<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th April 2026

બંગાળના રાજકીય રણમેદાનમાં શ્રદ્ધા અને શક્તિનું મિલન: શુભેન્દુ અધિકારીએ સીએમ યોગીના ચરણ સ્પર્શી લીધા આશીર્વાદ

ભૂતાકાળના જૂતા ઉતારી, ભગવી પાઘડી ધારણ કરી શુભેન્દુએ યોગી આદિત્યનાથનું કર્યું શાહી સ્વાગત : મેદનીપુરમાં જનમેદનીના ગુંજારવ વચ્ચે ભાજપના 'ફાયરબ્રાન્ડ' નેતાએ તુષ્ટિકરણના રાજકારણ સામે બૂંગિયો ફૂંક્યો

 મેદનીપુર: પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં રસાકસી જામી છે ત્યારે મેદનીપુરની ધરતી પર એક એવું દ્રશ્ય જોવા મળ્યું જેણે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે. ભાજપના દિગ્ગજ નેતા શુભેન્દુ અધિકારીએ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી અને ભાજપના સ્ટાર પ્રચારક યોગી આદિત્યનાથ પ્રત્યે અપાર આદર વ્યક્ત કર્યો હતો. શુભેન્દુએ મંચ પર જતા પહેલા પોતાના જૂતા ઉતાર્યા, ભગવા રંગની પાઘડી ધારણ કરી અને અત્યંત નમ્રતાપૂર્વક યોગી આદિત્યનાથના ચરણ સ્પર્શ કરી આશીર્વાદ લીધા હતા. આ દ્રશ્ય જોઈને રેલીમાં હાજર હજારોની મેદનીએ હર્ષનાદ સાથે તાળીઓના ગડગડાટથી આખા મેદાનને ગજવી મૂક્યું હતું, જે બંગાળમાં ભાજપના વધતા પ્રભાવ અને આક્રમક રણનીતિનો સંકેત આપે છે.

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ શુભેન્દુને આત્મીયતાથી ઉભા કરી તેમનો હાથ પકડી જનતાનું અભિવાદન કર્યું હતું. આ ભાવુક અને પ્રભાવશાળી ક્ષણ બાદ યોગીએ મંચ પરથી વિપક્ષી પાર્ટી TMC પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે સ્પષ્ટ શબ્દોમાં ગર્જના કરતા કહ્યું કે બંગાળમાં માત્ર બંગાળી જ બોલાશે, ઉર્દૂ નહીં. તેમણે બંગાળની સંસ્કૃતિને બચાવવાની હાકલ કરતા જણાવ્યું કે રાજ્યમાં કોઈપણ પ્રકારનો કટ્ટરવાદ સાંખી લેવામાં આવશે નહીં. યોગીના આ આક્રમક તેવરે કાર્યકરોમાં નવો જોશ ભરી દીધો છે અને બંગાળની ચૂંટણીમાં હિન્દુત્વના મુદ્દાને ફરી એકવાર કેન્દ્રસ્થાને લાવી દીધો છે.

રેલીને સંબોધતા યોગીએ ગંભીર આરોપ લગાવ્યો કે મમતા બેનર્જીની સરકાર રાજ્યની વસ્તીવિષયક સ્થિતિ બદલવાનું વ્યવસ્થિત કાવતરું કરી રહી છે. માલદા, મુર્શિદાબાદ અને હાવડા જેવા જિલ્લાઓનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે ત્યાં હિન્દુ અસ્તિત્વ સામે ખતરો ઉભો કરવામાં આવી રહ્યો છે. યોગીએ 'TMC' શબ્દની નવી વ્યાખ્યા આપતા તેને તુષ્ટિકરણ, માફિયા શાસન અને મની કટિંગ (પૈસાની ઉચાપત) સાથે સરખાવી હતી. આગામી દિવસોમાં યોગી આદિત્યનાથ બંગાળમાં ૨૦ થી વધુ રેલીઓ ગજવનાર છે, જે જોતા લાગે છે કે આ વખતે બંગાળનો જંગ આરપારનો બની રહેશે.

(11:11 PM IST)