હંગેરીમાં સરમુખત્યારશાહીનો અંત: ૧૬ વર્ષ બાદ વિક્ટર ઓર્બનની શરમજનક હાર, અમેરિકી ડેમોક્રેટ્સે કહ્યું- 'હવે ટ્રમ્પનો વારો'
પીટર મેગ્યારના વિજયથી યુરોપમાં લોકશાહીનો નવો સૂર્યોદય: એલોન મસ્ક પરિણામથી નારાજ, તો બરાક ઓબામાએ હંગેરીની જનતાના જુસ્સાને બિરદાવ્યો

બુડાપેસ્ટ : યુરોપના દેશ હંગેરીમાં રવિવારે એક મોટો રાજકીય ઉલટફેર જોવા મળ્યો છે. છેલ્લા ૧૬ વર્ષથી સત્તા પર કાબિજ અને ડોનાલ્ડ ટ્રમ્પના ખાસ મિત્ર ગણાતા વડાપ્રધાન વિક્ટર ઓર્બને ચૂંટણીમાં હાર સ્વીકારી લીધી છે. હંગેરીના નાગરિકોએ પીટર મેગ્યારના નેતૃત્વ હેઠળના 'યુરોપિયન યુનિયન તરફી' માર્ગને પસંદ કરીને પરિવર્તનનો પવન ફૂંક્યો છે. આ હારના પડઘા છેક અમેરિકા સુધી પડ્યા છે, જ્યાં ડેમોક્રેટિક પક્ષના નેતાઓએ આ વિજયની ઉજવણી શરૂ કરી દીધી છે.
અમેરિકી નેતાઓની ટ્રમ્પને ચેતવણી
હંગેરીમાં ઓર્બનની હાર બાદ યુએસ સેનેટના નેતા ચક શૂમરે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર નિશાન સાધતા કહ્યું કે, "ધ્યાન આપો ટ્રમ્પ, જનતા હવે સરમુખત્યારોને સહન કરવા તૈયાર નથી. નવેમ્બર ૨૦૨૬ હવે દૂર નથી." બીજી તરફ, હકીમ જેફ્રીસે આ વિજયને 'MAGA' ઉગ્રવાદીઓ માટે એક ચેતવણી ગણાવી છે. પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ પણ સોશિયલ મીડિયા પર હંગેરિયન લોકોની સ્થિતિસ્થાપકતાના વખાણ કરતા આને લોકશાહીનો વિજય ગણાવ્યો હતો.
એલોન મસ્ક અને ટ્રમ્પના સાથીઓ સ્તબ્ધ
જ્યાં એકતરફ લોકશાહીના વિજયની વાતો થઈ રહી છે, ત્યાં બીજી તરફ ઓર્બનના સમર્થકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ એલોન મસ્કે આ પરિણામ પર શોક વ્યક્ત કરતા આક્ષેપ કર્યો હતો કે, "સોરોસ ઓર્ગેનાઇઝેશને હંગેરી પર કબજો જમાવી લીધો છે." ઉલ્લેખનીય છે કે, ચૂંટણીના ગણતરીના કલાકો પહેલા ડોનાલ્ડ ટ્રમ્પે ઓર્બનને આર્થિક સહાયનું વચન આપીને ટેકો જાહેર કર્યો હતો, પરંતુ જનતાએ ટ્રમ્પના સમર્થન કરતા પરિવર્તનને વધુ મહત્વ આપ્યું.
પુતિનના પ્રભાવને નકાર્યો
યુએસ સેનેટ આર્મ્ડ સર્વિસીસ કમિટીના અધ્યક્ષે જણાવ્યું હતું કે, આ પરિણામો દર્શાવે છે કે હંગેરીની પ્રજાએ વ્લાદિમીર પુતિનના 'દુષ્ટ પ્રભાવ'ને ફગાવી દીધો છે. ૨૦૨૩માં પોલેન્ડમાં જે રીતે પરિવર્તન આવ્યું હતું, તેવી જ રીતે હંગેરીએ પણ સાબિત કર્યું છે કે કાયદાનું શાસન અને સમાનતા કોઈપણ સરમુખત્યાર કરતા વધુ શક્તિશાળી છે.
હંગેરીની આ ચૂંટણીએ સાબિત કરી દીધું છે કે વૈશ્વિક સ્તરે હવે રાષ્ટ્રવાદી અને કડક શાસકો સામે જનતાનો રોષ વધી રહ્યો છે, જેની સીધી અસર આગામી અમેરિકી ચૂંટણીઓ પર પણ પડી શકે છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
