News of Friday, 5th June 2026
કાળઝાળ ગરમી વચ્ચે કુદરતનો પ્રકોપ: દેશભરમાં વાવાઝોડાનું તોફાની એલર્ટ!
ચોમાસાના આગમન પહેલા જ દિલ્હી અને ઉત્તર પ્રદેશ સહિત દેશના ૧૭ રાજ્યોમાં હવામાન વિભાગે જાહેર કરી આકાશી આફતની આશંકા : ૯૦ કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે વિનાશક પવન અને કેટલાક વિસ્તારોમાં કરા પડવાની ભારે ચેતવણી

નવી દિલ્હી: દેશમાં ભયંકર ઉનાળાની આકરી ગરમી વચ્ચે હવે કુદરતે પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવવાનું શરૂ કર્યું છે. ચોમાસાની સત્તાવાર એન્ટ્રી પહેલા જ દેશના મોટાભાગના વિસ્તારોમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટીએ જોર પકડ્યું છે. ભારતીય હવામાન વિભાગએ આગામી ૬ અને ૭ જૂન દરમિયાન દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર, હરિયાણા અને પંજાબ સહિત દેશના મહત્વના ૧૭ રાજ્યો માટે વાવાઝોડા અને ભારે વરસાદનું હાઈ એલર્ટ જારી કર્યું છે. આ કુદરતી પરિસ્થિતિ દરમિયાન પ્રદેશોમાં ૮૦ થી ૯૦ કિલોમીટર પ્રતિ કલાકની તોફાની ઝડપે વિનાશક પવન ફૂંકાવાની આશંકા છે, જે સામાન્ય જનજીવન અને મિલકતોને મોટું નુકસાન પહોંચાડી શકે છે.
હવામાન વિભાગના વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર, પવનની આ તીવ્ર ગતિ વ્યાપક તબાહી મચાવી શકે છે, જેના કારણે વૃક્ષો ધરાશાયી થવા અને વીજળીના થાંભલા પડી જવાની ઘટનાઓ બની શકે છે. ૬ જૂનના રોજ દિલ્હી, ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ, પંજાબ, મધ્ય પ્રદેશ, આસામ અને કેરળના કેટલાક સંવેદનશીલ વિસ્તારોમાં તીવ્ર પવનની સાથે આકાશી કરા પડવાની પણ પ્રબળ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ સિવાય બિહાર, ઝારખંડ, રાજસ્થાન, ઉત્તરાખંડ અને પશ્ચિમ બંગાળ જેવા રાજ્યોમાં સતત બે દિવસ સુધી વાવાઝોડા સાથે મુસળધાર વરસાદ પડવાની સંભાવનાને પગલે તંત્ર સંપૂર્ણપણે એક્શન મોડમાં આવી ગયું છે.
આ આકાશી આફત વચ્ચે એક રાહતના સમાચાર એ છે કે સતત પડી રહેલા તૂટક તૂટક વરસાદને કારણે દેશભરમાં પારો ગગડ્યો છે અને લોકોને આકરી ગરમી તેમજ લૂ માંથી મોટી રાહત મળી છે. જો કે, તોફાનની ગંભીરતાને જોતા હવામાન વિભાગે સામાન્ય નાગરિકો અને ખાસ કરીને ખેડૂતોને વાવાઝોડા અને વીજળીના કડાકા દરમિયાન ખુલ્લા ખેતરોમાં ન રહેવા તથા સુરક્ષિત આશ્રયસ્થાનોમાં આશરો લેવા માટે કડક સૂચના આપી છે. કોઈપણ મોટી જાનહાનિ કે દુર્ઘટનાને ટાળવા માટે સ્થાનિક વહીવટીતંત્રોને પણ સ્ટેન્ડબાય પર રાખવામાં આવ્યા છે.
(7:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
