<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th April 2026

શ્વેત ક્રાંતિમાં યુપીનો દબદબો: ગુજરાત અને મહારાષ્ટ્રને પછાડી ઉત્તર પ્રદેશ દૂધ ઉત્પાદનમાં દેશમાં નંબર-1!

યોગી સરકારના શાસનમાં દૂધ ઉત્પાદનમાં 40% નો તોતિંગ વધારો, ગામડાની લાખો 'ડેરી સખીઓ' એ સંભાળ્યું સુકાન: ₹5,000 કરોડના ટર્નઓવર સાથે ગ્રામીણ મહિલાઓએ રચ્યો નવો ઇતિહાસ

લખનૌ:  ઉત્તર પ્રદેશે દૂધ ઉત્પાદન ક્ષેત્રે એક એવો આંકડો પાર કર્યો છે જેણે આખા દેશનું ધ્યાન ખેંચ્યું છે. પરંપરાગત રીતે દૂધ ઉત્પાદનમાં અગ્રેસર ગણાતા ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોને પાછળ છોડીને ઉત્તર પ્રદેશ હવે ભારતના કુલ દૂધ ઉત્પાદનમાં 16% હિસ્સા સાથે ટોચ પર બિરાજમાન થયું છે. વર્ષ 2016-17માં જ્યાં દૂધનું ઉત્પાદન 27.7 મિલિયન મેટ્રિક ટન હતું, તે હવે 2024-25 સુધીમાં વધીને 38.8 મિલિયન મેટ્રિક ટન સુધી પહોંચવાનો અંદાજ છે. આ માત્ર આંકડાકીય પ્રગતિ નથી, પરંતુ રાજ્યના પશુપાલન ક્ષેત્રે આવેલી એક મહા-ક્રાંતિ છે જેણે યુપીને દેશનું સૌથી શક્તિશાળી ડેરી હબ બનાવી દીધું છે.

આ ભવ્ય સફળતાની પાછળ અસલી તાકાત રાજ્યની ગ્રામીણ મહિલાઓ છે. ઉત્તર પ્રદેશ રાજ્ય ગ્રામીણ આજીવિકા મિશન હેઠળ, રાજ્યના 31 જિલ્લાઓમાં મહિલાઓ 'ડેરી સખી' બનીને આખા વ્યવસાયનું સંચાલન કરી રહી છે. આશ્ચર્યજનક બાબત એ છે કે આ મહિલા જૂથો દરરોજ આશરે 10 લાખ લિટર દૂધ એકત્રિત કરે છે. બાલિની, કાશી અને સમર્થ્ય જેવી પાંચ મોટી મહિલા ડેરી કંપનીઓએ (MPCL) ફેબ્રુઆરી 2026 સુધીમાં ₹5,000 કરોડનું અધધ ટર્નઓવર કરીને સાબિત કરી દીધું છે કે જો મહિલાઓને તક મળે તો તેઓ અર્થતંત્રનો ચહેરો બદલી શકે છે. લગભગ 4 લાખ મહિલા ખેડૂતો આજે આ મિશન સાથે જોડાઈને આર્થિક રીતે આત્મનિર્ભર બની છે.

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નેતૃત્વમાં પશુપાલન વિભાગે પાયાના સ્તરે કરેલા સંકલિત પ્રયાસોને કારણે આ પરિવર્તન શક્ય બન્યું છે. અધિક મુખ્ય સચિવ મુકેશ મેશ્રામના જણાવ્યા અનુસાર, બુંદેલખંડથી લઈને પૂર્વાંચલ અને તરાઈના વિસ્તારો સુધી ફેલાયેલી આ ડેરી કંપનીઓ હવે ગ્રામીણ અર્થતંત્રની કરોડરજ્જુ બની ગઈ છે. સરકાર દ્વારા મહિલાઓને આર્થિક મુખ્ય પ્રવાહમાં લાવવાના આ અભિગમે માત્ર દૂધની નદીઓ જ નથી વહાવી, પણ લાખો પરિવારોમાં સમૃદ્ધિના દ્વાર પણ ખોલ્યા છે. ઉત્તર પ્રદેશનું આ બદલાતું ચિત્ર હવે અન્ય રાજ્યો માટે પણ પશુપાલન અને મહિલા સશક્તિકરણનું એક ઉત્તમ મોડેલ બની રહ્યું છે.

(6:45 PM IST)