<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th April 2026

સ્ટ્રેટ ઓફ હોર્મુઝ: વિશ્વના ગળા પર લટકતી ઈરાનની 'તલવાર', જેનો એક ઝટકો આખી દુનિયામાં અંધારું કરી શકે!

૨૦૨૬ના મહાયુદ્ધમાં ઈરાને પત્તા ફેંક્યા: હોર્મુઝના જળમાર્ગને હથિયાર બનાવી વૈશ્વિક તેલ પુરવઠો રોક્યો : પેટ્રોલ-ડીઝલના ભાવોમાં ઐતિહાસિક ભડકો થતા અમેરિકા સહિતના શક્તિશાળી દેશોના શ્વાસ અધ્ધર

નવી દિલ્હી: વર્ષ ૨૦૨૬ની ૨૮મી ફેબ્રુઆરીનો દિવસ ઇતિહાસમાં એક ભયાનક વળાંક તરીકે નોંધાઈ ગયો છે. અમેરિકા અને ઈઝરાયેલના સંયુક્ત હુમલા સામે ઈરાને પરંપરાગત શસ્ત્રોની સાથે સાથે પોતાના સૌથી શક્તિશાળી ભૌગોલિક હથિયાર 'હોર્મુઝની સામુદ્રધુની' (Strait of Hormuz) નો ઉપયોગ કર્યો છે. પર્સિયન ગલ્ફ અને ઓમાનના અખાતને જોડતો આ માત્ર ૩૩ કિલોમીટર પહોળો જળમાર્ગ આજે વિશ્વની આર્થિક કટોકટીનું કેન્દ્ર બન્યો છે. ઈરાને આ માર્ગને સંપૂર્ણપણે અવરોધિત કરી દેતા વિશ્વના ૨૦% તેલ પુરવઠા પર બ્રેક લાગી ગઈ છે, જેના કારણે વૈશ્વિક બજારમાં તેલના ભાવ આસમાને પહોંચ્યા છે અને પશ્ચિમી દેશોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે.

ભૌગોલિક રીતે અત્યંત સાંકડી ગણાતી આ સામુદ્રધુનીનું મહત્વ એટલું છે કે દરરોજ સેંકડો વિશાળ તેલ ટેન્કરો અહીંથી પસાર થાય છે. ઈરાન આ ક્ષેત્રના આઠમાંથી સાત મુખ્ય ટાપુઓ પર નિયંત્રણ ધરાવે છે, જે તેને કોઈપણ સમયે શિપિંગ લાઇનને બંધ કરવાની તાકાત આપે છે. યુદ્ધની જ્વાળાઓ વચ્ચે ઈરાને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે જો તેના પર હુમલા થશે, તો તે વિશ્વની 'એનર્જી લાઈફલાઈન' કાપી નાખશે. આ બ્લોકેજને કારણે ભારત સહિતના એશિયન દેશો અને યુરોપમાં ઉર્જા પુરવઠાની સાંકળ તૂટી ગઈ છે, જે વિકસિત દેશોની અર્થવ્યવસ્થાને પાટા પરથી ઉતારી શકે તેવી ગંભીર સ્થિતિ છે.

આ સંકટે દુનિયાને ફરી એકવાર વિચારવા મજબૂર કરી દીધી છે કે માત્ર એક સાંકડા જળમાર્ગ પર આખી દુનિયાની નિર્ભરતા કેટલી જોખમી હોઈ શકે. અમેરિકા અને ઈઝરાયેલના ડ્રોન હુમલા સામે તેહરાને આ આર્થિક હથિયાર ઉગામીને સાબિત કર્યું છે કે આધુનિક યુદ્ધ માત્ર મિસાઈલોથી નથી લડાતું, પણ સમુદ્રી માર્ગોના કબજાથી પણ જીતી શકાય છે. અત્યારે સમગ્ર વિશ્વની નજર આ યુદ્ધના શાંત થવા પર છે, કારણ કે જો આ જળમાર્ગ વધુ સમય સુધી બંધ રહ્યો, તો વિશ્વના ઘણા દેશોમાં મોંઘવારી અને આર્થિક મંદીનો એવો પૂર આવશે જેને રોકવો અશક્ય હશે.

(11:12 PM IST)