<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 5th June 2026

PoKમાં પાકિસ્તાન સામે પ્રચંડ બળવો: 7 દિવસ માટે ઈન્ટરનેટ ઠપ!

પાકિસ્તાન સરકારના વિશ્વાસઘાત સામે 'જમ્મુ કાશ્મીર જોઈન્ટ અવામી એક્શન કમિટી' દ્વારા 9 જૂનથી અનિશ્ચિત મુદતની હડતાળનું એલાન: જનઆક્રોશને દબાવવા ભારે લશ્કર તૈનાત કરાયું

મુઝફ્ફરાબાદ: પાકિસ્તાનના ગેરકાયદેસર કબજા હેઠળના જમ્મુ-કાશ્મીર માં પાકિસ્તાની શાસન સામે સ્થાનિક જનતાનો આક્રોશ ચરમસીમાએ પહોંચ્યો છે. આગામી 9 જૂનથી પ્રદેશના લોકો દ્વારા પાકિસ્તાન સરકાર વિરૂદ્ધ આરપારની લડાઈ અને અનિશ્ચિત મુદતની હડતાળ શરૂ કરવામાં આવનાર છે. આ મોટા વિરોધ પ્રદર્શનને કચડી નાખવા અને સ્થાનિકોનો અવાજ દબાવવા માટે પાકિસ્તાની વહીવટીતંત્રે આજથી આગામી 7 દિવસ માટે સમગ્ર PoJK માં મોબાઇલ ઇન્ટરનેટ સેવાઓ સંપૂર્ણપણે સ્થગિત કરી દીધી છે અને પ્રદેશને લશ્કરી છાવણીમાં ફેરવી દીધો છે.

આ પ્રચંડ જનઆંદોલનનું નેતૃત્વ 'જમ્મુ અને કાશ્મીર જોઈન્ટ અવામી એક્શન કમિટી' (JAAC) કરી રહી છે, જે અનેક સ્થાનિક સંગઠનોનું એક શક્તિશાળી જૂથ છે. વાસ્તવમાં, ગયા ઓક્ટોબરમાં થયેલા વ્યાપક વિરોધ પ્રદર્શન બાદ પાકિસ્તાન સરકારે પ્રદેશના વિકાસ અને નાગરિકોની સુવિધા માટે એક 32-મુદ્દાના કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. આ કરારમાં વીજળીના દરમાં ઘટાડો, ઘઉં પર સબસિડી, હાઇડ્રોપાવર રોયલ્ટીની ચુકવણી અને શાસકીય સુધારાઓ જેવા મુખ્ય વચનો સામેલ હતા, પરંતુ પાકિસ્તાને આ વચનો પૂરા ન કરીને સ્થાનિક જનતા સાથે મોટો વિશ્વાસઘાત કર્યો છે.

શૌકત નવાઝ મીરના નેતૃત્વમાં JAAC એ પાકિસ્તાન સરકારને આ વચનો પૂરા કરવા માટે 31 મે, 2026 સુધીનું કડક અલ્ટીમેટમ આપ્યું હતું. આ સમયમર્યાદા પૂરી થવા છતાં પાકિસ્તાન તરફથી કોઈ નક્કર પગલાં ન લેવાતા સમિતિએ આખરે 9 જૂનથી પ્રદેશવ્યાપી હડતાળની જાહેરાત કરી દીધી છે. આ આંદોલનને નિષ્ફળ બનાવવા માટે પાકિસ્તાને મોટી સંખ્યામાં વધારાના સુરક્ષા દળો તૈનાત કર્યા છે, જેના કારણે પ્રદેશમાં ભારે તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ છે.

(6:33 PM IST)