આતંકવાદનો અંત ન આવે ત્યાં સુધી પાકિસ્તાનને પાણી મળશે નહીં
વિદેશ મંત્રાલયે પાકિસ્તાનની નાપાક હરકતો અને સ્વિસ રાજદૂતની કાશ્મીર મુલાકાત પર ઉઠાવેલા વાંધાને કડક શબ્દોમાં ફગાવીને આપી ખુલ્લી ચેતવણી

નવી દિલ્હી: ભારત સરકારે પાકિસ્તાનને સ્પષ્ટ આર્થિક અને રાજદ્વારી આંચકો આપતા જાહેરાત કરી છે કે જ્યાં સુધી પાકિસ્તાન પોતાની ધરતી પરથી આતંકવાદનો અંત નહીં લાવે, ત્યાં સુધી ઐતિહાસિક 'સિંધુ જળ સંધિ' સંપૂર્ણપણે સ્થગિત રહેશે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે સાપ્તાહિક પ્રેસ બ્રીફિંગમાં પાકિસ્તાનના જળ કરાર અંગેના તાજેતરના નિવેદનોને સખત શબ્દોમાં નકારી કાઢ્યા હતા. આ સાથે જ, સ્વિસ રાજદૂતની જમ્મુ-કાશ્મીર મુલાકાત સામે પાકિસ્તાને લીધેલા વાંધાને વાહિયાત ગણાવતા ભારતે પુનરોચ્ચાર કર્યો હતો કે કાશ્મીર ભારતનો અવિભાજ્ય ભાગ છે અને દેશમાં કોઈપણ વિદેશી રાજદ્વારીને મુસાફરી કરવાની સંપૂર્ણ સ્વતંત્રતા છે.
સરહદી તણાવ વચ્ચે ભારતે વૈશ્વિક સ્તરે આર્થિક મોરચે પોતાની પકડ મજબૂત કરવાનું શરૂ કર્યું છે, જેના ભાગરૂપે ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સ (US) વચ્ચે વચગાળાના વેપાર કરાર અંગે સકારાત્મક ચર્ચાઓ ખૂબ જ ઝડપી બની છે. બીજી તરફ, પાડોશી દેશો સાથેના સંબંધોને નવી ઊંચાઈએ લઈ જવા માટે નેપાળના વિદેશ મંત્રી ટૂંક સમયમાં જ ભારતની સત્તાવાર મુલાકાતે આવી રહ્યા છે, જ્યાં દ્વિપક્ષીય હિતો અને વ્યૂહાત્મક ભાગીદારી પર વિસ્તૃત મંથન થશે. આ ઉપરાંત, બાંગ્લાદેશથી થતા ગેરકાયદેસર સ્થળાંતરના મુદ્દે પણ મંત્રાલયે કડક વલણ અપનાવતા સ્પષ્ટ કર્યું છે કે ભારતમાં ગેરકાયદેસર રહેતા તમામ વિદેશી નાગરિકો સામે દેશના પ્રવર્તમાન કાયદા અનુસાર જ કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.
આ રાજદ્વારી હલચલ વચ્ચે વિદેશ મંત્રાલયે દિલ્હીના માલવિયા નગરમાં થયેલા ભયાનક માર્ગ અકસ્માત અંગે ઊંડો શોક વ્યક્ત કર્યો છે, જેમાં કુલ ૧૩ વિદેશી નાગરિકોના કરુણ મોત નીપજ્યા છે. આ અકસ્માતમાં જીવ ગુમાવનારાઓમાં નાઇજીરીયાના ચાર, કિર્ગિસ્તાનના ત્રણ, તેમજ મોઝામ્બિક, લાઇબેરિયા, બાંગ્લાદેશ, ઉઝબેકિસ્તાન, કોંગો અને ઇરાકના એક-એક નાગરિકનો સમાવેશ થાય છે. ભારત સરકાર હાલમાં આ અકસ્માતનો ભોગ બનેલા તમામ સંબંધિત દેશોના દૂતાવાસો સાથે સતત સંપર્કમાં છે અને પાર્થિવ દેહોને સન્માનપૂર્વક તેમના વતન મોકલવા માટે જરૂરી કાનૂની અને વહીવટી પ્રક્રિયાઓ યુદ્ધના ધોરણે પૂર્ણ કરી રહી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
