<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 5th June 2026

તૃણમૂલ કોંગ્રેસમાં ભયાનક બળવો: વિભાજનની આરે હોવા છતાં મમતા બેનર્જીનો મોટો દાવ!

કારમી હાર બાદ TMC માં ભડકેલી બળવાની આગ વચ્ચે મમતાએ ભત્રીજા અભિષેક બેનર્જીને જ રાષ્ટ્રીય મહાસચિવ પદે યથાવત રાખ્યા : માત્ર ગણતરીના નેતાઓની હાજરી વચ્ચે સંગઠનનું કર્યું પુનર્ગઠન

કોલકાતા: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં અણધારી હાર બાદ સત્તાધારી તૃણમૂલ કોંગ્રેસ (TMC) અત્યારે ઈતિહાસના સૌથી મોટા રાજકીય વિભાજન અને આંતરિક બળવાની આરે આવીને ઊભી રહી ગઈ છે. પાર્ટીના ૮૦ માંથી ૫૮ ધારાસભ્યોએ બળવો પોકારીને ઋતાબ્રત બેનર્જીને પોતાના વિપક્ષના નેતા તરીકે ચૂંટી કાઢ્યા છે, જેને સ્પીકરે પણ સત્તાવાર માન્યતા આપી દીધી છે. આ ભયાનક રાજકીય કટોકટી વચ્ચે મમતા બેનર્જીએ ડેમેજ કંટ્રોલ માટે તાકીદની બેઠક બોલાવી હતી. જો કે, આ બેઠકમાં માત્ર ૮ ધારાસભ્યો અને ૬ સાંસદો જ રૂબરૂ હાજર રહેતા મમતા બેનર્જીની પકડ ઢીલી પડી હોવાના સ્પષ્ટ સંકેતો મળી રહ્યા છે, જો કે પક્ષે દાવો કર્યો છે કે આ માત્ર રાષ્ટ્રીય કારોબારીની બેઠક હતી અને અન્ય નેતાઓ વર્ચ્યુઅલી જોડાયા હતા.

પાર્ટીના મોટાભાગના વરિષ્ઠ નેતાઓ અને ધારાસભ્યોમાં મમતાના ભત્રીજા અભિષેક બેનર્જી સામે ભારે અસંતોષ અને આક્રોશ હોવા છતાં, મમતા બેનર્જીએ કોઈની પણ પરવા કર્યા વિના મોટો રાજકીય દાવ ખેલ્યો છે. તેમણે તમામ વિરોધને ફગાવીને અભિષેક બેનર્જી પર પોતાનો સર્વોચ્ચ વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને તેમને ફરીથી પક્ષના રાષ્ટ્રીય મહાસચિવ તરીકે નિયુક્ત કર્યા છે. જો કે, રાજકીય સંતુલન જાળવવા માટે ડોલા સેન અને ડેરેક ઓ'બ્રાયનને ઓલ ઈન્ડિયા જોઈન્ટ જનરલ સેક્રેટરી બનાવીને અભિષેકની મદદમાં મૂકવામાં આવ્યા છે. આ ઉપરાંત ચંદ્રિમા ભટ્ટાચાર્યને પશ્ચિમ બંગાળના ટીએમસી પ્રમુખ અને સયાની ઘોષને યુવા પાંખની કમાન સોંપવામાં આવી છે.

આ હાઈવોલ્ટેજ બેઠક બાદ તૃણમૂલ કોંગ્રેસે બળવાખોરો અને ભારતીય જનતા પાર્ટી (BJP) સામે કાનૂની અને રાજકીય યુદ્ધ છેડવાની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. સાંસદ કલ્યાણ બેનર્જીએ મીડિયાને જણાવ્યું હતું કે સ્પીકર દ્વારા નિયુક્ત કરાયેલું વિપક્ષના નેતાનું પદ તદ્દન ગેરકાયદેસર છે અને તેની વિરુદ્ધ તેઓ સોમવારે જ હાઈકોર્ટમાં અરજી દાખલ કરશે. ટીએમસી નેતાઓએ આકરા પ્રહારો કરતા કહ્યું છે કે ભાજપ દ્વારા તેમના કાર્યકરો પર થઈ રહેલા અત્યાચારો અને ખોટા કેસોનો તેઓ કોર્ટની અંદર અને શેરીઓમાં ઉતરીને જોરદાર સામનો કરશે. રાજકીય વિશ્લેષકોના મતે, ૨૦ જેટલા સાંસદો પણ બળવાના મૂડમાં હોવાથી મમતા બેનર્જી માટે આગામી દિવસો પક્ષના અસ્તિત્વને બચાવવા માટે અત્યંત કપરા સાબિત થશે.

(10:11 PM IST)