<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 5th June 2026

દેશભરમાં કુદરતનો પ્રકોપ: 11 રાજ્યોમાં વાવાઝોડા અને આકાશી વીજળીએ સર્જ્યો વિનાશ, ફ્લાઇટ્સ ડાયવર્ટ થતાં મુસાફરો મુશ્કેલીમાં

મધ્યપ્રદેશથી ઉત્તર પ્રદેશ સુધી તબાહીનું દ્રશ્ય: 800થી વધુ વૃક્ષો ધરાશાયી, ફરીદાબાદમાં ક્રેન પલટતા 3 કામદારોના મોત; હવામાન વિભાગનું 27 રાજ્યો માટે 'રેડ એલર્ટ'

નવી દિલ્હી : દેશભરમાં ચોમાસાના આગમન સાથે જ હવામાને અણધાર્યો વળાંક લીધો છે. ગુરુવારે દેશના 11 રાજ્યોમાં વાવાઝોડા અને ભારે વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કરી દીધું હતું. મધ્યપ્રદેશના ભોપાલમાં 70 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાયેલા પવનોએ 80થી વધુ વૃક્ષોને જમીનદોસ્ત કરી દીધા હતા, જ્યારે ઉત્તરપ્રદેશના નોઈડામાં તો સ્થિતિ એટલી વિકટ બની કે લગભગ 400 વૃક્ષો ઉખડી ગયા અને અનેક વાહનો દબાઈ ગયા હતા. આ કુદરતી આફતને કારણે દિલ્હી અને રાજસ્થાન તરફ જતી અનેક ફ્લાઇટ્સને ડાયવર્ટ કરવાની ફરજ પડી હતી.

ફરીદાબાદમાં કરુણાંતિકા અને અન્ય રાજ્યોમાં નુકસાન

હરિયાણાના ફરીદાબાદમાં વાવાઝોડાની અસર હેઠળ એક ફ્લાયઓવર નિર્માણ માટે વપરાતી ક્રેન ધડાકાભેર પલટી ગઈ હતી, જેમાં ત્રણ નિર્દોષ કામદારોના કમનસીબ મોત થયા છે. બિહારના ભાગલપુરમાં આકાશી વીજળી પડવાથી માતા-પુત્રી ઘાયલ થયા છે, જ્યારે રાજસ્થાનમાં તોફાની પવન અને કરાના વરસાદે ખેતી અને જનજીવનને ભારે નુકસાન પહોંચાડ્યું છે. જયપુરના પ્રખ્યાત હવા મહેલ પર પણ વીજળી પડવાની ઘટના કેમેરામાં કેદ થઈ હતી, જે વાતાવરણની ગંભીરતા દર્શાવે છે.

ચોમાસાની સ્થિતિ અને આગાહી

હવામાન વિભાગ (IMD) અનુસાર, ચોમાસું કેરળમાં સત્તાવાર રીતે પ્રવેશ કરી ચૂક્યું છે અને કર્ણાટક તેમજ તમિલનાડુના કેટલાક ભાગો સુધી વિસ્તર્યું છે. જોકે, ઉત્તર ભારત માટે આગામી બે દિવસ ખૂબ જ સંવેદનશીલ છે. 6 અને 7 જૂનના રોજ રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ અને પંજાબ સહિતના 27 રાજ્યોમાં વાવાઝોડા અને ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. એક તરફ વરસાદનો કહેર છે, તો બીજી તરફ રાજસ્થાનના 11 જિલ્લાઓમાં તાપમાન 40°C ને પાર કરી ગયું છે, જે ગરમીના પ્રકોપની સાક્ષી પૂરે છે.

વહીવટી તંત્ર એલર્ટ મોડ પર

હવામાનની આ અનિશ્ચિતતાને ધ્યાનમાં રાખીને IMD એ વિવિધ રાજ્યોમાં ઓરેન્જ અને યલો એલર્ટ જારી કર્યા છે. મધ્યપ્રદેશના 45 જિલ્લાઓ, ઉત્તરપ્રદેશના 38 જિલ્લાઓ અને બિહારમાં હીટવેવ તથા વરસાદના મિશ્ર સંકેતોને જોતા વહીવટી તંત્રને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે. ખાસ કરીને નાગરિકોને ઘરની બહાર નીકળતી વખતે અને મુસાફરી દરમિયાન અત્યંત સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.

(7:21 PM IST)