હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મોંઘવારીનો ડંખ: માર્ચમાં છૂટક ફુગાવો વધીને 3.40% થયો, ખાણી-પીણીની ચીજવસ્તુઓના ભાવ વધતા સામાન્ય જનતાના બજેટ પર અસર
પશ્ચિમ એશિયાની કટોકટી વચ્ચે ખાદ્ય ફુગાવો પણ 3.87% એ પહોંચ્યો: ગ્રામીણ વિસ્તારોમાં શહેરો કરતા વધુ મોંઘવારી, સોના-ચાંદીના ભાવમાં ઉછાળાએ ફુગાવાને આપી ગતિ

નવી દિલ્હી : દેશમાં મોંઘવારી ફરી એકવાર માથું ઊંચકી રહી હોય તેવું લાગી રહ્યું છે. આંકડા મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા તાજેતરના ડેટા અનુસાર, માર્ચ 2026 માં ભારતનો છૂટક ફુગાવો વધીને 3.40% નોંધાયો છે, જે ફેબ્રુઆરીમાં 3.21% હતો. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ અને વૈશ્વિક અનિશ્ચિતતાઓ વચ્ચે આ આંકડા ભારત સરકાર અને રિઝર્વ બેંક માટે ચિંતાનો વિષય બની શકે છે.
ખાદ્ય ચીજવસ્તુઓ થઈ મોંઘી
સામાન્ય માણસના રસોડા પર સૌથી વધુ અસર ખાદ્ય ફુગાવાને કારણે પડી છે. કન્ઝ્યુમર ફૂડ પ્રાઇસ ઇન્ડેક્સ (CFPI) મુજબ, ખાદ્ય ફુગાવો ફેબ્રુઆરીના 3.47% થી વધીને માર્ચમાં 3.87% થયો છે. ખાસ કરીને ટામેટા અને ફૂલકોબી જેવી શાકભાજી તેમજ નારિયેળના ભાવમાં મોટો વધારો જોવા મળ્યો છે. જોકે, રાહતની વાત એ છે કે ડુંગળી, બટાકા અને લસણ જેવી પાયાની વસ્તુઓમાં હજુ પણ ભાવમાં ઘટાડો (ડિફ્લેશન) જોવા મળી રહ્યો છે.
ગામડાઓમાં મોંઘવારીનો વધુ માર
તાજેતરના આંકડા મુજબ, શહેરોની સરખામણીએ ગ્રામીણ વિસ્તારોમાં મોંઘવારી વધુ છે. માર્ચમાં ગ્રામીણ ફુગાવો 3.63% રહ્યો હતો, જે ફેબ્રુઆરીમાં 3.37% હતો. તેની સામે શહેરી વિસ્તારોમાં ફુગાવાનો દર 3.11% નોંધાયો છે. ગ્રામીણ વિસ્તારોમાં ખાદ્ય ચીજવસ્તુઓના ભાવ વધારાની અસર વધુ તીવ્ર જોવા મળી છે.
ઝવેરાત અને અન્ય વસ્તુઓની સ્થિતિ
આ વખતે ફુગાવામાં વધારો થવાનું એક મુખ્ય કારણ સોના-ચાંદી અને કિંમતી દાગીનાના ભાવમાં થયેલો તોતિંગ વધારો પણ છે. બીજી તરફ, પરિવહન ક્ષેત્રે ફુગાવો લગભગ શૂન્ય ટકા પર સ્થિર રહ્યો છે, જે વાહનવ્યવહારના ખર્ચમાં સ્થિરતા દર્શાવે છે. કપડાં અને ફૂટવેર ક્ષેત્રે પણ 2.75% જેવો મધ્યમ ભાવ વધારો જોવા મળ્યો છે.
નિષ્ણાતો માને છે કે જો પશ્ચિમ એશિયામાં તણાવ લાંબો સમય ચાલશે, તો આવનારા મહિનાઓમાં ઈંધણ અને અન્ય આયાતી ચીજવસ્તુઓના ભાવ વધવાથી ફુગાવો હજુ પણ ઉપર જઈ શકે છે. હાલમાં, આંકડા મંત્રાલય આ સ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
