રાજકોટમાં તોડફોડની રાજનીતિનો ગરમાવો: કોંગ્રેસના ૨૫થી વધુ ઉમેદવારો ૭ થી ૮ કારના કાફલામાં અજ્ઞાત સ્થળે રવાના
ભાજપ દ્વારા કોંગ્રેસના ઉમેદવારો તોડવાનો પ્રયાસ થયાનો આક્ષેપ: રાજકીય ખળભળાટ

રાજકોટ: ચૂંટણીના માહોલ વચ્ચે રાજકોટના રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો છે. મળતી વિગતો અનુસાર, ભાજપ દ્વારા ઉમેદવારોને તોડવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાના ગંભીર આક્ષેપ સાથે કોંગ્રેસે પોતાના ૨૫થી વધુ ઉમેદવારોને ઝડપભેર અજ્ઞાત સ્થળે ખસેડી દીધા છે.
સ્થાનિક રાજકારણમાં તોડજોડની નીતિથી પોતાના ઉમેદવારોને બચાવવા માટે કોંગ્રેસે હવે કમર કસી છે. પ્રાપ્ત માહિતી મુજબ, ઉમેદવારી ફોર્મ પાછા ખેંચવાની પ્રક્રિયા શરૂ છે ત્યારે સત્તાધારી પક્ષ દ્વારા કોંગ્રેસના ઉમેદવારો પર દબાણ લાવવામાં આવી રહ્યું હોવાની ભીતિ પક્ષને સતાવી રહી હતી.
આ ડરના પગલે કોંગ્રેસના અગ્રણીઓએ એક ગુપ્ત ઓપરેશન હાથ ધરીને ૭ થી ૮ કારના મોટા કાફલા સાથે ૨૫ કરતાં વધુ ઉમેદવારોને રાજકોટથી બહાર કોઈ સુરક્ષિત અને અજ્ઞાત સ્થળે રવાના કરી દીધા છે.
કોંગ્રેસના આંતરિક સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે, આગામી બુધવારે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની અંતિમ મુદ્દત પૂર્ણ થવાની છે. ત્યાં સુધી આ તમામ ઉમેદવારોને પક્ષના સિનિયર નેતાઓની કડક દેખરેખ હેઠળ સુરક્ષિત રાખવામાં આવશે. બુધવારે ફોર્મ પાછા ખેંચવાનો સમય પૂરો થયા બાદ જ આ તમામ ઉમેદવારોને ફરીથી રાજકોટ પરત લાવવામાં આવશે.
હાલમાં સોશિયલ મીડિયા પર આ ઘટનાના સમાચાર અને કારના કાફલા રવાના થવાની ચર્ચાઓ ભારે વાયરલ થઈ રહી છે. એક તરફ ભાજપ સામે ઉમેદવારો ખરીદવાના આક્ષેપ લાગી રહ્યા છે, તો બીજી તરફ કોંગ્રેસે પોતાના ઉમેદવારોને સાચવી રાખવા માટે એડીચોટીનું જોર લગાવ્યું છે. ઉમેદવારોને રિસોર્ટ કે અજ્ઞાત સ્થળે લઈ જવાની આ ઘટનાએ રાજકોટમાં ભારે રાજકીય ચર્ચા જગાવી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
