<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th April 2026

કર્ણાટક કોંગ્રેસમાં બળવાના સૂર? ૪૦ ધારાસભ્યોએ દિલ્હી દરબાર ગજવ્યો: કેબિનેટમાં મોટા ફેરબદલના એંધાણ!

સત્તાની સાઠમારીમાં સિદ્ધારમૈયા સરકારની ઊંઘ ઉડી: 'જુના જાય અને નવા આવે'ની માંગ સાથે ધારાસભ્યોનું હાઈકમાન્ડ પર દબાણ : ૪ મેના ચૂંટણી પરિણામો બાદ મંત્રીમંડળમાંથી અનેક દિગ્ગજોની રજા નક્કી?

નવી દિલ્હી: કર્ણાટક રાજકારણમાં અત્યારે ગરમાવો ચરમસીમાએ છે. કોંગ્રેસ શાસિત આ રાજ્યમાં મંત્રી પદ મેળવવા માટે ધારાસભ્યોએ મોરચો ખોલ્યો છે. લગભગ ૪૦ જેટલા વરિષ્ઠ ધારાસભ્યો, જેઓ ત્રણથી વધુ વખત જીતી ચૂક્યા છે, તેમણે દિલ્હીમાં ધામા નાખ્યા છે. આ ધારાસભ્યોની દલીલ છે કે વર્તમાન મંત્રીઓ છેલ્લા ત્રણ વર્ષથી ખુરશી પર બેઠા છે, હવે સમય પાકી ગયો છે કે તેઓ પદ છોડે અને અન્ય વરિષ્ઠ નેતાઓને તક મળે. આ લડાઈ માત્ર વરિષ્ઠો પૂરતી સીમિત નથી, પરંતુ ૩૮ જેટલા નવા ચૂંટાયેલા ધારાસભ્યોએ પણ હાઈકમાન્ડને પત્ર લખીને મંત્રીમંડળમાં ઓછામાં ઓછી પાંચ જગ્યાઓ નવા ચહેરાઓ માટે ફાળવવાની માંગ કરી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, કોંગ્રેસ હાઈકમાન્ડ આ મામલે ગંભીરતાથી વિચાર કરી રહ્યું છે. ખાસ કરીને પશ્ચિમ બંગાળ અને અન્ય રાજ્યોના ચૂંટણી પરિણામો ૪ મેના રોજ જાહેર થયા બાદ કર્ણાટક કેબિનેટમાં સર્જરી થવાની પૂરેપૂરી શક્યતા છે. હાલમાં કર્ણાટક સરકારમાં ૩૪ મંત્રીઓ છે, જેમાંથી ઘણા વિરુદ્ધ સત્તા વિરોધી લહેર જોવા મળી રહી છે. સરકારની છબી સુધારવા અને નારાજ ધારાસભ્યોને શાંત કરવા માટે ચોમાસુ સત્ર પહેલા ઘણા 'ભારેખમ' મંત્રીઓની રજા થઈ શકે છે. રસપ્રદ વાત એ છે કે, આ ધારાસભ્યો મુખ્યમંત્રી બદલવાની માંગ નથી કરી રહ્યા, પરંતુ માત્ર સત્તામાં ભાગીદારી ઈચ્છી રહ્યા છે.

દિલ્હીના રાજકીય ગલિયારાઓમાં ચર્ચાઈ રહ્યું છે કે જો હાઈકમાન્ડ આ ધારાસભ્યોની માંગણી સંતોષવામાં નિષ્ફળ રહેશે, તો રાજ્ય સરકારની સ્થિરતા જોખમમાં આવી શકે છે. ધારાસભ્યોનો તર્ક છે કે મંત્રીમંડળમાં નવા લોહીને સ્થાન આપવાથી વહીવટમાં નવી ઉર્જા આવશે. જોકે, વર્તમાન મંત્રીઓ આ ફેરબદલનો વિરોધ કરી રહ્યા છે, જેના કારણે પાર્ટી બે જૂથોમાં વહેંચાયેલી દેખાય છે. હવે જોવાનું એ રહેશે કે મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધી આ આંતરિક ઝઘડાને કેવી રીતે થાળે પાડે છે અને કોને મંત્રી પદનો લોટરી લાગે છે.

(7:37 PM IST)