર યુટ્યુબ વીડિયો બતાવવા માટે લીધા છે?" ઘણા યુઝર્સે તેને અત્યાર સુધીનો સૌથી 'આળસુ' અને 'કંટાળાજનક' હેડલાઇન શો ગણાવ્યો છે.
જોકે, વિવાદોની વચ્ચે પણ જસ્ટિન બીબરે ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ પર વ્યુઝના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. તેના નજીકના સૂત્રો આ શોને એક "ક્રાંતિકારી પ્રયોગ" ગણાવી રહ્યા છે, જે દર્શાવે છે કે જસ્ટિન હવે કોઈના દબાણમાં નથી અને પોતાની મરજી મુજબ પરફોર્મ કરે છે. પરંતુ લાખો ખર્ચ કરીને તેને લાઈવ સાંભળવા આવેલા ફેન્સ માટે આ 'ક્રાંતિ' મોંઘી સાબિત થઈ હોય તેવું લાગે છે. અત્યારે તો આખું ઇન્ટરનેટ બે ભાગમાં વહેંચાયેલું છે: એક જે તેને 'જીનિયસ' માને છે અને બીજા જે તેને 'ઓવરપેઇડ' કલાકાર કહી રહ્યા છે.
હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહત્વના સમાચારો ઊડતી નજરે.... 4:33 PM