<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 5th June 2026

ચોમાસાની કેરળમાં એન્ટ્રી બાદ દક્ષિણના કેટલાક રાજ્યોમાં પણ મેઘરાજાની પધરામણી :જાણો ગુજરાતમાં ક્યારે પહોંચશે વરસાદ

દિલ્હી-NCR સહિત ઉત્તર ભારતમાં પણ વાવાઝોડા અને વરસાદનો દોર ચાલુ: શનિવારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં વરસાદની આગાહી

નવી દિલ્હી :ચોમાસાએ આખરે ભારતમાં દસ્તક આપી દીધી છે. પરંતુ આ વર્ષે ચોમાસું ત્રણ દિવસના વિલંબથી ભારત પહોંચ્યું છે. ગઈકાલે ગુરુવારે ચોમાસું કેરળમાં પ્રવેશી ચૂક્યું છે. આજે કેરળ, કર્ણાટક અને તમિલનાડુના કેટલાક ભાગોમાં વરસાદી માહોલ છવાયો છે. આગામી દિવસોમાં તે દેશના અન્ય રાજ્યો સુધી પહોંચશે. અહીં દિલ્હી-NCR સહિત ઉત્તર ભારતમાં પણ વાવાઝોડા અને વરસાદનો દોર ચાલુ છે. ગુજરાતમાં પણ જૂનના છેલ્લા સપ્તાહમાં ચોમાસાની એન્ટ્રી થશે તેવી સંભાવના છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ચોમાસું ગઈકાલે એટલે કે 4 જૂને દક્ષિણ-પશ્ચિમ અને દક્ષિણ-પૂર્વ અરબી સમુદ્રના બાકીના ભાગો, પશ્ચિમ-મધ્ય અને પૂર્વ-મધ્ય અરબી સમુદ્રના કેટલાક ભાગો, સમગ્ર લક્ષદ્વીપ દ્વીપસમૂહ, કેરળ, કર્ણાટક અને તમિલનાડુના કેટલાક ભાગો, કોમોરિન વિસ્તારના બાકીના ભાગો, દક્ષિણ-પૂર્વ બંગાળની ખાડી તેમજ દક્ષિણ-પશ્ચિમ, પશ્ચિમ-મધ્ય, પૂર્વ-મધ્ય અને ઉત્તર-પૂર્વ બંગાળની ખાડીના કેટલાક વધુ ભાગો તરફ આગળ વધી ગયું છે.

ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના 3 જિલ્લા ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર તેમજ દક્ષિણ ગુજરાતમાં સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ અને દમણ અને દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.

(8:51 PM IST)