News of Friday, 5th June 2026
તમિલનાડુ ભાજપમાં ભૂકંપ: અન્નામલાઈ બાદ વધુ બે કદાવર નેતાઓના રાજીનામા!
અન્નામલાઈએ કેસરીયો ખેસ ઉતાર્યાના ગણતરીના કલાકોમાં જ રાજ્ય ઉપાધ્યક્ષ કરુણા નાગરાજન અને સચિવ સુમતી વેંકટેશે પક્ષ સાથે છેડો ફાડતા દક્ષિણ ભારતમાં ભાજપ સંગઠન વેરવિખેર

ચેન્નઈ: દક્ષિણ ભારતના રાજકારણમાં એક બહુ મોટો રાજકીય ઉલટફેર જોવા મળ્યો છે, જેણે તમિલનાડુ ભાજપના પાયા હચમચાવી દીધા છે. તમિલનાડુ ભાજપના ફાયરબ્રાન્ડ નેતા અને પૂર્વ પ્રદેશ અધ્યક્ષ કે. અન્નામલાઈના રાજીનામાના ગણતરીના કલાકોમાં જ પક્ષમાં મોટો બળવો ફાટી નીકળ્યો છે. ભાજપના રાજ્ય ઉપાધ્યક્ષ કરુણા નાગરાજન અને રાજ્ય સચિવ સુમતી વેંકટેશે પણ સત્તાવાર રીતે પક્ષમાંથી રાજીનામું આપી દેતાં તમિલનાડુ ભાજપને બેવડો ફટકો પડ્યો છે. અન્નામલાઈનું રાજીનામું ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીને સ્વીકારી લીધા બાદ પ્રદેશ સંગઠનમાં ભય વ્યાપી ગયો છે.
ટીવી ડિબેટનો જાણીતો ચહેરો અને પૂર્વ પ્રદેશ ઉપાધ્યક્ષ કરુણા નાગરાજને રાજીનામું આપ્યા બાદ ખુલ્લેઆમ જાહેરાત કરી છે કે તેઓ અન્નામલાઈના આગામી નવા રાજકીય પક્ષમાં જોડાવા ઈચ્છે છે. નાગરાજને અન્નામલાઈના વખાણ કરતા કહ્યું કે, તેઓ મુખ્યમંત્રી વિજય સહિત કોઈપણ મોટા નેતાની ભૂલો જાહેર કરવામાં ક્યારેય ડરતા નથી. ઉલ્લેખનીય છે કે નાગરાજન અગાઉ ૨૦૧૬માં માયલાપોર બેઠક અને ૨૦૧૭માં આરકે નગર પેટાચૂંટણી લડી ચૂક્યા છે, જો કે આ બંને ચૂંટણીમાં તેમનો જંગી પરાજય થયો હતો અને આરકે નગરમાં તો તેમને નોટા (NOTA) કરતાં પણ ઓછા મત મળ્યા હતા.
બીજી તરફ, રાજ્ય સચિવ સુમતી વેંકટેશે ભારે હૃદય સાથે સોશિયલ મીડિયા પર પોતાનો ત્યાગપત્ર પોસ્ટ કરીને પક્ષ સાથેના તમામ સંબંધો તોડી નાખ્યા છે. તેમણે લખ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને રાષ્ટ્રવાદના આદર્શોથી પ્રેરિત થઈને તેમણે લાંબો સમય પક્ષની સેવા કરી, પરંતુ વર્તમાન સંજોગોમાં તેઓ ભારે દુઃખ સાથે આ નિર્ણય લઈ રહ્યા છે. અન્નામલાઈએ તમિલનાડુની રાજકીય સંસ્કૃતિ બદલવાના ઉદ્દેશ્ય સાથે રાજીનામું આપ્યું હોવાનું જણાવતા હવે તમિલનાડુમાં ભાજપનું ભવિષ્ય ધૂંધળું દેખાઈ રહ્યું છે અને આગામી દિવસોમાં વધુ મોટા પતનની આશંકા સેવાઈ રહી છે.
(10:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
