<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th April 2026

પશ્ચિમ બંગાળ કોલસા કૌભાંડમાં ઈડીની મોટી કાર્યવાહી : આઈ-પેક (I-PAC) ના ડાયરેક્ટર વિનેશ ચંદેલની દિલ્હીથી ધરપકડ

રાજકીય સલાહકાર કંપની આઈ-પેક પર મની લોન્ડરિંગનો ગંભીર આરોપ : કોલસા ચોરીના ૨૦ કરોડ રૂપિયા હવાલા મારફતે કંપનીમાં પહોંચ્યા હોવાનો તપાસ એજન્સીનો દાવો

નવી દિલ્હી:એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા સોમવાર, ૧૩ એપ્રિલના રોજ રાજકીય કન્સલ્ટન્સી ફર્મ આઈ-પેક (I-PAC) ના સહ-સ્થાપક અને ડાયરેક્ટર વિનેશ ચંદેલની ધરપકડ કરવામાં આવી છે. પશ્ચિમ બંગાળમાં થયેલા બહુચર્ચિત કોલસા કૌભાંડ અને તેની સાથે જોડાયેલા મની લોન્ડરિંગના કેસમાં તપાસ એજન્સીએ આ કાર્યવાહી કરી છે. વિનેશ ચંદેલને પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) ની જોગવાઈઓ હેઠળ દિલ્હીથી કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. મહત્વનું છે કે, આઈ-પેક સંસ્થા વર્ષ ૨૦૨૧થી તૃણમૂલ કોંગ્રેસ (TMC) અને પશ્ચિમ બંગાળ સરકારને રાજકીય સલાહ આપી રહી છે.

 

અગાઉ પાડવામાં આવ્યા હતા દરોડા:

આ ધરપકડ પહેલા ૨ એપ્રિલના રોજ ઈડીએ વિનેશ ચંદેલના દિલ્હી સ્થિત નિવાસસ્થાને, આઈ-પેકના સહ-સ્થાપક ઋષિ રાજ સિંહના બેંગલુરુ સ્થિત પરિસર અને આમ આદમી પાર્ટીના ભૂતપૂર્વ કોમ્યુનિકેશન ઇન-ચાર્જ વિજય નાયરના મુંબઈ સ્થિત ઠેકાણાઓ પર સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ ઉપરાંત, ૮ જાન્યુઆરીએ કોલકાતામાં આઈ-પેકની ઓફિસ અને તેના ડાયરેક્ટર પ્રતિક જૈનના નિવાસસ્થાને પણ દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરમિયાન પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ તે સ્થળે પહોંચતા મોટો વિવાદ સર્જાયો હતો.

 

શું છે સમગ્ર કોલસા કૌભાંડ?

આ કેસની શરૂઆત નવેમ્બર ૨૦૨૦માં સીબીઆઈ (CBI) દ્વારા દાખલ કરવામાં આવેલી એફઆઈઆરથી થઈ હતી. જેમાં પશ્ચિમ બંગાળના આસનસોલ નજીક આવેલા ઇસ્ટર્ન કોલફિલ્ડ્સ લિમિટેડની ખાણોમાંથી કરોડો રૂપિયાના કોલસાની ચોરીનો આરોપ મૂકવામાં આવ્યો હતો. ઈડીના જણાવ્યા અનુસાર, કોલસાની હેરાફેરી સાથે જોડાયેલા હવાલા ઓપરેટરોએ કરોડો રૂપિયાના વ્યવહારો આઈ-પેકની નોંધાયેલ કંપની 'ઇન્ડિયન પીએસી કન્સલ્ટિંગ પ્રાઇવેટ લિમિટેડ' સાથે કર્યા હતા. એજન્સીએ દાવો કર્યો છે કે કોલસા કૌભાંડમાંથી ઉભા થયેલા અંદાજે ૨૦ કરોડ રૂપિયા આઈ-પેક સુધી પહોંચાડવામાં આવ્યા હતા. આ નાણાં મુંબઈ સ્થિત એક 'આંગડિયા' પેઢી દ્વારા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા, જે અગાઉ આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા દિલ્હી લિકર કેસમાં પણ તપાસ હેઠળ આવી હતી.

 

રાજકીય ગરમાવો:

તૃણમૂલ કોંગ્રેસે ઈડીની આ કાર્યવાહીને ભાજપની "નિરાશાજનક ચાલ" ગણાવી છે. પશ્ચિમ બંગાળમાં ૨૩ એપ્રિલ અને ૨૯ એપ્રિલના રોજ બે તબક્કામાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે, ત્યારે ચૂંટણી પ્રચારમાં ખલેલ પહોંચાડવા માટે આ પગલું લેવામાં આવ્યું હોવાનો આરોપ ટીએમસી દ્વારા લગાવવામાં આવ્યો છે.

(11:39 PM IST)