નોઈડા હિંસામાં 'પાકિસ્તાની હેન્ડલર્સ'નો હાથ? શાંતિપૂર્ણ આંદોલનને રમખાણમાં બદલવાનું ખતરનાક કાવતરું!
ત્રણ દિવસથી ચાલતા કામદારોના વિરોધમાં અચાનક 'બહારના તત્વો'ની એન્ટ્રી: વાહનો ફૂંકી માર્યા અને પોલીસ પર હુમલો કર્યો, UP ATSની પૂછપરછમાં પાકિસ્તાની કનેક્શન ખુલતા ખળભળાટ

નોઈડા: દિલ્હીને અડીને આવેલા હાઈટેક સિટી નોઈડામાં જે તાંડવ જોવા મળ્યું, તે માત્ર કામદારોનો ગુસ્સો નહોતો પણ સરહદ પારથી ઘડાયેલું એક મોટું ષડયંત્ર હોવાનું બહાર આવી રહ્યું છે. છેલ્લા ત્રણ દિવસથી પગાર વધારા માટે શાંતિપૂર્ણ રીતે ચાલી રહેલા આંદોલને સોમવારે સવારે અચાનક હિંસક વળાંક લીધો હતો. જ્યારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના હસ્તક્ષેપ બાદ વહીવટી તંત્ર અને ઉદ્યોગપતિઓ વચ્ચે સમજૂતીના દ્વાર ખુલ્યા હતા, ત્યારે જ ભીડમાંથી કેટલાક અજાણ્યા યુવાનોએ પથ્થરમારો શરૂ કર્યો અને વાહનોને આગ ચાંપી દીધી. પોલીસ પણ આ અચાનક થયેલા હુમલાથી સ્તબ્ધ થઈ ગઈ હતી અને પરિસ્થિતિને કાબૂમાં લેવા ટીયર ગેસના સેલ છોડવાની ફરજ પડી હતી.
આ હિંસા પાછળના અસલી સૂત્રધારોની શોધમાં લાગેલી UP ATS (એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ) એ ચાર શંકાસ્પદોની ધરપકડ કરી છે, જેમણે પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા કર્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ શંકાસ્પદો પાકિસ્તાન સ્થિત હેન્ડલર્સના સંપર્કમાં હતા. યોજના એવી હતી કે કામદારોના આંદોલનની આડમાં અરાજકતા ફેલાવવી અને ઔદ્યોગિક વિસ્તારમાં મોટા પાયે રમખાણો ભડકાવવા. પકડાયેલા શખ્સોએ કબૂલ્યું છે કે તેમને સોશિયલ મીડિયા અને ઇન્ક્રિપ્ટેડ એપ્સ દ્વારા સૂચનાઓ મળતી હતી કે કયા સમયે અને કઈ રીતે ભીડને ઉશ્કેરવી. આ ખુલાસાએ સુરક્ષા એજન્સીઓના કાન ઉભા કરી દીધા છે કે કેવી રીતે સ્થાનિક મુદ્દાઓનો ઉપયોગ દેશવિરોધી પ્રવૃત્તિઓ માટે કરવામાં આવી રહ્યો છે.
નોઈડા પોલીસ હવે એવા 'નવા ચહેરાઓ'ની ઓળખ કરી રહી છે જેઓ ફેક્ટરીના કામદારો નહોતા છતાં વિરોધ પ્રદર્શનમાં સૌથી આગળ રહીને તોડફોડ કરી રહ્યા હતા. સીસીટીવી ફૂટેજ અને મોબાઈલ લોકેશનના આધારે તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો છે. વહીવટી તંત્રનું માનવું છે કે જ્યારે સરકાર અને કામદારો વચ્ચે સમાધાનની પ્રક્રિયા અંતિમ તબક્કામાં હતી, ત્યારે જ હિંસા ભડકાવવી એ સ્પષ્ટ કરે છે કે કોઈ શક્તિ નથી ઈચ્છતી કે નોઈડામાં શાંતિ જળવાય. હાલમાં સમગ્ર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને અફવાઓ રોકવા માટે ડિજિટલ મોનિટરિંગ પણ વધારી દેવામાં આવ્યું છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
