હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
માત્ર રસોડું જ નહીં, હવે ખેતી અને ફોન પણ મોંઘા થશે! હોર્મુઝ સંકટથી 'સલ્ફર'નો પુરવઠો ખોરવાયો
તેલ અને ગેસ પછી હવે 'સલ્ફર' માટે દુનિયામાં હાહાકાર: હોર્મુઝમાં યુદ્ધના કારણે ખાતર અને ચિપનું ઉત્પાદન જોખમમાં: ચીને નિકાસ પર પ્રતિબંધ મૂકતા ભારતની ચિંતા વધી : ખેતીથી લઈને મોબાઈલ સુધી બધું જ પ્રભાવિત થશે

નવી દિલ્હી: મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધની અસર હવે માત્ર પેટ્રોલ કે ડીઝલ સુધી સીમિત નથી રહી, પરંતુ તે આપણા ખેતરો અને ખિસ્સા સુધી પહોંચી ગઈ છે. હોર્મુઝની સામુદ્રધુનીમાં વધતા તણાવને કારણે 'સલ્ફર'ના વૈશ્વિક પુરવઠામાં મોટું ગાબડું પડ્યું છે. સલ્ફર એક એવું મૂળભૂત તત્વ છે જે ખાતર બનાવવા માટે અનિવાર્ય છે અને વિશ્વના દરિયાઈ સલ્ફર વેપારનો લગભગ 50% હિસ્સો આ અશાંત માર્ગમાંથી પસાર થાય છે. 28 ફેબ્રુઆરીથી શરૂ થયેલા આ સંઘર્ષને કારણે હજારો શિપમેન્ટ અટવાયા છે, જેની સીધી અસર ખેતીમાં વપરાતા ખાતરો અને ઇલેક્ટ્રોનિક્સમાં વપરાતી સેમિકન્ડક્ટર ચિપ્સ પર પડી રહી છે.
સલ્ફર મુખ્યત્વે તેલ રિફાઇનિંગની આડપેદાશ છે અને ખાડી દેશો તેની નિકાસમાં 45% હિસ્સો ધરાવે છે. તેની 60% માંગ ખાતર ઉદ્યોગમાં છે, જે સીધી રીતે ખાદ્ય સુરક્ષા સાથે જોડાયેલી છે. જો સલ્ફરનો પુરવઠો લાંબો સમય ખોરવાયેલો રહેશે, તો ખાતરના ભાવમાં તોતિંગ વધારો થશે, જેની અસર પાક ઉત્પાદન પર પડશે અને અંતે રસોડામાં મોંઘવારી વધશે. એટલું જ નહીં, સ્માર્ટફોન, લેપટોપ અને ઇલેક્ટ્રિક કારની બેટરીમાં વપરાતી ચિપ્સના ઉત્પાદનમાં પણ સલ્ફરની અછતને કારણે વિલંબ થઈ શકે છે, જેનાથી ટેકનોલોજીકલ સાધનોના ભાવમાં પણ તીવ્ર ઉછાળો આવવાની ભીતિ છે.
ભારત માટે આ પરિસ્થિતિ બેવડો ફટકો સાબિત થઈ શકે છે. એક તરફ ભારત ખાતર માટે સલ્ફરની આયાત પર નિર્ભર છે, તો બીજી તરફ ચીને પણ મે મહિનાથી સલ્ફ્યુરિક એસિડની નિકાસ પર પ્રતિબંધ મૂકવાની તૈયારી કરી લીધી છે. ભારત સરકારે સ્થિતિને પારખીને ખેડૂતોને રાહત આપવા ખરીફ સિઝનની સબસિડીમાં 12%નો વધારો તો કર્યો છે, પરંતુ જો આ યુદ્ધ લાંબુ ખેંચાય તો સરકારી તિજોરી પર બોજ વધશે અથવા સામાન્ય જનતાએ મોંઘા ભાવ ચૂકવવા પડશે. અત્યારે તો એવું લાગે છે કે હોર્મુઝનું આ સંકટ ભારતની ખેતી અને ડિજિટલ ઈન્ડિયાના સપના બંને માટે એક મોટી કસોટી બનીને આવ્યું છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
