<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 5th June 2026

હોર્મુઝ સંકટ વચ્ચે સાઉદીનો માસ્ટરસ્ટ્રોક: ભારત માટે નવો દરિયાઈ માર્ગ ખુલ્લો!

મધ્ય પૂર્વના યુદ્ધ અને હોર્મુઝ સ્ટ્રેટની નાકાબંધીથી ખોરવાયેલા વૈશ્વિક વેપારને બચાવવા સાઉદી અરેબિયાએ શરૂ કરી નવી શિપિંગ લાઇન: ભારતના મુન્દ્રા પોર્ટ અને આફ્રિકાના જીબુતી વચ્ચે સીધું કનેક્ટિવિટી જોડાણ

જેદ્દાહ: મધ્ય પૂર્વમાં અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધ અને હોર્મુઝ સ્ટ્રેટ ની નાકાબંધીના કારણે સમગ્ર વિશ્વનો દરિયાઈ વેપાર જોખમમાં મુકાયો છે. આ વૈશ્વિક કટોકટી વચ્ચે સાઉદી અરેબિયાએ એક મોટો આર્થિક માસ્ટરસ્ટ્રોક લગાવ્યો છે. સાઉદી પોર્ટ્સ ઓથોરિટી એ અમીરાત શિપિંગ લાઇનના સહયોગથી જેદ્દાહ ઇસ્લામિક પોર્ટ પરથી એક આધુનિક અને નવી શિપિંગ સેવાની ધમાકેદાર શરૂઆત કરી છે. લાલ સમુદ્રના આ સૌથી મોટા બંદરને સીધું ભારતના ગુજરાત સ્થિત 'મુન્દ્રા પોર્ટ' અને પૂર્વ આફ્રિકાના જીબુતી બંદર સાથે જોડવામાં આવ્યું છે, જે વૈશ્વિક સપ્લાય ચેઇનને તૂટતી બચાવવા માટે ગેમ-ચેન્જર સાબિત થશે.

આ નવી દરિયાઈ સેવાની કાર્ગો ક્ષમતા ૨,૧૪૪ વીસ ફૂટ સમકક્ષ એકમો (TEUs) સુધીની રાખવામાં આવી છે, જે મોટા પાયે માલસામાનની હેરફેર કરવા માટે સક્ષમ છે. સાઉદી અરેબિયા આ વ્યૂહાત્મક પગલા દ્વારા એશિયા, આફ્રિકા અને યુરોપ ખંડને જોડતા એક મજબૂત વૈશ્વિક લોજિસ્ટિક્સ હબ તરીકે ઉભરી આવવા માંગે છે. ઈરાન અને યુએસ વચ્ચેના હિંસક તણાવને કારણે ખાડીના પરંપરાગત જળમાર્ગો બંધ થતાં સંયુક્ત આરબ અમીરાત (UAE) અને ઈરાન સહિતના દેશો વૈકલ્પિક રૂટ શોધવા મજબૂર બન્યા હતા, ત્યારે સાઉદીની આ પહેલે આંતરરાષ્ટ્રીય બજારને મોટી રાહત આપી છે.

આ નવો સેફ રૂટ ભારતની અર્થવ્યવસ્થા અને વેપારીઓ માટે સંકટ સમયની સાંકળ સમાન સાબિત થશે. તાજેતરમાં ઈરાન દ્વારા હોર્મુઝ સ્ટ્રેટ બ્લોક કરી દેવાતા ભારતીય આયાત-નિકાસ અને ખાસ કરીને ક્રૂડ ઓઈલ તેમજ અન્ય જીવનજરૂરી ચીજવસ્તુઓના પરિવહનને મોટો ફટકો પડ્યો હતો. પરંતુ સાઉદીની આ નવી સર્વિસ સીધી મુન્દ્રા પોર્ટ સાથે કનેક્ટ થતી હોવાથી, યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાં ગયા વિના જ ભારતીય કન્ટેનરો સુરક્ષિત રીતે મધ્ય પૂર્વ અને આફ્રિકાના બજારો સુધી પહોંચી શકશે. આનાથી ભારતીય વેપારીઓનો પરિવહન ખર્ચ ઘટશે અને માલની ડિલિવરી પણ સમયસર થઈ શકશે.

(7:25 PM IST)