<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 5th June 2026

બંધારણ નિષ્ણાત અને પદ્મભૂષણ ડૉ. સુભાષ કશ્યપનું દુઃખદ નિધન: 97 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા

ડૉ. કશ્યપ દેશના અગ્રણી બંધારણીય નિષ્ણાત, રાજકીય વિશ્લેષક અને સંસદીય બાબતોના અગ્રગણ્ય એક્સપર્ટ હતા. તેમના નિધનથી દેશના રાજકીય, સંસદીય અને શૈક્ષણિક જગતમાં શોક .

નવી દિલ્હી :ભારતીય બંધારણ, સંસદીય પરંપરાઓ અને લોકશાહી સંસ્થાઓના પ્રખ્યાત વિદ્વાન ડૉ. સુભાષ સી. કશ્યપનું 97 વર્ષની વયે તેમના નિવાસસ્થાને અવસાન થયું છે. મળતી માહિતી અનુસાર, તેમનું મૃત્યુ કાર્ડિયો-પલ્મોનરી અરેસ્ટ(હૃદયરોગના હુમલા)ના કારણે થયું છે. ડૉ. કશ્યપ દેશના અગ્રણી બંધારણીય નિષ્ણાત, રાજકીય વિશ્લેષક અને સંસદીય બાબતોના અગ્રગણ્ય એક્સપર્ટ હતા. તેમના નિધનથી દેશના રાજકીય, સંસદીય અને શૈક્ષણિક જગતમાં શોકની લહેર છે.

10 મે, 1929ના રોજ જન્મેલા ડૉ. સુભાષ કશ્યપે ભારતીય સંસદ સાથે જોડાયેલી અનેક મહત્ત્વપૂર્ણ જવાબદારીઓ ખૂબ જ નિષ્ઠાપૂર્વક નિભાવી હતી. તેમણે વર્ષ 1953માં સંસદ સચિવાલયથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી અને લગભગ 37 વર્ષ સુધી સીધા સંસદ સાથે જોડાયેલા રહ્યા હતા. તેઓ વર્ષ 1984થી 1990 દરમિયાન 7મી, 8મી અને 9મી લોકસભાના મહાસચિવ (સેક્રેટરી જનરલ) રહ્યા હતા. આ ત્રણેય લોકસભાના કાર્યકાળ દરમિયાન સંસદીય કામકાજના સંચાલનમાં અને સંસદીય સંસ્થાઓને મજબૂત બનાવવામાં તેમણે અજોડ ભૂમિકા ભજવી હતી. વૈશ્વિક સ્તરે પણ તેમણે જિનીવા સ્થિત ઇન્ટરનેશનલ સેન્ટર ફોર પાર્લામેન્ટ્રી ડૉક્યુમેન્ટેશન(IPU)નું નેતૃત્વ કર્યું હતું.

ડૉ. સુભાષ કશ્યપ ભારતીય બંધારણ અને સંસદીય પ્રક્રિયાઓના એટલા મોટા જ્ઞાની હતા કે તેમણે પોતાના જીવનકાળ દરમિયાન 100થી વધુ પુસ્તકો અને 500થી વધારે રિસર્ચ પેપર્સ લખ્યા હતા. તેઓ ભારત સરકાર માટે પંચાયતી રાજ કાયદા અને સંસ્થાઓના માનદ બંધારણીય સલાહકાર પણ રહી ચૂક્યા હતા. આ ઉપરાંત, તેઓ લાંબા સમય સુધી ભારતીય રાષ્ટ્રીય બાર ઍસોસિએશન(INBA)ના પ્રમુખ તરીકે પણ કાર્યરત રહ્યા હતા. જાહેર બાબતો અને દેશના બંધારણીય માળખાને મજબૂત કરવામાં આપેલા અમૂલ્ય યોગદાન બદલ ભારત સરકાર દ્વારા વર્ષ 2015માં તેમને દેશના પ્રતિષ્ઠિત નાગરિક સન્માન 'પદ્મ ભૂષણ'થી નવાજવામાં આવ્યા હતા

(11:20 PM IST)