<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th April 2026

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના જીસસ તરીકેના ફોટાએ વિશ્વભરમાં વિવાદ સર્જ્યો : ભારે વિરોધ બાદ પોસ્ટ ડિલીટ કરીને અમેરિકી રાષ્ટ્રપતિએ આપી વિચિત્ર સ્પષ્ટતા : જુઓ વિડીયો

મેં પોતાને ડૉક્ટર અને રેડ ક્રોસ વર્કર તરીકે જોયા હતા, જીસસ તરીકે નહીં : ફેક ન્યૂઝ મીડિયાએ વાતનું વતંગ કર્યું હોવાનો અને પોતે લોકોને સાજા કરતા હોવાનો ટ્રમ્પનો દાવો

વોશિંગ્ટન: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'ટ્રુથ સોશિયલ' પરથી જીસસ ક્રાઈસ્ટ તરીકેનો પોતાનો વિવાદાસ્પદ ફોટો ડિલીટ કર્યા બાદ પ્રથમ નિવેદન જારી કર્યું છે. આ ફોટોને કારણે તેમને ભારે ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો, જેના જવાબમાં ટ્રમ્પે દાવો કર્યો છે કે તેમણે પોતાને ઈસુ ખ્રસ્ત તરીકે નહીં પરંતુ એક ડૉક્ટર તરીકે દર્શાવ્યા હતા.

ટ્રમ્પની સ્પષ્ટતા અને વિચિત્ર તર્ક:
પોતાના નિવેદનમાં ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે, "મેં તે ફોટો પોસ્ટ કર્યો હતો કારણ કે મને લાગ્યું કે તે હું એક ડૉક્ટર તરીકે છું. તેનો સંબંધ રેડ ક્રોસ સાથે હતો અને હું ત્યાં એક રેડ ક્રોસ વર્કર તરીકે હતો જેમને અમે સમર્થન આપીએ છીએ. આ માત્ર ફેક ન્યૂઝ મીડિયાની ઉપજ છે. મેં જ્યારે આ વિશે સાંભળ્યું ત્યારે મને આશ્ચર્ય થયું કે તેઓ આવું કેવી રીતે વિચારી શકે?" તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, "તેમાં હું એક ડૉક્ટર તરીકે લોકોને સાજા કરતો દેખાઈ રહ્યો છું. હું લોકોને સાજા કરું છું, હું લોકોને ઘણા સારા બનાવું છું."

સોશિયલ મીડિયા પર આકરી પ્રતિક્રિયા:
ટ્રમ્પના આ નિવેદન બાદ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર નેટિઝન્સે તેમની આકરી ઝાટકણી કાઢી છે. લોકોએ આ નિવેદનને મજાક ગણાવ્યું છે. એક યુઝરે ટિપ્પણી કરી હતી કે, "તેઓ ઈસુને ન ઓળખી શક્યા પણ પોતાની જાતને તરત જ ઓળખી ગયા, આ જ આખી વાર્તા છે." અન્ય એક યુઝરે લખ્યું કે, "જ્યારે સમર્થકો તમને તારણહાર માનવા લાગે ત્યારે તમે પણ તેવું માનવા લાગો છો."

વિવાદની શરૂઆત અને પોપ સાથેનો સંઘર્ષ:
સમગ્ર વિવાદની શરૂઆત 12 એપ્રિલના રોજ થઈ હતી જ્યારે ટ્રમ્પે પોપ લિયો XIV પર આકરા પ્રહાર કર્યા હતા. ટ્રમ્પે પોપને વિદેશ નીતિ અને ગુનાખોરી બાબતે 'નબળા' ગણાવ્યા હતા. ત્યારબાદ તેમણે એક AI જનરેટેડ ઈમેજ પોસ્ટ કરી હતી જેમાં ટ્રમ્પ લાંબા વસ્ત્રોમાં એક બીમાર વ્યક્તિ પર હાથ રાખતા જોવા મળતા હતા. આ દ્રશ્ય બાઈબલમાં વર્ણવેલ ઈસુના ચમત્કાર (લાઝરસને જીવતો કરવો) જેવું લાગતું હતું. ફોટામાં અમેરિકન ધ્વજ, સૈન્ય વિમાન અને પૃષ્ઠભૂમિમાં દેવદૂતો જેવી આકૃતિઓ પણ હતી.

ટ્રમ્પે એવો દાવો પણ કર્યો હતો કે જો તેઓ રાષ્ટ્રપતિ ન બન્યા હોત તો પોપ ફ્રાન્સિસના અવસાન બાદ પોપ લિયો ક્યારેય પોન્ટિફ તરીકે નિયુક્ત થયા ન હોત. ઉલ્લેખનીય છે કે, પોપ લિયોએ તાજેતરમાં ઈરાન સહિતના વૈશ્વિક સંઘર્ષો અંગે વોશિંગ્ટનના અભિગમની ટીકા કરી હતી અને શાંતિની અપીલ કરી હતી, જેના કારણે બંને નેતાઓ વચ્ચેના સંબંધોમાં તણાવ વધ્યો છે.

(11:46 PM IST)