<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th April 2026

પ્રેમમાં પાગલ પત્નીનું લોહીલુહાણ કાવતરું : ભત્રીજા સાથેના અફેર આડે સાસુ આવતા 'રોટલી' માં ઝેર ભળ્યું!

ઇરાકથી પરત ફરેલા ભત્રીજાના પ્રેમમાં આંધળી બનેલી ચાચીનો ખૌફનાક ખેલ :પતિને પણ પતાવી દેવાનો હતો પ્લાન : એક ભૂલને કારણે ફૂટ્યો ભાંડો અને કાકી પહોંચી જેલના સળિયા પાછળ

 લખનૌ : લખનૌના કાકોરી વિસ્તારમાં બનેલી આ ઘટના કોઈ ફિલ્મી સ્ક્રિપ્ટ જેવી લાગે છે, પરંતુ તેની પાછળનું સત્ય અત્યંત બિહામણું છે. ૬૫ વર્ષીય શાંતિ દેવીની હત્યાના કેસમાં જ્યારે ૨૬ વર્ષીય પુત્રવધૂ શાલિનીની ધરપકડ થઈ ત્યારે ચોંકાવનારા ખુલાસા થયા. શાલિનીને તેના જ સગા ભત્રીજા કરણ સાથે આડ સંબંધો હતા, જે તાજેતરમાં જ ઇરાકથી પરત આવ્યો હતો. સાસુ આ સંબંધમાં અડચણરૂપ બનતા, શાલિનીએ પહેલા ચામાં જંતુનાશક ભેળવીને હત્યાનો નિષ્ફળ પ્રયાસ કર્યો અને ત્યારબાદ ૫ એપ્રિલે લોટમાં ઝેર ભેળવીને કડવી 'મૌતની રોટલી' બનાવી સાસુને પીરસી દીધી.

આ ઘૃણાસ્પદ કૃત્યમાં ભત્રીજા કરણની ભૂમિકા અત્યંત શંકાસ્પદ છે. શાલિનીની કબૂલાત મુજબ, કરણે તેને ઉશ્કેરી હતી કે 'પહેલા દાદીને મારો, પછી દાદા અને કાકાને... પછી આપણે સાથે રહીશું'. સાસુએ માત્ર દોઢ રોટલી ખાધી અને તેમની તબિયત લથડી હતી, ૨૪ કલાકમાં જ તેમનું મોત નીપજ્યું. જોકે, શાલિનીની વાતોમાં આવતા વિરોધાભાસ અને કચરાના ઢગલામાંથી મળી આવેલા રોટલીના ટુકડાએ પતિ મનોજના મનમાં શંકાના બીજ રોપ્યા. જ્યારે મનોજે કબર ખોદાવી પોસ્ટમોર્ટમ કરાવવાની ધમકી આપી, ત્યારે શાલિની ભાંગી પડી અને આખા કાવતરાની કબૂલાત કરી લીધી.

મનોજ અને શાલિનીના લગ્નને ચાર વર્ષ થયા હતા અને તેમને એક નાનો પુત્ર પણ છે, છતાં શાલિનીએ પ્રેમીના કહેવા પર આખા પરિવારને ખતમ કરવાનું જોખમ ઉઠાવ્યું. હાલમાં પોલીસ કસ્ટડીમાં રહેલી શાલિની સામે હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે, જ્યારે હત્યાની સોપારી આપનારો અને મુખ્ય સૂત્રધાર ગણાતો ભત્રીજો કરણ હાલ ફરાર છે. પોલીસે શાંતિ દેવીના મૃતદેહને બહાર કાઢી વિસેરા તપાસ માટે મોકલ્યો છે. આ કિસ્સાએ લખનૌના ગ્રામીણ વિસ્તારોમાં ભારે અરેરાટી ફેલાવી દીધી છે અને લોહીના સંબંધો પર સવાલો ઉભા કર્યા છે.

(11:12 PM IST)